સિંધુદુર્ગના તારકર્લી બીચ પર નૌકાદળ દ્વારા ‘નેવી ડે’ નિમિત્તે શક્તિ પ્રદર્શન રિહર્સલ

ભારતીય નૌકાદળ તેનો 52મો ‘નેવી ડે’ ઉજવી રહ્યું છે. આ નિમિત્તે નૌકાદળ દ્વારા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકાના તારકર્લી બીચ ખાતે અને દરિયામાં તેની પ્રહાર અને બચાવ શક્તિઓના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 યુદ્ધજહાજો અને સબમરીન તથા 40થી વધારે યુદ્ધવિમાનો અને હેલિકોપ્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ, 3 ડિસેમ્બર, રવિવારે નૌકાદળ દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ દિલધડક કવાયત જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. સાંજે અંધકાર છવાયા બાદ દરિયામાં જહાજોને રોશનીથી શણગારવામાં આવે છે જે દ્રશ્ય અદ્દભુત દેખાય છે.

‘નેવી ડે’ ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, સોમવારે સાંજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની મુલાકાતે આવવાના છે. તેઓ તારકર્લી બીચ ખાતે નૌકાદળનું શક્તિ પ્રદર્શન નિહાળશે. નૌસૈનિકો નેવી બેન્ડની સુરાવલી રેલાવશે. વડા પ્રધાન મોદી તાલુકાના ‘રાજકોટ કિલ્લા’ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. (તસવીરકારઃ દીપક ધુરી)