ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાઃ અમદાવાદ ભક્તિમય…

0
1965
‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી નારા સાથે આજે અષાઢ સુદ બીજના પાવન દિવસ, 4 જુલાઈ, ગુરુવારે સવારે અમદાવાદમાં ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી છે. જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીની આ 142મી રથયાત્રાનું પર્વ અમદાવાદનાં ભક્તો ઉજવી રહ્યાં છે. શહેરના જમાલપુરસ્થિત નિજ મંદિરેથી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને એ સાથે ભગવાન એમનાં ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા પર નીકળ્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ સંપન્ન કરી હતી. તેમણે અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. એ પહેલાં, વહેલી સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એમના પત્ની સોનલ સાથે ભાગ લીધો હતો. આશરે 14 કિ.મી. લાંબી આ રથયાત્રા અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે અને ભગવાનનાં દર્શન કરવા માટે માનવમહેરામણ ઉમટ્યો છે. પરંપરા અનુસાર રથયાત્રાના રૂટ પર અનેક અખાડા દ્વારા વિવિધ પ્રકારનાં કરતબ જોવા મળતાં હતાં. રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે એમનાં બહેન શુભદ્રા અને ભાઈ બલરામનાં પણ રથ સામેલ છે. ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)