આપણી ચિંતા દર્શાવે છે કે આપણને ભગવાનમાં ભરોસો નથી

સંપત્તિનો ઉપભોગ કરવાની વાત આવે ત્યારે મને સંદીપ અને રાજદીપ એ બન્ને ભાઈઓનું ઉદાહરણ ચોક્કસ યાદ આવે. તેઓ ભોપાળમાં રહે છે. મારે જ્યારે પણ ભોપાળ જવાનું થાય ત્યારે હું એમના ઘરે જરૂરથી જાઉં છું. આ ભાઈઓ લાકડાંનો વ્યવસાય કરે છે. એમના બિઝનેસ વિશે તો વધુ જાણકારી નથી, પરંતુ સંદીપના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે તથા રાજદીપને એક દીકરો છે, જે ઑસ્ટ્રેલિયામાં ભણે છે.

આ બન્ને ભાઈઓએ જીવનમાં ઘણી મહેનત કરી છે. આજે તેઓ સાધનસંપન્ન છે. એટલું જ નહીં, તેઓ પોતાની સંપત્તિનો ઉપભોગ પણ આનંદપૂર્વક કરે છે. થોડાં વર્ષો પહેલાં સંદીપ અને એનાં પત્ની મીનાબેન ભારતનાં પૂર્વનાં રાજ્યોના પ્રવાસે ગયાં હતાં. એમને બન્નેને કવિતા, લલિત કળા, વગેરેમાં ઘણી રુચિ છે. રાજદીપ અને એના પત્ની સરિતાબેનને ક્રૂઝ લાઇનરમાં ફરવાનો શોખ છે. તેઓ દર વર્ષે એક વાર ક્રૂઝમાં જાય છે.

સંદીપ-રાજદીપની એકની એક બહેન પરણેલી છે અને હાલ યુનાઇટેડ કિંગડમમાં રહે છે. આ ભાઈઓએ વણલખ્યો નિયમ રાખ્યો છે કે તેઓ ક્યારેય એક સાથે ઑફિસેથી નીકળતા નથી. ઑફિસમાં કોઈને કોઈ હંમેશાં હોય છે.

મને એમના જીવનની એ વાત ઘણી ગમે છે કે તેઓ મહેનતથી રળેલી સંપત્તિનો આનંદપૂર્વક ઉપભોગ કરે છે. તેઓ પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરે છે અને એમાં પત્ની પણ સક્રિય છે.  મીનાબેન સંગીતની સાધના કરે છે. તેઓ દરરોજ બેથી ત્રણ કલાક સુધી રિયાઝ કરે છે.  સરિતાબેનને બાગકામ, વગેરેનો શોખ છે. એમના ઘરમાં સરસ મજાનું ઉદ્યાન પણ છે.

આપણે બધા ધનની પાછળ દોડ્યે રાખીએ છીએ અને જ્યારે આપણને લાગે કે હવે એ ઈચ્છા પૂરી થઈ ગઈ છે ત્યારે આપણે તેનો આનંદપૂર્વક ઉપભોગ કરવાની સ્થિતિમાં રહેતા નથી. આથી જ કહેવાનું કે જે-જે સમયે જેટલી સંપત્તિ હોય તેનો આનંદ માણો, શોખ વિકસાવો, સમાજ માટે કામ કરો અને પરિવાર સાથે મોજમસ્તીથી જીવો.

આપણા જીવનનો ઉદ્દેશ્ય ફક્ત ધન કમાવાનો હોવો ન જોઈએ. એ તો એક નિમિત્તમાત્ર હોવું જોઈએ. જીવનનો આનંદ અને ધન એકબીજાની સાથે સાથે આવવાં જોઈએ, એકના ભોગે બીજું આવે એવી સ્થિતિ ન હોવી જોઈએ. અમુક પ્રમાણમાં સંપત્તિ ભેગી થયા પછી જ હું મજા કરીશ એવું ક્યારેય વિચારવું નહીં. જોકે, અહીં ખાસ ધ્યાન રાખવું કે બચત અને રોકાણ કર્યા વગર ફક્ત પૈસા ઉડાડ્યે રાખવાનું કે કરજ લીધે રાખવાનું પણ યોગ્ય નથી. બધું કામ સંતુલિતપણે થવું આવશ્યક છે.

યોગિક વેલ્થ એટલે શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને આર્થિક સંપત્તિનો સુમેળ. એકના ભોગે બીજી સંપત્તિ મળે એનો કોઈ અર્થ નથી, કારણ કે એ સ્થિતિમાં ચિંતા, અસલામતી, અહમ, ઈર્ષ્યા, વગેરે લાગણીઓ જન્મે છે. અંતઃકરણપૂર્વક આરોગ્ય, સામાજિક જીવન, લાગણીઓ અને સંપત્તિ એ બધાનો આનંદ માણો.

તમારી સ્થિતિ શું છે એ બીજું કોઈ કહી નહીં શકે. તમને જ ખબર પડશે કે તમે સુખ અનુભવી રહ્યા છો કે અજંપો. નિયમિતપણે આત્મચિંતન કરો, પોતાની સાથે રહો, શ્વાસ પર ધ્યાન આપો, શાંતિપૂર્વક શ્વસન કરો. શ્વસન જેટલું વધારે શાંતિપૂર્વક થશે એટલી જ તમને વધારે માનસિક શાંતિ અનુભવાશે અને તમે જીવનની એકેએક પળનો આનંદ માણી શકશો.

ભગવાને જે આપ્યું એ બદલ એમનો પાર માનો. આપણને અજંપો, ચિંતા કે અસલામતી અનુભવાય ત્યારે તેનો અર્થ એવો થાય છે કે આપણને ભગવાનમાં શ્રદ્ધા નથી. બહાર ભલે ઘણી ધાર્મિકતાનો દેખાડો થતો હોય, અંદરખાને ઈશ્વર પર ભરોસો નથી એવું સ્પષ્ટ થાય છે.

યોગિક વેલ્થ એને જ કહેવાય, જે પ્રસન્નતા લાવે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)