શ્રીદેવીનાં જીવનચરિત્ર પુસ્તકનું દીપિકાનાં હસ્તે વિમોચન…

બોલીવૂડની મહાન અભિનેત્રી સ્વ. શ્રીદેવીનાં જીવનચરિત્ર પુસ્તકનું 2 ડિસેંબર, સોમવારે મુંબઈમાં એક સમારંભમાં અભિનેત્રી દીપિકા પદુકોણે વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રીદેવીનાં નિર્માતા પતિ બોની કપૂરે કર્યું હતું. આ અંગ્રેજી પુસ્તકનું નામ છે - 'શ્રીદેવી: ધ ઈટર્નલ સ્ક્રીન ગોડેસ'. આ પુસ્તક લેખક-પટકથાલેખક સત્યાર્થ નાયકે લખ્યું છે અને એમાંની તમામ વિગતોને બોની કપૂરે મંજૂરી આપી હતી. દીપિકાએ પુસ્તકનું વિમોચન કરીને પહેલી કોપી બોની કપૂરને સુપરત કરી ત્યારે બોની કપૂર રડી પડ્યા હતા. દીપિકાએ એમને ભેટીને દિલાસો આપ્યો હતો. શ્રીદેવીનું 2018ની 24 ફેબ્રુઆરીએ દુબઈની એક હોટેલમાં બાથટબમાં પડી જવાથી અકસ્માતપણે મૃત્યુ થયું હતું. તેઓ દુબઈમાં એમનાં ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં ગયાં હતાં.