GalleryCulture મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો આરંભ… January 21, 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 21 જાન્યુઆરી, મંગળવારે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેના સુપ્રસિદ્ધ સૂર્ય મંદિર ખાતે ઉતરાર્ધ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ર૧-રર જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઇ રહ્યો છે. આ ઉત્સવમાં મુંબઇના સુધા ચંદ્રન (ભરતનાટ્યમ્), ગ્રેસી સિંહ (ઓડીસી), વિનીતા શ્રીનંદન (મોહિનીઅટ્ટમ) અને આંધપ્રદેશના કે.વી. સત્યનારાયણ( કુચીપુડી બેલે)નું સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્સવના પ્રથમ દિવસે ગણેશવંદના, ભરતનાટ્યમ, ઓડીસી, કુચીપુડી બેલે, મોહિનીઅટ્ટમ જેવા નૃત્યોને કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રૂપાણીએ કહ્યું કે આપણી અનેકતામાં એકતાની ભારતીય સંસ્કૃતિ પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓનાં માધ્યમથી પરસ્પર જોડાયેલી છે. સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ નવી ચેતના-નવા જોમ નવી શકિતનો ઉદ્દીપક બન્યો છે. આ પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રધાન ઇશ્વરભાઇ પટેલ, રમતગતમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્રસચિવ સી.વી. સોમ, મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી, જિલ્લા પોલીસ વડા મનિષસિંહ, મોઢેરા ગામના સરપંચ, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ જ્યોતિષ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને મહેસાણા જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.