”તમારી પાસે લૅટેસ્ટ આઇ-ફોન છે?”
”હા, છે.”
”તેનો ભાવ શું છે?”
એક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ દુકાનદાર સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા. સેલ્સમૅને તેમને ફોન બતાવીને તેનાં ફીચર્સ તથા બાય-બૅકના વિકલ્પ સહિતની વિવિધ ઑફર સમજાવવાનું શરૂ કર્યું.
ભારતીય વિદ્યાભવન પ્રકાશિત અને સી. રાજગોપાલાચારી લિખિત ‘રામાયણ’ની નકલ એ વખતે નરેન્દ્રભાઈના હાથમાં હતી. એ અરસામાં નવામાં નવા આઇ-ફોનનો ભાવ 68,000 રૂપિયા હતો અને સી. રાજગોપાલાચારીની રામાયણનો ભાવ 188 રૂપિયા હતો.
ઉક્ત ઘટના પરથી મને ઋગ્વેદના શ્રીસૂક્તમમાં લખેલો એક મંત્ર યાદ આવ્યો. એ મંત્રમાં ભાવ અને મૂલ્ય વચ્ચેનો ફરક સમજાવવામાં આવ્યો છે.
આઇ-ફોનનો ભાવ વધારે છે, જ્યારે રામાયણનું મૂલ્ય વધુ છે; ખરું પૂછો તો રામાયણ અમૂલ્ય છે.
ભારતમાં જન્મ લેવા બદલ હું મારી જાતને ધન્ય ગણું છું, કારણ કે આપણા ઋષિ-મુનિઓએ આપણને ભાવ અને મૂલ્ય વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. આપણે પ્રમાણમાં ઓછું મૂલ્ય અને વધુ ભાવ ધરાવતો આઇ-ફોન ખરીદવો નહીં એવું હું કહેતો નથી. મારું એ જ કહેવું છે કે ખરીદી કરતી વખતે ફક્ત ભાવના આધારે નિર્ણય લેવો નહીં.
હવે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. રીટાબેન મુંબઈના કેમ્પ્સ કોર્નર વિસ્તારમાં પ્રખ્યાત ડિઝાઇનર રિતુ કુમારના શોરૂમમાં દાખલ થયાં. તેમના પતિ રાજેન્દ્રભાઈનું હીરાબજારમાં મોટું કામકાજ હતું. તેઓ બેંગકોકમાં પોતાના નાના ભાઈની દીકરીનાં ડેસ્ટિનેશન વેડિંગમાં પહેરવા માટેનો ડ્રેસ ખરીદવા ગયાં હતાં. તેમણે ઢગલાબંધ ડ્રેસમાંથી સવા લાખ રૂપિયાનો એક ડ્રેસ ખરીદ્યો.
તેના પાછલા દિવસે નોકરાણીને ઠંડીમાં ધ્રૂજતી જોઈને તેમણે તરત જ પોતાનું જૂનું સ્વેટર કબાટમાંથી કાઢીને આપી દીધું હતું. આ સ્વેટર વર્ષો પહેલાં તેમણે લંડનના હેરોડ્સ શોરૂમમાંથી ખરીદ્યું હતું. હવે એની ફૅશન નહીં હોવાથી તેમણે એ પહેરવાનું બંધ કરી દીધું હતું. હવે તમે વિચાર કરો, તેમનું જૂનું સ્વેટર વધુ મૂલ્યવાન ગણાય કે તેમણે ખરીદેલો નવો ડ્રેસ?
જેની પાસે પૈસો છે તેઓ તેનો ઉપયોગ કરવાના અધિકારી છે. કોને ખર્ચ કહેવાય અને કોને ઉડાઉપણું કહેવાય એના વિશે દરેકનો મત અલગ અલગ હોય છે, આથી હું એમાં નહીં પડું. મારી તો નમ્ર વિનંતી એટલી જ છે કે જ્યારે પણ આપણે ખરીદી કે વેચાણ કરીએ, કે પછી કોઈને ભેટ આપીએ ત્યારે ભાવ અને મૂલ્ય બન્નેનો વિચાર કરી લેવો જોઈએ. ભાવ વિશે વાત કરીએ ત્યારે તેમાં ‘વાજબી’, ‘મોંઘી’ અને ‘અતિશય મોંઘી’ એમ ત્રણ શ્રેણીઓ આવે છે. મૂલ્યમાં ‘મૂલ્યવાન’, ‘મહામૂલી’ અને ‘અમૂલ્ય’ એવી ત્રણ શ્રેણીઓ હોય છે.
અત્યાર સુધીની વાતો પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે આપણે તમામ ખરીદીમાં મૂલ્ય જોવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વિક્રેતા સમક્ષ તેની વાત કરવી જોઈએ. અહીં એક ઉદાહરણ જોઈ લઈએઃ
પારુલ નામની એક યુવતીએ પોતાની વૃદ્ધ માતા સમક્ષ કરેલું ઘટનાનું આ વર્ણન છેઃ ”મધરાતનો ત્રણ વાગ્યાનો સમય હતો. તને હૉસ્પિટલમાં દાખલ કરી છે એવું મને ફોન પર કહેવામાં આવ્યું. આથી હું સાવ ગભરાઈ ગઈ અને શું કરવું તેની ગમ પડતી ન હતી. મેં પુછાવ્યું તો ખબર પડી કે રાજકોટ માટેની ફ્લાઇટ મળસ્કે 4.30 વાગ્યાની છે. ઍરપોર્ટ પર પહોંચવા માટે મારી પાસે અડધા કલાકનો સમય હતો. હું બિલ્ડિંગમાંથી નીચે આવી ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. મેં એક ટૅક્સી ડ્રાઇવરને ઊંઘમાંથી ઉઠાડ્યો અને મારી સ્થિતિની જાણ કરી. મને અંદેશો હતો કે આવા સમયે એ મારી પાસે મોંમાગ્યા પૈસા માગશે અને મારે એ આપ્યા વગર છૂટકો નથી. જો કે, એણે મારી પાસે મીટર પ્રમાણે 127 રૂપિયા જ માગ્યા ત્યારે મને આશ્ચર્ય થયું. એણે મને એમ પણ કહ્યું કે હું ઍરપોર્ટની અંદર જાઉં ત્યાં સુધી એ મારું ધ્યાન રાખશે. કોઈ કામ હોય તો ફોન કરવા માટે એણે મને પોતાનો ફોન નંબર પણ આપ્યો.”
હવે તમે જ કહો, આ કિસ્સામાં ટૅક્સી ભાડું 127 રૂપિયા હતું, પણ તેનું મૂલ્ય કેટલું હતું???? પારુલે રાજકોટથી પાછા ફર્યા બાદ ટૅક્સીવાળાને પેંડાનું બૉક્સ મોકલાવીને મમ્મીનાં ખબરઅંતર પણ આપ્યાં.
તો, આવી છે ભાવ અને મૂલ્યની વાત.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)