ભાજપની જીતની માનતા ફળી, તો સાઈકલ લઈ મોદીને મળવા ગયાં દિલ્હી…

અમરેલીઃ જનસામાન્યનો ઉમળકો ક્યારેક ક્યારેક એવા કિસ્સાનું સર્જન કરે છે કે જે લાંબાસમય સુધી યાદ રહે. કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખીમચંદભાઈએ રાખેલી આવી માનતાની ધારણા નહીં હોય. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ફરી દેશમાં નવી સરકાર રચાય તે માટે અમરેલીના ખીમચંદભાઈએ માનતા રાખી હતી કે લોકસભામાં ભાજપ જીતશે તો પોતે સાયકલ લઇને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જશે. ફરી મોદી સરકાર રચાઈ એટલે ખીમચંદભાઈએ પોતાની માનતા પૂરી કરી છે.

ખીમચંદભાઈ 1100 કિલોમીટર જેટલું સાઈકલિંગ કરીને દિલ્હી પહોંચ્યાં છે. દેશમાં 350+ બેઠકો સાથેની NDA સરકાર સત્તામાં આવી. નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બન્યાં. આ જંગી બહુમતીથી મળેલી જીત પાછળ ભાજપના અનેક કાર્યકરોની મહેનત હતી. જોકે, દેશમાં અનેક એવા લોકો હશે જેમણે ભાજપના આ વિજય માટે માનતાઓ બાધાઓ રાખી હશે.

ભાજપની જીતની ખુશીમાં ખીમચંદભાઈએ અમરેલીથી દિલ્હી સુધી 1100 કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યુ છે. વડાપ્રધાન મોદીએ પણ તેમની સિદ્ધિને બિરદાવી છે. ખીમચંદભાઈને દિલ્હીમાં મળીને વડાપ્રધાને ટ્વીટર પર તેમનો આભાર પણ માન્યો છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી કે ખીમચંદભાઈ અમરેલીના વતની છે અને તેમણે નક્કી કર્યુ હતું કે જો દેશમાં ભાજપ 300+ બેઠકો સાથે જીતશે તો તે સાયકલિંગ કરી દિલ્હી આવશે.

ખીમચંદભાઈ તેમના વચનને પાળતાં દિલ્હી સુધી આવ્યાં અને અનેક લોકોને પ્રેરણા આપી, હું તેમના આ કાર્યથી પ્રભાવિત થયો છું.