લોંગ જમ્પ ચેમ્પિયન શંકર મુરલીએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા…

ભાતીગળ ગામઠી પ્રવેશદ્વાર અને નયનરમ્ય પરંપરાગત સુશોભનથી શોભતા ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડે ખેલૈયાઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું છે. જીસીએફ ગ્રાઉન્ડનું મુખ્ય પ્રવેશદ્વાર સેલ્ફી પોઇન્ટ તરીકે હૉટ ફેવરિટ સ્થળ બન્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં તાજેતરમાં 8.08 મીટરના જમ્પ સાથે દેશ માટે સિલ્વર મેડલ જીતનાર ભારતના લાંબી કૂદના ખેલાડી શંકર મુરલી ત્રીજા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા. તેમણે પણ ખેલૈયાઓ સાથે મનભરીને સેલ્ફી લીધી હતી. ભાતીગળ પહેરવેશમાં આવતા ખેલૈયાઓ મન મૂકીને સેલ્ફી લઈ રહ્યા છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ કરી રહ્યા છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ આજકાલ ગરબા રસિકો અને સેલ્ફી લવર્સ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું છે.

નેશનલ ગેમ્સ અંતર્ગત ગુજરાત પધારેલા લોંગ જમ્પ ચેમ્પિયન શંકર મુરલી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમી રહેલા ખેલૈયાઓથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. રંગબેરંગી વસ્ત્રોમાં મ્હાલતા ખેલૈયાઓ સાથે એમણે સેલ્ફી લીધી હતી અને ગરબાના ફોટોગ્રાફ્સ લીધા હતા. ગાંધીનગર અને ગુજરાતવતી કલ્ચરલ ફોરમના જયરાજસિંહ સરવૈયાના હસ્તે મુરલી શંકરનું સન્માન-સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય કોસ્ટગાર્ડના રિજીયોનલ કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ અનિલકુમાર હરબોલા  પણ પરિવારજનો સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા. તેમની સાથે ચીફ સ્ટાફ ઓફિસર (ટેકનિકલ ડેપ્યુટી) ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ આર. એચ નાંદોદકર અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પંકજ અગ્રવાલ તથા સ્ટાફ ઓફિસર કમાન્ડન્ટ રુચિ પ્રિયા પણ ગરબામાં પધાર્યા હતા. એકએકથી ચઢિયાતા ખેલૈયાઓનું અદભુત નર્તન જોઈને કોસ્ટગાર્ડના અધિકારીઓ અત્યંત પ્રભાવિત થયા હતા.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ચીફ એરપોર્ટ ઓફિસર હિતાર્થ મંકોડીએ પણ પરિવારજનો સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા હતા. અદભુત આયોજન અને વ્યવસ્થા જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

ત્રીજા નોરતે ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર કી-બોર્ડ પ્લેયર અમિત ઠક્કર,  વર્સિટાઈલ સિંગર દીપ્તિ દેસાઈ અને સોનિક સુથારે ખેલૈયાઓને ગરબે રમાડ્યા હતા. તેમની સાથે દ્યુતિ બૂચ, ભૂમિકા ભટૃ, ઝલક દવે અને ગુંજન બ્રહ્મભટ્ટે રમઝટ બોલાવી હતી. ગાંધીનગરના પ્રારંભ કલાવૃંદના ભાઈઓનો મેર રાસ ગાંધીનગર જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. પ્રારંભ કલાવૃંદના કલાકારોએ ગઈકાલે રાજ્ય કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્પર્ધા પછી પ્રારંભના કલાકારો ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે પધાર્યા હતા અને તેમણે રાજ્ય કક્ષાએ રજૂ કરેલો મણીયારો મેર રાસ જીસીએફ ગ્રાઉન્ડમાં રજૂ કર્યો હતો. ઉપસ્થિત સૌ ખેલૈયાઓએ હર્ષોલ્લાસ થી પ્રારંભના કલાકારોને વધાવ્યા હતા ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં ત્રીજા નોરતે બેસ્ટ પરફોર્મન્સ (પ્રિન્સ) તરીકે ધ્રુવ શાહ અને પ્રિન્સેસ તરીકે શ્રેયા દક્ષિણી વિજેતા થયા હતા. જ્યારે સૂરજસિંહ ડાભી અને જ્હાન્વી પરમાર રનર્સ અપ રહ્યા હતા. કેનિલ પરમાર અને ગાયત્રી ઠક્કરની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી. જ્યારે જીનલ દખણી અને સુશીલ જાદવની જોડી રનર્સ અપ રહી હતી.

35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓની બેસ્ટ કિંગ કેટેગરીમાં પંકજ પટેલ વિજેતા થયા હતા. જ્યારે ક્વીન તરીકે સોનલ ઠક્કર વિજયી થયા હતા. આ કેટેગરીમાં યોગેશ શાહ અને અંતરકુંવરબા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સ તરીકે હર્ષદીપ પરમાર અને પ્રિન્સેસ તરીકે ઝીલ ભટ્ટ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં બિરેન પંચાલ અને વૈદેહી મસાણી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર પ્રિન્સ તરીકે માનુષ પટેલ અને પ્રિન્સેસ તરીકે અન્વી માને વિજયી થયા હતા. આ કેટેગરીમાં ક્રિષિવ બારોટ અને માની પુરોહિત રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કિડ કેટેગરીમાં જશ નાયી અને તમન્ના વર્મા વિજેતા થયા હતા. જ્યારે તારક સોલંકી અને જીયા દાવડા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં અથર્વ ચૌધરી અને માહીરા પંડ્યા વિજેતા થયા હતા જ્યારે શિવમ રાજ અને આરના ઓઝા રનર અપ રહ્યા હતા.

નિર્ણાયકો તરીકે નરેશ શાહ, લિનીમા શાહ, વીણાબેન વોરા, ભક્તિ ઓઝા અને ખુશ્બુ શુક્લએ અમૂલ્ય સેવાઓ આપી હતી.