કોલકાતા પોર્ટ ટ્રસ્ટ હવે ઓળખાશે શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ તરીકે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150મા સ્થાપનાદિન નિમિત્તે 12 જાન્યુઆરી, રવિવારે કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહમાં હાજરી આપી હતી અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામકરણ કર્યું હતું. આ પોર્ટ હવેથી શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ તરીકે ઓળખાશે, જેઓ ભારતીય જનસંઘના સ્થાપક હતા.
શ્યામાપ્રસાદ મુખરજી નેતા, બેરિસ્ટર અને ગણિતજ્ઞ હતા. તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન હતા.
વડા પ્રધાન મોદીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની સ્થાપનાનાં 150 વર્ષ નિમિત્તે એક વિશેષ ટપાલટિકિટનું અનાવરણ પણ કર્યું હતું. એ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકાર અને કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.