પદ્મશ્રી મીરાબાઈ ચાનુ, ભવાનીદેવીએ ગાંધીનગરને ઘેલું કર્યું

   ગાંધીનગર કલ્ચર ફોરમના ગરબા પાટનગરમાં ધૂમ મચાવી રહ્યા છે. ભારતના સ્ટાર એથ્લેટ્સ- વેઇટલિફ્ટર પદ્મશ્રી મીરાબાઈ ચાનુ અને ફેન્સીંગ (તલવારબાજી) ચેમ્પિયન સી.એ. ભવાનીદેવી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યાં હતાં.

       પીળા રંગના ચણિયાચોળીમાં સજ્જ પદ્મશ્રી મીરાબાઈ ચાનુ અને સી એ. ભવાનીદેવીએ ખેલૈયાઓ સાથે ગરબા કર્યા હતા અને રંગબેરંગી વસ્ત્રોમાં શોભતા ખેલૈયાઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. ભારતના આ સ્ટાર ખેલાડીઓ ગુજરાતના ગરબાથી અત્યંત પ્રભાવિત થયા હતા.       

મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી સન્માનિત પદ્મશ્રી મીરાબાઈ ચાનુએ વર્ષ 2021માં ટોકિયો ઓલિમ્પિકમાં 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તાજેતરમાં વર્ષ 2022 માં બર્મિંગામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ભારત માટે.ગોલ્ડ મેડલ જીત્યો હતો. મૂળ મણિપુરના ઇમ્ફાલનાં વતની સાઇખોમ મીરાંબાઈ ચાનુ ગુજરાતના ગરબાથી અત્યંત પ્રભાવિત થયા હતા.

           ફેન્સિંગ (તલવારબાજી)માં કોમનવેલ્થ ગેમ્સમાં વર્ષ 2018માં ભારતને ગોલ્ડ મેડલ જિતાડનાર ભવાનીદેવી ભારતની પ્રથમ મહિલા છે જેમણે તલવારબાજીમાં ગોલ્ડ મેડલ જિતાડ્યો છે. કારકિર્દી દરમિયાન 36 મેડલ હાંસલ કરનાર મૂળ તામિલનાડુના રહેવાસી સી. એ. ભવાનીદેવી પણ ગુજરાતના ગરબાથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. બંને ખેલાડીઓએ ખેલૈયાઓ સાથે ગરબે રમીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.          

નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ હેલ્લારોનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર ગઈકાલે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે પધાર્યાં હતાં. કોઈ પૂર્વ જાહેરાત વિના તેઓ ચૂપચાપ ગરબામાં જોડાઈ ગયાં હતાં અને ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા. 

છેક છેલ્લે કોઈ સ્વયંસેવકનું ધ્યાન જતાં શ્રદ્ધા ડાંગરને મુખ્ય મંચ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ખેલૈયાઓ અને ગરબા માટે તેમણે અહોભાવ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે પ્રતિવર્ષ ગરબે રમવા તેઓ ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં આવવાનું જ પસંદ કરશે.         

  પાંચમા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, જિલ્લા પોલીસ વડા શ્રી તરુણકુમાર દુગ્ગલ, ભારત સરકારના કાયદો અને ન્યાય મંત્રાલયની એક્સેસ ટુ જસ્ટિસ સ્કીમના હેડ શિખા કુંડલ, સ્કોટલેન્ડની સિર્થવૂડ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર શ્રી જીઓફ ક્રાઉલે, કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધર્મેશ મહંત પણ પધાર્યા હતા. તમામ મહાનુભાવોએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા અને આયોજનની બેહદ પ્રશંસા કરી હતી.    

       ગુજરાતની સુપ્રસિદ્ધ સંગીતકાર-ગાયક બેલડી આશિતા પ્રજાપતિ અને અમિત પ્રજાપતિએ ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં ગરબાની ભારે જમાવટ કરી હતી. પાંચમા નોરતે બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે પંક્તિ પટેલ અને પ્રિન્સ તરીકે ઈશરત સુમરા વિજેતા થયા હતા. જ્યારે ધરાંગી પટેલ અને અંકિત સોની રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ પેર તરીકે ઉત્સવ પરમાર અને બ્રિજેશ પરમાર વિજેતા થયા હતા.

આ કેટેગરીમાં દિવ્યેશ મકવાણા અને કુણાલ મકવાણાની જોડી રનર્સ અપ રહી હતી. 35 વર્ષથી વધુ વયની કેટેગરીમાં બેસ્ટ ક્વીન તરીકે હીના કંદોઈ અને કિંગ તરીકે જયેશકુમાર લવલી વિજેતા થયા હતા. આ કેટેગરીમાં હેમા પંડિત અને ભૌમિક ચૌહાણ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ-પ્રિન્સેસ તરીકે દિયા પરીખ અને પ્રિન્સ તરીકે અક્ષય પટેલ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં કરિશ્મા પટેલ, સૌરભ ઈન્દ્રેકર રનર્સ-અપ રહ્યા હતા.

            બેસ્ટ ટીનેજર-પ્રિન્સ તરીકે જૈમીન મકવાણા અને પ્રિન્સેસ તરીકે દેવાંશીબા જાડેજા વિજેતા થયા હતા. આ કેટેગરીમાં પ્રાંશુ શાહ અને પ્રાપ્તિ મહેતા રનર્સ અપ રહ્યા હતા.

બેસ્ટ કીડ કેટેગરીમાં પ્રિન્સી સોની અને નિર્મલ સોલંકી વિજેતા થયા હતા. જ્યારે જીયા જૈન અને દક્ષરાજસિંહ ઝાલા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં ખનક શુક્લ અને ધૈર્ય બાંભણિયા વિજેતા થયા હતા જ્યારે આર્વી સથવારા અને નિશિથ બાંભણિયા  રનર્સ અપ રહ્યા હતા. નિર્ણાયકો તરીકે શ્રીમતી ભૈરવી હેમંત કોશિયા, રત્ના શાહ, કુલદીપ શુક્લ, અર્ચના બારોટ અને શૈલી કારિયાએ સેવાઓ આપી હતી.