ભાજપની સંગઠન પર્વ સદસ્યતા ઝૂંબેશ હેઠળ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ ખાતે રાજ્ય સરકારના ઉર્જા પ્રધાન સૌરભ પટેલની ઉપસ્થિતિમાં બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૬ સભ્યો ભાજપામાં જોડાયા હતા. સૌરભ પટેલે ભાજપાનો કેસરીયો ખેસ પહેરાવીને તેમને ભાજપામાં વિધિવત્ રીતે આવકાર્યા હતા.
ભાજપા શાસિત બોટાદ નગરપાલિકામાં કુલ ૪૪ બેઠકો છે, જે અંતર્ગત હાલ ભાજપાના ૨૭ સભ્યો તથા કોંગ્રેસના ૧૭ સભ્યો છે, જેમાંથી કોંગ્રેસના ૬ સભ્યો આજે ભાજપામાં જોડાયા હતા.
બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૬ સભ્યો જેમાભાઇ બચુભાઇ ગોવિંદીયા (વોર્ડ નં.૪), નીતાબેન નરેશભાઇ પનારા(વોર્ડ નં.૪), મેઘજીભાઇ તલસાલીયા(વોર્ડ નં.૧૦), જસુબેન મનુભાઇ મેખીયા(વોર્ડ નં.૧૦), રંજનબેન વાટુકિયા (વોર્ડ નં.૧૧) તથા હંસાબેન કાનજીભાઇ શાકરીયા (વોર્ડ નં.૯)નો સમાવેશ થાય છે.
તો બીજી તરફ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસને જાકારો આપી જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરા તેમના સમર્થકો સાથે આજરોજ ભાજપામાં જોડાયા હતાં.
આ ઉપરાંત અખિલ સૌરાષ્ટ્ર રધુવીર સેનાના મહામંત્રી તથા જુનાગઢ જીલ્લાના અગ્રણી સામાજીક કાર્યકર કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા પણ તેમના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા
જીતુ વાઘાણીએ કહ્યું કે, એક સામાજીક કાર્યકર્તા તરીકે જનસેવા અને રાષ્ટ્રસેવા એ પ્રથમ લક્ષ્ય હોવું જોઇએ ત્યારે ભાજપાની રાષ્ટ્રપ્રથમની ભાવના, જનકલ્યાણકારી વિચારધારા અને વિકાસકાર્યોથી પ્રભાવિત થઇને ભાજપામાં જોડાયેલા સૌ કોઇનું સ્વાગત છે.
વધુમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસનું રાજકારણ જાતિવાદી છે. કોંગ્રેસના ભ્રષ્ટાચાર, વંશવાદ તથા દેશવિરોધી કારનામાંઓને લીધે સમગ્ર દેશમાં મૃતપાય બનેલી કોંગ્રેસ જુનાગઢમાં પણ હવે અંતિમ શ્વાસ લઇ રહી છે.