વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6 નવેમ્બર, રવિવારે વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા વિસ્તારના નાનાપોંઢાની મુલાકાત લીધી હતી અને ત્યાં જનસભાને સંબોધન કર્યું હતું. એમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ વડા પ્રધાન મોદીની ગુજરાતમાં આ પહેલી જ મુલાકાત છે. વલસાડ જિલ્લાના આદિજાતી નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા યોજનાનું વડા પ્રધાન મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ ફૂલોથી શણગારેલી કારમાં ઉપસ્થિત થયા હતા. વિશાળ જનમેદનીએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.