સંપત્તિથી જ કલ્યાણ થઈ જતું નથી

અર્થમનર્થ ભાવય નિત્યં

નાસ્તિતતઃ સુખલેશઃ સત્યમ્ ।।

પુત્રાદપિ ધન ભાજાં ભીતિઃ

સર્વત્રૈષા વિહિતા રીતિઃ ।।29।।

સંપત્તિથી જ કલ્યાણ થઈ જતું નથી. ખરેખર, તેમાં કોઈ સુખ નથી. આ વાતને સદા ધ્યાનમાં રાખવી. ધનવાન વ્યક્તિને પોતાના પુત્રનો પણ ડર લાગતો હોય છે. સંપત્તિની બાબતે બધે આવું જ હોય છે.

અમેરિકાના સ્થાપકોમાંના એક – બેન્જામિન ફ્રેન્કલિને સાચે જ કહ્યું છે, ”ધનથી મનુષ્ય ક્યારેય સુખી થયો નથી અને થવાનો નથી. સુખ ઊપજાવે એવું કોઈ તત્ત્વ તેમાં નથી. મનુષ્ય પાસે જેટલું આવે તેના કરતાં વધારે જ તેને જોઈતું હોય છે. ધન શૂન્યાવકાશ ભરવાને બદલે ખાલીપો સર્જે છે.”

ભજ ગોવિંદમના શ્લોક 29માં સદીઓ પહેલાં આ વાત કહેવામાં આવી હતી. તેમાં કહેવાયા મુજબ ધન શૂન્યાવકાશ અને અસલામતી સર્જે છે.

”સંપત્તિ મારી પાસે નહીં રહે અથવા તો જો સંતાનો તેને નહીં સંભાળે તો મારું શું થશે” એવા વિચારોને પગલે અસલામતીની ભાવના જન્મે છે. ”મારી સંપત્તિ પેઢીઓ સુધી ચાલે એવું હું ઈચ્છું છું,” એમ કહેનારા ઘણા લોકો આપણે જોયા છે. તેમને જો પૂછીએ કે શું તમે વસિયતનામું બનાવશો, તો તેમાંથી ઘણા લોકો વસિયતનામું નહીં કરાવવા માટેનાં અનેક કારણો આગળ ધરશે. લોકો પેઢીઓ સુધી ધન ટકાવવા માગે છે, પરંતુ આગલી પેઢીના હાથમાં સોંપતાં ડરતા હોય છે. પોતે સંતાનો માટે ધન ભેગું કર્યા બાદ પણ તેમને ધન સોંપતા નથી. પોતાનાં બાળકો ધન સાચવવા જેટલાં પરિપક્વ, સમર્થ કે જવાબદાર થયાં નથી એવું તેમનું બહાનું હોય છે.

આ વાત પરથી શ્રેયા અને આકાશનું ઉદાહરણ યાદ આવે છે. ત્રીસીના છેવાડાના ભાગમાં પહોંચેલું આ યુગલ હતું. તેઓ બિઝનેસ પરિવારનાં હતાં. તેમણે ઘણું જટિલ વસિયતનામું બનાવ્યું હતું. પહેલી વાત તો એ કે તેમણે બધી જ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાખી હતી. એ કંપનીની બીજી એક હોલ્ડિંગ કંપની હતી. હોલ્ડિંગ કંપનીના શેર આંશિક રીતે પ્રાઇવેટ ટ્રસ્ટ પાસે હતા. તેમાંય વળી બીજી કેટલીક જટિલતાઓ હતી. તેમનાં સગીર વયનાં બે પુત્રો એ ટ્રસ્ટના લાભાર્થી હતા. ટ્રસ્ટ ડીડમાં લખવામાં આવ્યું હતું કે આ બાળકો વીસ વર્ષનાં થાય ત્યારે ટ્રસ્ટીઓએ તેમને સંપત્તિ વહેંચી આપવી. જોકે, એ વહેંચણી વખતે એટલું ધ્યાન રાખવું કે તેમની સંપત્તિ 35 વર્ષની ઉંમર સુધી ટકી રહે. 35મા વર્ષે ટ્રસ્ટીઓએ પોતાની મેળે નક્કી કરવું કે તમામ સંપત્તિ આ પુત્રોને આપી દેવી કે પછી તેમની 50 વર્ષની વય સુધી વહીવટ પોતાના જ હાથમાં રાખવો.

મારું માનવું છે કે જો આવું જ જટિલ વસિયતનામું બનાવવું પડતું હોય તો કરોડોની સંપત્તિ ભેગી કર્યાનો કોઈ અર્થ નથી. આ વસિયતનામામાં માનસિક અસલામતીનું પ્રતિબિંબ નજરે પડે છે. આ દંપતીને ડર હતો કે ક્યાંય તેમનો મોટો પુત્ર બધું ધન પચાવીને નાના ભાઈને રસ્તે રઝળતો ન કરી દે.

પોતાનું ધન ભાવિ પેઢીને નહીં સોંપવાનો નિર્ણય અસલામતીની ભાવનામાંથી જન્મે છે. વળી, અહીં આપણે વસિયતનામાની વાત કરી રહ્યા છીએ જે પોતાના મૃત્યુ પછી અમલમાં આવે છે. ‘આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા’ એવી કહેવત હોવા છતાં લોકો પોતાની સંપત્તિ પોતાના મૃત્યુ પછીય સંતાનોના નામે કરતાં ડરે છે.

આ ડરની પાછળ આપણા મનમાં ઘર કરી ગયેલી એક માન્યતા છે. એ માન્યતા એવી છે કે ધનથી આપણી બધી સમસ્યાઓનો હલ આવી શકે છે. ધન પ્રત્યેની આસક્તિ આપણા પોતાના અસ્તિત્વનો પ્રશ્ન બની જાય છે.

આથી મનુષ્યે ગુજરાન ચલાવવા માટેનાં ધન-સંપત્તિ અને અસ્તિત્વ માટેનાં ધન-સંપત્તિ એ બન્ને વચ્ચેનો ભેદ જાણી લેવો જોઈએ. આપણને રોટી, કપડાં અને મકાન, વગેરે માટે પૈસાની જરૂર પડે છે. તેમાં કોઈ મોટી ઘટ પડતી નથી. આમ છતાં, જ્યારે અસ્તિત્વ માટે નાણાંની જરૂર હોવાનું માનવામાં આવે છે ત્યારે સમસ્યા સર્જાય છે. એ તબક્કે મનમાં અસલામતી જાગે છે અને મગજ બરોબર કામ કરતું બંધ થઈ જાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)