મનના દુઃખને દૂર કરીને સુખ જન્માવે એવી કોઈ ભૌતિક વસ્તુ નથી

અમારા બિલ્ડિંગમાં કામવાળાઓ અને અન્ય કર્મચારી વર્ગ માટે એક અને સોસાયટીના સભ્યો માટે બીજી એમ બે લિફ્ટ છે. સભ્યોની લિફ્ટમાં કામવાળાઓ અવરજવર કરી શકે નહીં. ક્યારેક મને વિચાર આવે છે કે વ્યાવહારિક દૃષ્ટિએ આને વીજળીનો બગાડ કહેવાય. ઘરમાં કામ કરવાવાળાઓ કે બીજા કર્મચારીઓ શું કામ સોસાયટીના સભ્યોની લિફ્ટ વાપરી શકે નહીં?

આના પરથી મને જૂના જમાનાની એક હકીકત ધ્યાનમાં આવી. એક સમયે ભારતનાં ગામોમાં અમુક સમાજ માટે અલગ કૂવો રખાતો. ભિન્ન ભિન્ન સમાજ માટે અલગ અલગ વસ્તુઓ રાખવાની પ્રથા વિશ્વના અનેક દેશોમાં વિવિધ સ્વરૂપે હતી.

આવી રીતે સામાજિક ભેદભાવ કરવામાં આવે ત્યારે શિક્ષિત વર્ગ ભેદ રાખનારાઓને નિરક્ષર કહેતો હોય છે. અલગ કૂવા અને અલગ લિફ્ટ રાખવાનો શું અર્થ? ભારે સામાન લાવવા-લઈ જવા માટે અલાયદી લિફ્ટ હોય એ સમજી શકાય છે, પણ કામવાળાઓ માટેનો આ તફાવત સમજની બહારની વાત છે.

નવાઈની વાત છે કે આપણા સમાજમાં પડેલી ઘણી બધી રૂઢિઓ કે પ્રથાઓ કે વ્યવહારો આજે પણ આવા જ ભેદભાવ દર્શાવે છે. દા.ત. આપણે બધા મોટા મોટા સ્ટોરમાં જઈએ ત્યારે ઉંચા ભાવ આપતાં અચકાતા નથી, પણ કોઈ નાના ફેરિયા કે શાકભાજીવાળા પાસેથી વસ્તુ લેવાની વાત આવે ત્યારે આપણે ભાવતાલ કરવા લાગીએ છીએ. બીજી બાજુ, એવા સામાજિક દૃષ્ટિએ નબળા વર્ગના લોકોને મદદ કરવા માટે આપણે જ સંસ્થાઓ બનાવીએ છીએ અને એમાં ડોનેશનો આપીએ છીએ. વખત આવ્યે એમના માટે કપડાં-વાસણ જેવી વસ્તુઓ પણ દાનમાં આપીએ છીએ.

અમારા એક પરિચિતને ફેરિયાઓ સાથે ભાવતાલ કર્યા વગર ચેન પડે નહીં. એક દિવસ મેં એમને પૂછ્યું હતું, “તમે કોઈ રેસ્ટોરાંમાં જાઓ કે પ્લેનમાં મુસાફરીની ટિકિટ ખરીદવા જાઓ ત્યારે ત્યાં પણ ભાવતાલ કરો છો? તમે હોટેલમાં વેઇટરને એમ કેમ નથી કહેતા કે ઇડલીની પ્લેટમાં બેને બદલે મેનુમાં લખેલા ભાવમાં જ ત્રણ ઇડલી મૂકે?”

આવું વિરોધાભાસી વલણ આપણા દરેકના વર્તનમાં જોવા મળે છે. કદાચ, એને લીધે જ આપણે મનુષ્ય કહેવાઈએ છીએ, રોબોટ નહીં.

હકીકતમાં, આપણે એ સમજવું જોઈએ કે વર્તનના આવા વિરોધાભાસને લીધે આપણા મનમાં પણ વિરોધાભાસ સર્જાય છે અને પરિણામે માનસિક સંઘર્ષ થાય છે. મનમાં સંઘર્ષ હોય ત્યારે આપણે આનંદિત રહી શકતા નથી. સંઘર્ષ અને સુખ કે દુઃખ એ બધું જ આપણા મનમાં જન્મે છે. એવા સમયે બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં આવતી નથી. મનના દુઃખને દૂર કરીને સુખ જન્માવે એવી કોઈ ભૌતિક વસ્તુ નથી. કદાચ મનને થોડું સારું લાગે તોપણ એ ક્ષણિક આનંદ હોય છે, સુખ હોતું નથી.

વિચારોનો એક તફાવત અહીં ખાસ યાદ આવે છે. હું સવારે વહેલો ઊઠું ત્યારે મને ઘણું સારું લાગે. મને એ વાતનો આનંદ હોય કે બ્રહ્મમુહૂર્તમાં મારી આંખ ઊઘડી ગઈ. બીજી બાજુ, મારા એક વડીલ મિત્રને એવું લાગે છે કે એમને પૂરતી ઊંઘ મળી નહીં. આમ, એક જ પ્રકારની સ્થિતિમાં મનની પ્રતિક્રિયાઓ અલગ અલગ હોય છે.

યોગિક વેલ્થ આપણને તમામ પ્રકારની સંપત્તિનો આનંદપૂર્વક ઉપભોગ કરવા માટે આવા વિરોધાભાસ દૂર કરવાનું કહે છે. મન વચ્ચે આવે નહીં એવી એકેય સ્થિતિ હોતી નથી. જે દિવસે મન નડે નહીં એ દિવસે મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ એમ સમજવું. જોકે, મનના આ ભેદ અને ભરમને સમજવા એ પણ મહત્ત્વપૂર્ણ અવસ્થા છે. મનને કેળવવા માટે થોડી મહેનત કરવી પડે છે, પરંતુ એ કેળવણી ચોક્કસપણે શક્ય છે.

ચાલો, આપણે તમામ પ્રકારની સંપત્તિનો આનંદ માણવા માટે આપણાં મનને કેળવવાનું શરૂ કરીએ. આપણને યોગિક મન આપે એવી ઈશ્વર સમક્ષ પ્રાર્થના.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)