રવીના ટંડને ઝડપેલી તસવીરોનું ઓનલાઈન વેચાણ…

બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડન મુંબઈના બોરીવલી (ઈસ્ટ) ઉપનગરમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કની બ્રાન્ડ એમ્બેસેડર છે. પોતે ભારતપ્રવાસ દરમિયાન વન્યજીવન વિશે ઝડપેલી અને એની ફેવરિટ તસવીરોનું તે આજે, ભારતમાં વનજાળવણી કાયદો અમલમાં આવ્યો એની વર્ષગાંઠ નિમિત્તે ઓનલાઈન વેચાણ કરવાની છે – પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર. સંજય ગાંધી નેશનલ પાર્ક માટે આર્થિક ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશના ભાગરૂપે વન્યજીવનને લગતી પોતાની ફેવરિટ તસવીરોનું રવીના ઓનલાઈન વેચાણ કરી રહી છે. આ તસવીરોની મર્યાદિત આવૃત્તિ, ઓટોગ્રાફવાળી પ્રિન્ટ આ વેબસાઈટ ઉપર જઈને પણ ખરીદી શકાશે – www.SaltScout.com/Rudra-Foundation. રવીનાએ કહ્યું છે કે ‘સંજય ગાંધી નેશનલ પાર્ક આપણા મુંબઈ શહેરની અંદર આવેલો એક ખજાનો છે, જેનું આપણે રક્ષણ કરવાની જરૂર છે. જે કોઈ આ તસવીરો ખરીદશે એ કુદરત સાથે પોતાના સંપર્કની લાગણીનો અનુભવ કરશે એવી મને આશા છે.’ સંજય ગાંધી નેશનલ પાર્ક વિશ્વમાં કોઈ પણ મહાનગરની હદની અંદર આવેલું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન ગણાય છે. આ પાર્ક 103 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં પ્રસરેલું છે. અહીં 254 પ્રકારનાં પક્ષીઓ, 40 જાતિનાં પ્રાણીઓ, 78 જાતિનાં સર્પ, 150 પ્રકારનાં પતંગિયાં તથા 1300 પ્રકારનાં છોડ છે.