પ્રજાસત્તાક દિન 2020: ગુજરાતના ટેબ્લોમાં ‘રાણીની વાવ’ની ઝાંખી…

71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે 26 જાન્યુઆરી, રવિવારે નવી દિલ્હીમાં યોજવામાં આવેલી પરંપરાગત વાર્ષિક રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી જે ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેમાં ભારતની પ્રાચીન સ્થાપત્યકળાના ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત સમી 'રાણીની વાવ - જલમંદિર' ((Step-well)ની ઝાંખી દર્શાવવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવેલી રાણીની વાવ અથવા 'રાણકી વાવ' કે 'રાની કી વાવ'ને યુનેસ્કો સંસ્થાએ વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરી છે. સ્થાપત્યવિદ્યાની અજાયબી સમી આ વાવમાં જમીનથી ઊંડે એક પછી એક સાત માળનું બાંધકામ રાણી ઉદયમતીએ 1063ની સાલમાં એમનાં પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં આ વાવ બંધાવી હતી, જે રાણીની વાવ તરીકે પ્રખ્યાત થઈ છે.


દાયકાઓથી અલોપ થઈ ગયેલી સરસ્વતી નદીના પૂરના પાણી એક સમયે ઘૂસી ગયા બાદ આ વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્ત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે વાવનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. 'રાણકી વાવ' ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે અને પ્રાચીન ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.


રાણીની વાવની વિશેષતાઓઃ

 • વાવની લંબાઈ આશરે 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે
 • ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે.
 • જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવાઓ સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે એટલે કે ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો.
 • લોકજીવન સાથે સંલગ્ન સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
 • ઉત્તમ સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રનો લાલિત્યપૂર્ણ શિલ્પકલા સાથે સુભગ સમન્વય
 • અનોખું બાંધકામ- સાત મજલા અને 340 થાંભલાઓ
 • વાવની દીવાલો પર શૈવ અને વૈષ્ણવ માર્ગનાં અવર્ણનીય શિલ્પો
 • આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ: પૂર્વમાં પ્રવેશદ્વાર, પશ્ચિમ તરફ જળકુંડ
 • લગભગ 40 વર્ષ સુધી ચાલેલ રાણકી વાવનું બાંધકામ
 • અનુપમ કોતરણી ધરાવતા 340 સ્તંભો (થાંભલા)
 • શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો
 • શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, સૂર્ય, માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ
 • અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય
 • કમનીય કાયા પર સોળ શૃંગાર દર્શાવતાં મોહક નારી-શિલ્પો
 • રાણકી વાવનું બાંધકામ ઇસ 1022 થી 1062-63 સુધી ચાલ્યું હોવાનો ઉલ્લેખ છે. કાળક્રમે વાવ દટાઈ ગઈ હતી અને ભૂલાઈ ગઈ હતી.
 • 1968માં ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ.
 • રાણકી વાવ અમદાવાદથી રોડ માર્ગે આશરે 140 કિમી દૂર (આશરે બે-અઢી કલાક)
 • અમદાવાદ-મહેસાણા 75 કિમી. પાટણ-મહેસાણા આશરે 65 કિમી.
 • અમદાવાદથી મહેસાણા થઈ પાટણ જવું (અમદાવાદ-પાલનપુર હાઇવે પર)
 • ભારે વરસાદ/સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી. વિન્ટર સિઝન શ્રેષ્ઠ
 • વાવ જોવાનો સમય: સવારે આઠ પછી. સાંજે પાંચ/ છ વાગ્યા સુધી
 • મોટર માર્ગે જવું સારું. અમદાવાદ/ મહેસાણાથી સ્ટેટ ટ્રાંસપોર્ટ બસ સર્વિસ સારી
 • પોતાના ફોર-વ્હીલરમાં જવું સલાહભર્યું. રસ્તા સરસ
 • પોતાના નાસ્તા-પાણી લઈ જવું ઇચ્છનીય. બેઠકો-બાંકડા સાથે વિશાળ બગીચો.
 • સવારે વહેલા રાણકી વાવ વિઝિટ કરી પછી મોઢેરા સૂર્યમંદિર/બહુચરાજી જઈ શકાય
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]