LED રોશનીથી પ્રકાશિત નોર્થ, સાઉથ બ્લોક્સ…

પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન તથા એની બાજુમાં આવેલી નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક ઈમારતોને બહારના ભાગે ૧૧ ઓક્ટોબર, બુધવારથી રોજ સાંજે આ રીતે ભવ્ય, રંગબેરંગી LED લાઈટિંગથી પ્રકાશિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ નવી ડાઈનેમિક, સ્ટેટિક પ્રકાશ વ્યવસ્થા સાંજે સાત વાગ્યે શરૂ કરાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એને પ્રત્યક્ષ રીતે નિહાળી હતી. એમની સાથે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ હતા. આ લાઈટિંગની વિશેષતા એ છે કે એમાં લોકોને ૧ કરોડ ૬૦ લાખ જેટલા વિવિધ રંગ સંયોજનો નિહાળવા મળે છે. આ પ્રકાશ વ્યવસ્થા અંતર્ગત ૨૧,૪૫૦ સ્ક્વેર મીટર ક્ષેત્રને રોજ સાંજે સાત વાગ્યાથી લઈ બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી આ રીતે ઝળહળીત કરવામાં આવશે. લાઈટિંગમાં પ્રત્યેક સેકંડે નવો રંગ જોવા મળે છે. આ પ્રકાશ વ્યવસ્થામાં વીજળી વપરાશનો બોજો ઓછો કરવા માટે ઓછા વોટના બલ્બ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.