મુંબઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ધામધૂમથી કરવામાં આવશે એમાં કોઈ શંકા નથી. ગણેશોત્સવનો આરંભ બીજી સપ્ટેંબરના સોમવારથી થવાનો છે, પરંતુ ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 18 ઓગસ્ટ, રવિવારે સાંજે-રાતે દક્ષિણ મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ગણપતિબાપાની વિવિધ રંગ, રૂપ અને આકારની વિરાટ મૂર્તિઓને વર્કશોપમાંથી લઈને વિવિધ સાર્વજનિક મંડળોમાં એમની બેઠક પર બિરાજમાન કરવા માટે ખુલ્લી ટ્રક કે ટેમ્પોમાં મૂકીને ભક્તો વાજતે-ગાજતે, નાચતા-કૂદતા, ગીતો-ભજનો ગાતાં પોતપોતાનાં મંડળ ખાતે લઈ જતા જોવા મળ્યા હતા. ઉપરની તસવીરનાં ગણપતિ ચીરાબજાર વિસ્તારનાં મંડળનાં છે.
ચંદનવાડી, ચીરાબજારનાં મંડળના ગણપતિ.
મુંબઈમાં હજારોની સંખ્યામાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે. ત્યાં ગણપતિ ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. ગણેશચતુર્થીના દિવસે વર્કશોપ્સમાંથી બાપાની મૂર્તિઓને મંડળો ખાતે લઈ જતી વખતે રસ્તાઓ પર અપાર ભીડ થતી હોય છે. એવી ભીડથી બચવા માટે હવે જુદા જુદા મંડળો હવે 10-15 દિવસ વહેલાથી જ બાપાની મૂર્તિઓને લઈ આવતા હોય છે અને એમને મંડળમાં બિરાજમાન કરાવે છે.