‘નેવી ડે-2023’ નિમિત્તે સિંધુદુર્ગ સમુદ્રકાંઠે નૌકાદળનું શક્તિ પ્રદર્શન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, સોમવારે મહારાષ્ટ્ર રાજ્યના સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકાના તારકર્લી બીચ ખાતે ભારતીય નૌકાદળ દ્વારા ‘નેવી ડે-2023’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નૌકાદળના શક્તિ પ્રદર્શન અને નૌસૈનિકોની દિલધડક કવાયતનો નજારો નિહાળ્યો હતો. એમણે વીર જવાનોને સંબોધિત પણ કર્યા હતા અને એમનો જુસ્સાને વધાર્યો હતો. કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, અન્ય મહાનુભાવો તથા નૌકાદળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરકારઃ દીપક ધુરી)

ભારતીય નૌકાદળ દર વર્ષની 4 ડિસેમ્બરે ‘નેવી ડે’ ઉજવે છે. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે આ જ તારીખે ભારતીય નૌકાદળે ‘ઓપરેશન ટ્રાઈડેન્ટ’ હાથ ધર્યું હતું અને કરાચી બંદર પર જોરદાર હુમલો કર્યો હતો. તે હુમલાને પગલે પાકિસ્તાન ભારતને શરણે આવી ગયું હતું.

વડા પ્રધાન મોદીએ તે પૂર્વે માલવણ તાલુકામાં આવેલા ‘રાજકોટ કિલ્લા’ ખાતે જઈને છત્રપતિ શિવાજી મહારાજની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને પ્રાચીન સમયને તાદ્દશ કરતી તસવીરોનું એક પ્રદર્શન નિહાળ્યું હતું. (તસવીર સૌજન્યઃ પીઆઈબી)