દિયા મિર્ઝાએ મહિલા ગોર પાસે લગ્નવિધિ કરાવી

બોલીવૂડ અભિનેત્રી અને મોડેલ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીના સોમવારે મુંબઈમાં ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે હિન્દુરિવાજ અનુસાર લગ્નગ્રંથિથી જોડાઈ. તેણે પોતાનાં લગ્નની વિધિ મહિલા ગોર પાસે કરાવી હતી. સામાન્ય રીતે લોકો પુરુષ ગોરમહારાજ પાસે લગ્નની વિધિ કરાવતાં હોય છે, પરંતુ દિયાએ એક અલગ ચીલો પાડવાનું પસંદ કર્યું. તેણે એ પ્રસંગની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે.

દિયાએ આ તસવીરો શેર કરીને શીલા અત્તા નામક મહિલા ગોરમહારાજનો આભાર માન્યો છે અને ‘જાગો’ અને ‘પેઢીસમાનતા’ના અર્થવાળા અંગ્રેજી હેશટેગ #RiseUp, #GenerationEquality મૂક્યા છે. એણે લખ્યું છેઃ અમારી લગ્નવિધિ કરાવવા બદલ શીલા અત્તા આપનો આભાર. આપણે સાથે મળીને જાગૃતિ લાવી શકીએ એમ છીએ, પેઢીની સમાનતા લાવી શકીએ એમ છીએ.

39 વર્ષીય દિયા અને 35 વર્ષીય વૈભવ, બંનેનાં આ બીજાં લગ્ન છે. દિયાએ આ પહેલાં એનાં બિઝનેસ પાર્ટનર સાહિલ સાંગા સાથે 2014માં લગ્ન કર્યા હતા અને 2019માં છૂટાછેડા લીધાં હતાં. મુંબઈનિવાસી વૈભવે યોગનિષ્ણાત સુનયના સાથે લગ્ન કર્યાં હતાં અને આ બંને પણ છૂટાછેડા લઈ ચૂક્યાં છે. સુનયનાથી વૈભવને એક પુત્રી થઈ છે સમાઈરા, જે એનાં પપ્પાનાં દિયા સાથેનાં લગ્નપ્રસંગે હાજર રહી હતી.

(તસવીર સૌજન્યઃ દિયા મિર્ઝા ટ્વિટર)