ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ‘નૌકાદળ-દિવસ’ની શાનદાર ઉજવણી…

ભારતીય નૌકાદળ દર વર્ષે 4 ડિસેમ્બરે ‘નેવી ડે’ની ઉજવણી કરે છે. આ વર્ષની ઉજવણી કાર્યક્રમનું આયોજન 4 ડિસેમ્બર, શનિવારે પશ્ચિમી નૌકા કમાન્ડ દ્વારા દક્ષિણ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે ‘બીટિંગ રીટ્રીટ અને ટેટૂ સેરેમની’ કાર્યક્રમનું આયોજન વાઈસ-એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ (ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવો તથા વિવિધ સંસ્થાઓનાં વરિષ્ઠ અધિકારીઓ, સંરક્ષણ દળોના વર્તમાન તથા ભૂતપૂર્વ અધિકારીઓ તથા એમનાં પરિવારજનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે પાકિસ્તાનના કરાચી બંદર પર ભારતીય નૌકાદળે ધમાકેદાર હુમલો કર્યો હતો. એ હુમલાએ યુદ્ધમાં ભારતના વિજયમાં મોટો ભાગ ભજવ્યો હતો. એ હુમલાની યાદમાં ભારતીય નૌકાદળ દર વર્ષે 4 ડિસેમ્બરે ‘નેવી ડે’ની ઉજવણી કરે છે. (તસવીર સૌજન્યઃ ભારતીય નૌકાદળ)

‘નેવી ડે-2021’ નિમિત્તે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા ભારતીય તિરંગાનું અનોખી, ભવ્ય રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે આ રીતે પ્રદર્શિત કરાયેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ બન્યો છે. આ તિરંગાને ખાદીમાંથી બનાવવામાં આવ્યો હતો, જેની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ હતી. એનું વજન આશરે 1,400 કિ.ગ્રા. હતું. ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ‘નેવી ડે-2021’ની ઉજવણીના દ્રશ્યો. (તસવીરોઃ દીપક ધુરી)