શ્રાવણ પ્રારંભે શિવજી અને દશામાના વ્રતઉપવાસ શરુ

અમદાવાદ– આજથી ભારતીય કાળગણનામાં અદકેરું મહત્ત્વ ધરાવતો પવિત્ર શ્રાવણ માસ શરુ થઇ ગયો છે. ધર્મપ્રેમીઓ માટે આ મહિનો ભગવાન મહાદેવના વિધવિધ દર્શનપૂજન અને અર્ચનયજનનો મહિમા ધરાવતો મહિનો છે. સંસારના ત્રિવિધ તાપ ટળે તેવી પ્રાર્થના સાથે મહાદેવજીને મનામણાં કરતાં ભક્તજનો શિવજીના શૃંગારિત મનોરમ્ય દર્શન કરીને પાવનતાની અનુભૂતિ કરતાં હોય છે.  ભક્તોના હૃદયમાં બિરાજમાન ભગવાન ભોળાનાથનું પૃથ્વીથી વ્યોમ સુધીનું વ્યક્ત-અવ્યક્ત સચરાચર સ્વરુપ નિહાળવું પવિત્ર શ્રાવણ માસમાં અનેરું મહાત્મ્ય ગાવામાં આવ્યું છે. શ્રાવણ માસની શરુઆતથી જ મહાદેવનો દર્શન લહાવો લેવા મંદિરોમાં શૃગાંર કરાયેલાં જોવા મળી રહ્યાં છે.

તો મહિલાઓમાં પ્રિય એવું દશામાનું વ્રત પણ શરુ થઈ ગયું છે. વાજતેગાજતે મૂર્તિની પધરામણી કરી મહિલાઓ મોટી સંખ્યામાં ગુજરાતમાં આ વ્રત કરે છે. દસ દિવસના આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુ બહેનો સાંઢણી પર સવારી કરનારા દશામા માતાજીની મૂર્તિને અવનવા શણગાર કરી લાડ લડાવે છે અને વ્રતની વાર્તા સાંભળે છે. મેવામીઠાઈનો પ્રસાદ ધરાવે છે.પરિવારની સુખાકારી તથા વિપત્તિના સમયમાં રક્ષા કરવા માટે મા દશામાને વિનવે છે.અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલ પાળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુ બહેનો દ્વારા ભક્તિભાવપૂર્વક દશામાના વ્રત માટે મૂર્તિસ્થાપના કરવામાં આવતાં બહેનો વ્રતલાભ લઇ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]