ગેયં ગીતા નામ સહસ્રં
ધ્યેયં શ્રીપતિ રૂપમ-અજસ્રમ્ |
નેયં સજ્જન સઙ્ગે ચિત્તં
દેયં દીનજનાય ચ વિત્તમ્ || 27 ||
“રોજેરોજ ગીતાનું પારાયણ કરો, તમારા મનમાં વિષ્ણુનું ચિંતન કરો અને તેમની સ્તુતિઓ ગાઓ. ઉમદા અને પવિત્ર લોકોના સંગે રહીને પ્રફુલ્લિત રહો. પોતાની સંપત્તિ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચીને ખાઓ.”
‘ભજ ગોવિંદમ’નો 27મો શ્લોક સંપત્તિના અલગ પાસાને સ્પર્શે છે તથા પ્રસન્નતા માટે કરવાની પ્રવૃત્તિઓની વાત કરે છે. જોકે, આપણે અહીં ધન-લક્ષ્મી-સંપત્તિ વિશે જ વાત કરવાની છે. શ્લોકમાં કહેવાયા મુજબ આપણે પોતાની સંપત્તિ જરૂરિયાતમંદોમાં વહેંચીને ખાવી જોઈએ. આપણામાંથી ઘણા લોકો નિયમિતપણે આવું કરતા હોય છે. જોકે, આપણે દાન-પુણ્ય કરતી વખતે પોતાની સંપત્તિ વહેંચી રહ્યા છીએ, વેચી રહ્યા છીએ કે વેરી રહ્યા છીએ એ ધ્યાનમાં લેવું આવશ્યક છે.
ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે લોકો સામેથી કંઈક મળવાની ઈચ્છા હોવાથી સખાવત કરતા હોય છે. કોઈ જગ્યાએ પોતાના કે વડીલોના નામની તકતી મુકાય કે નામ અથવા તસવીર પ્રગટ થાય, કોઈ હોદ્દો કે દરજ્જો (દા.ત. અસોસિયેશનના ચેરમેન કે સેક્રેટરી) મળે, કામ-ધંધામાં લાભ થાય એ બધા માટે લોકો દાન-પુણ્ય કરતા હોય છે. દા.ત. કોઈ સીનિયર પરચેઝ મૅનેજરને જે ધાર્મિક સંસ્થામાં ઘણી આસ્થા હોય તેના માટે દાન આપવાથી એ માણસ રાજી થઈને દાનદાતા સપ્લાયરને જ બધા ઓર્ડર આપવા લાગે. પ્રત્યક્ષ રીતે લાંચ આપવાને બદલે આ રીતે ફાયદો મેળવવા માટે દાન કરવાનો રસ્તો અપનાવવાનું ઘણું સામાન્ય છે.
આપણે ઘણા લોકોને કહેતાં સાંભળીએ છીએ કે તેઓ પોતાના નોકરોને અને પોતાના વર્તુળમાંના જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ કરે છે. ખરી રીતે તો માલિકે નોકરોની તમામ મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું જ હોય છે. જો કોઈ કારણસર વધારે પગાર આપવાનું શક્ય ન બને અથવા તો પગારવધારો આપી ન શકાય તો બોનસના સ્વરૂપે વધારે મહેનતાણું આપવામાં આવે છે. પગાર વધાર્યો હોય તો દર મહિને એ આપવો પડે, પણ જો બોનસ તરીકે રકમ આપવામાં આવે તો એમાં દર વખતે વધારો-ઘટાડો કરી શકાય છે. વળી, ક્યારેક બોનસ આપવામાં ન આવે તોય કોઈ કાનૂની બંધન હોતું નથી.
ખરી રીતે જોઈએ તો દાન એવી રીતે આપવામાં આવવું જોઈએ કે દાન લેનાર વ્યક્તિ પર માનસિક બોજ વધે નહીં. દાન કોણે આપ્યું છે એની દાન લેનારને ખબર ન પડવી જોઈએ. શાસ્ત્રોએ કહ્યું જ છે કે જમણા હાથે દાન કર્યું હોય તો ડાબા હાથને પણ તેની જાણ થવી જોઈએ નહીં.
હવે આપણે ધન વેરવાની વાત પર આવીએ. ઘણા લોકોના દાનને જોઈને આપણને એમ જ લાગે કે તેમને દાન આપવાનો શોખ છે. આપણે ત્યાં સુપાત્રને દાન કરવાની વાત કહેવામાં આવી છે, પરંતુ આવા લોકો ફક્ત દાન કરવા ખાતર કરતા હોય છે. તેમના દાન-પુણ્યના કોઈ ઢંગધડા હોતા નથી.
કેટલીક વાર લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ સામાજિક દબાણને વશ થઈને પણ દાન આપતા હોય છે. દાન મેળવનાર વ્યક્તિ એ દાન પચાવી શકવાની સ્થિતિમાં ન હોય તોપણ તેને દાન આપવામાં આવ્યું હોય એવું બની શકે છે. ધારો કે આદિવાસી વિસ્તારની કોઈ શાળામાં ફક્ત પાંચ લાખ રૂપિયાનું દાન આપવાથી આખા વર્ષનો ખર્ચ નીકળી જવાનો હોવા છતાં એ સંસ્થાને એકસામટું 15 લાખ રૂપિયાનું દાન આપવામાં આવે તો શું અર્થ? આંખની કોઈ સખાવતી હૉસ્પિટલ આખા વર્ષમાં વધારેમાં વધારે 1,000 ઓપરેશન કરી શકતી હોય તો તેમને 3,000 ઓપરેશન માટેના પૈસા એકસાથે આપી દેવાનો કોઈ મતલબ નથી.
દાન વહેંચવાની બાબતે અહીં દોહરાવવું જરૂરી છે કે દાન આપનાર અને લેનારની ઓળખ એકબીજાથી છૂપી રહેવી જોઈએ. આ રીતે દાન આપનાર ઘમંડ કરતો બચી જાય છે અને દાન લેનાર ક્ષોભથી બચી જાય છે. જો કોઈ સખાવતી સંસ્થાને દાન આપીને આવક વેરામાં છૂટ મળતી હોય તો એમાં કંઈ ખોટું નથી, પરંતુ દાન આપીને સામે કંઈ પણ મેળવવાની આશા રાખવી એ ખોટું છે.
સંપત્તિ વહેંચીને ખાવાથી સંતોષનો ઓડકાર આવે છે અને આંતરિક આનંદ મળે છે, જે બીજા કોઈ નાણાકીય વ્યવહારથી મળતો નથી.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)