પૈસાની વાત આવે ત્યારે આપણી તર્કશક્તિ બુઠ્ઠી થઈ જાય છે

ઘણાં વર્ષો પહેલાં હું સજોડે સિંગાપોર ફરવા ગયો હતો. એક સ્થાનિક તામિલ અખબારમાં તામિલમાં લખેલી એક જાહેરખબર હતી. તેમાં જેટલું લખાણ અંગ્રેજીમાં હતું એ અમે વાંચ્યું. એ જાહેખબર જાણીતી દક્ષિણ ભારતીય રેસ્ટોરાં ચેઇનની હતી. તેમાં ‘1 સિંગાપોર ડૉલર’ એટલું જ અંગ્રેજીમાં લખ્યું હતું. અમને લાગ્યું કે કોઈ ડિસ્કાઉન્ટ કૂપન હશે. આથી અમે સારું એવું ડિસ્કાઉન્ટ મેળવવા પાંચ અખબારો ખરીદ્યાં. અમે રાબેતા મુજબના ઓર્ડરની સાથે રેસ્ટોરાંના કૅશ કાઉન્ટર પર એ કૂપનો રજૂ કરી. કાઉન્ટર પરની વ્યક્તિએ પૂછ્યું, “ખાવાનું પાર્સલ જોઈએ છે કે બેસીને ખાવાનું છે.” અમે કહ્યું, “રેસ્ટોરાંમાં બેસીને ખાવાનું છે.”

એ કૂપનની ઑફર એવી હતી કે 1 સિંગાપોર ડૉલરમાં એક પ્લેટ ચના ભટુરા અને એક લાર્જ કોક મળશે. આમ, પાંચ કૂપન આપવાથી અમને પાંચ પ્લેટ ચના ભટુરા અને પાંચ લાર્જ કોક મળ્યાં. આ બધું અમે ઓર્ડર કરેલી ખાણીપીણીની બીજી વસ્તુઓ ઉપરાંત મળ્યું. અમે લાંબો વિચાર કર્યા વગર મેળવેલી પાંચ કૂપનોનું આવું પરિણામ આવ્યું!

અમને ભલે તામિલ આવડતું ન હતું, પરંતુ અમે અખબાર ખરીદતાં પહેલાં કોઈને પૂછીને ચોકસાઈ કરી શક્યાં હોત. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે તહેવારોના સમયે ઘણી વાર મીડિયા કે સોશિયલ મીડિયા પર આવતી ઑફરોથી લલચાઈ જઈએ છીએ અને એવી ઘણી વસ્તુઓ ખરીદી લઈએ છીએ, જેની આપણને જરૂર હોતી નથી.

આવું જ રોકાણની બાબતે પણ થતું હોય છે. આપણા નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય નહીં એવી સ્કીમમાં આપણે રોકાણ કરી દેતા હોઈએ છીએ. આપણું મન આપણને આ બધું કરવા પ્રેરે છે. ઑફરથી અંજાઈ જઈને આપણે થોડા સમય પૂરતા ઉન્માદમાં આવી જઈએ છીએ. આવા ઉન્માદથી બચવું જોઈએ. એક વખત એ ઊભરો શમી જાય પછી આપણને આપણી ભૂલ સમજાય છે, પરંતુ ત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આપણી જરૂરિયાત કરતાં વધારે પૈસા હોય ત્યારે આવું થતું હોય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક હાનિકારક હોય છે.

પૈસાની વાત આવે ત્યારે આપણી તર્કશક્તિ બુઠ્ઠી થઈ જાય છે, આપણે લાગણીઓમાં દોરાઈ જઈએ છીએ. પૈસાનો સવાલ હોય ત્યારે ‘તાર્કિક’નો વિરુદ્ધાર્થી શબ્દ ‘અતાર્કિક’ નહીં, પણ મોટાભાગે ‘લાગણીશીલ’ હોય છે. લાગણીના પ્રવાહમાં તણાઈને વર્તન કરવું નુકસાન નોતરે છે. કુરુક્ષેત્રના યુદ્ધ વખતની અર્જુનની માનસિકતા વિશે આપણે જાણીએ છીએ. એ વખતે એમને બીજા કોઈ નહીં, પણ ભગવાન કૃષ્ણે જ્ઞાન આપવું પડ્યું હતું અને સત્યનું ભાન કરાવવું પડ્યું હતું.

યોગિક વેલ્થ આપણા મનને શાંત અને સ્થિર રાખવાનું કહે છે. આપણે જેટલા શાંત અને સ્થિર રહી શકશું એટલા વધુ યોગ્ય નિર્ણયો લઇ શકશું અને આપણા નિર્ણયોનો વધુ આનંદ મેળવી શકીશું.

જીવનમાં પૈસાની વાત હોય કે બીજી કોઈ, હંમેશાં મનને શક્ય તેટલું વધારે શાંત રાખવાનો પ્રયાસ કરવો. આમ કહેવું સહેલું છે અને કરવું ઘણું જ અઘરું છે. આપણે બધા મનુષ્યો છીએ, રોબોટ નહીં; અને લાગણીશીલતા આપણો એક ગુણધર્મ છે. જોકે, ઈશ્વરે આપણને લાગણીઓની ચાલ સમજવાની શક્તિ પણ આપી છે અને આપણાં શાસ્ત્રોએ મર્કટ મનને કાબૂમાં રાખવાની રીત પણ શીખવી છે. સાધક બનવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરવો. એ સ્થિતિ આવ્યા બાદ ખરેખર શાંતિ મળશે.

યોગિક વેલ્થ શાંતિ અને શીતળતાનો વિષય છે, પ્રસન્ન રહો અને યોગિક વેલ્થનો આનંદ માણો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)