લોકગાયક હેમંત ચૌહાણ સહિત લોકસાહિત્ય કલાકારોએ ભાજપનો ભગવો ધારણ કર્યો

ગાંધીનગર- ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ્  ખાતે વિશ્વવિખ્યાત એવા ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપામાં જોડાયા હતાં.

આ કલાકારોમાં વિશ્વવિખ્યાત એવા લોકગાયક હેમંત ચૌહાણ, બંકિમભાઇ પાઠક, શ્રીમતી ભાવનાબેન લાબડીયા, સંગિતાબેન લાબડીયા, બિહારીભાઇ હેમુભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, અમુદાન ગઢવી, કિરિટદાન ગઢવી, શ્યામલ મુન્શી- સૌમિલભાઇ સહિત કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

આ ઉપરાંત ગોપાલ બારોટ, બ્રિજરાજ લાબડીયા, બટુક ઠાકોર, શશી પારેખ, જીતેન્દ્ર ઠક્કર, રાજેશ ઠક્કર, ડૉ. વિક્રમ પંચાલ, લોકગાયક સુખદેવ મંગળસિંહ ઝાલા, ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા શૈલેષ ગૌસ્વામી (મોરલો) તથા અભિનેત્રી ઝીલબેન જોષી સહિત ઉપસ્થિત સૌ કલાકારોને ભાજપાનો ખેસ પહેરાવી જીતુ વાઘાણીએ વિધિવત્ ભાજપામાં આવકાર્યા હતાં.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, હાલ સમગ્ર દેશ તથા ગુજરાતમાં ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ઉત્સાહભેર સદસ્યતા વૃદ્ધિ ઝૂંબેશની ઉજવણી થઈ રહી છે. ભાજપની રાષ્ટ્રપ્રથમ તથા ‘‘સર્વજન સુખાય સર્વજન હિતાય’’ ની વિચારધારાથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ કલાજગત તથા વિવિધ ક્ષેત્રોના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે.

એક સમય હતો કે મ્યુનિસિપાલિટીની ચૂંટણી જીતવી જનસંઘ માટે ખૂબ મોટી વાત હતી, અનેક પેઢીઓએ પોતાના જીવનના ઉત્તમ વર્ષ આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ન્યોછાવર કરી દીધા. ચાર-ચાર પેઢીઓએ કરેલા અથાક પરિશ્રમનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ તે ભાજપાના દરેક કાર્યકર્તા માટે એક સૌભાગ્યની બાબત છે. ભાજપ એ કરોડો કાર્યકર્તાઓથી બનેલો પરિવાર છે ત્યારે હું તેમને ભાજપા રૂપી પરિવારમાં હદયપૂર્વક આવકારું છું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]