કરજની બેધારી તલવારને વહેલામાં વહેલી મ્યાન કરી દેવામાં જ શાણપણ છે

(જે ઋણ ચૂકવવું જોઈએ એ નહીં ચૂકવીને હું ઋણી થઈ ગયો છું. આ બળવાન ઋણને લીધે યમરાજના વશમાં ભ્રમણ કરીશ. હે અગ્નિદેવ, આપ ઋણને લીધે ઊભા થનારા પારલૌકિક પાશમાંથી મુક્ત કરનારા જ્ઞાતા છો. આથી પ્રાર્થના છે કે મને આપની કૃપાથી ઋણમુક્ત કરી દો.)

(ઋણ પાછું વાળવાની ઇચ્છા હોવા છતાં અને પાછું આપવાનું વચન આપ્યું હોવા છતાં હું એમ કરી ન શક્યો. સમસ્ત પ્રાણીજગતના હિતેચ્છુ અને સૌને વસાવનારા અધિપતિ હે અગ્નિદેવ, તમે આ દોષમાંથી બચાવો અને પુણ્યલોકમાં ઉત્તમ ગતિ પ્રદાન કરો.)

અથર્વ વેદના સ્કંધ 6ની સંહિતા 117 અને 119માં ઋણ એટલે કે કરજ વિશે ચર્ચા કરવામાં આવી છે. મનુષ્યો પાસે ઉછીનાં લીધેલાં નાણાંથી લઈને કુદરત અને પૃથ્વી પાસેથી મળેલાં અલગ અલગ ઋણ વિશે આમાં વાત કરવામાં આવી છે. જોકે, આપણે ફક્ત નાણાકીય કરજની વાત કરશું.

થોડા દિવસ પહેલાં ટીવી પર એક રસપ્રદ મુલાકાત ચાલી રહી હતી. એન્કર રાક્ષસનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો.

એન્કરઃ તારું અત્યાર સુધીનું સૌથી વધુ ક્રૂર કૃત્ય કયું?

રાક્ષસઃ હું ફક્ત ક્રૂર કૃત્યો જ કરું છું. હત્યાઓ, યુદ્ધ, આતંકવાદી પ્રવૃત્તિઓ, વગેરે.

એન્કરઃ તને કયાં કૃત્યો કર્યાનું અભિમાન છે?

રાક્ષસઃ વિશ્વયુદ્ધો, બોમ્બમારા, રોગચાળા, બાળકોને અનાથ બનાવવા, વગેરે, વગેરે.

એન્કરઃ તારી પ્રવૃત્તિઓમાં તું શિરમોર ગણતો હોય એવું એક કૃત્ય બતાવ.

રાક્ષસ (વિચાર કરીને): ક્રેડિટ કાર્ડનું સર્જન.

આવી આ ક્રેડિટ અને કરજ વિશે થોડી ચર્ચા કરી લઈએ.

સંજય ત્રિવેદી નામના ક્લાયન્ટે ગયા અઠવાડિયે મને ફોન કરીને કહ્યું કે તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે એ મુક્તપંખી બની ગયો છે. એ મોટી કૉર્પોરેટમાં કામ કરતો હતો. તેને ત્યાં કામ કરવાનું વાતાવરણ અને ત્યાંની કાર્યપદ્ધતિ જરાપણ ગમતાં ન હતાં પરંતુ તેણે લૉન લીધેલી હતી તેથી ગમે તેમ ચલાવી લેતો હતો. તેણે મારી સલાહ માગી ત્યારે મેં તેને કહ્યું કે બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવીને લૉન ચૂકતે કરવાનું પગલું જ સમજદારીભર્યું છે.

રીટા અને સુંદરનો કિસ્સો આના કરતાં અલગ સ્વરૂપનો હતો. રીટા એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કરતી હતી. સુંદર ટેલીકોમ કંપનીમાં બ્રાન્ડિંગનું કામકાજ કરતો હતો અને ઉંચા હોદ્દા પર હતો. રીટાની એજન્સીને સુંદરની કંપની માટે એડવર્ટાઇઝમેન્ટ બનાવવાનું કામ મળ્યું હતું. આ નિમિત્તે બન્ને વચ્ચે મુલાકાતો વધી અને પ્રેમના અંકુર ફૂટ્યા. થોડા જ વખતમાં તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. લગ્ન પછી થોડો વખત તો તેઓ ભાડાના ઘરમાં રહ્યા પરંતુ પછી કરજ લઈને ઘર ખરીદવાનો નિર્ણય લીધો.

શરૂઆતમાં બધું સમુંસૂતરું ચાલ્યું. બન્નેનો પગાર સારો હતો, યૌવનનો થનગનાટ હતો અને એકંદરે સારી સ્થિતિ હતી. તેઓ જીવનનો આનંદ માણી રહ્યાં હતાં. વૅકેશનો અને વીકેન્ડ માણવાં, નવાં નવાં ગેજેટો ખરીદવાં, શોપિંગ પર જવું, બહાર ખાવું-પીવું, એ બધા જ પ્રકારની તેમની મોજ ચાલી રહી હતી. પણ… અચાનક સુંદરની કંપનીએ કર્મચારીઓના પગારમાં ધરખમ ફેરફારો કરતાં સુંદરનો પગાર 40 ટકા ઘટાડવામાં આવ્યો.

મોજભરી જિંદગી અને ઉપરથી હોમ લૉન. કરજ પાછું વાળવામાં તકલીફ પડવા લાગી. ફરજિયાત ભરવી પડે એટલી રકમ ભરીને બાકીની રકમ કૅરી ફોરવર્ડ કરવાનું શરૂ કર્યું. જોકે, આ સ્થિતિમાં પણ તેમણે જીવનશૈલીમાં કોઈ ફેરફાર કર્યો નહીં. તેમણે ક્રેડિટ કાર્ડ લઈ લીધું. એક કાર્ડમાંથી ખર્ચ કરીને બીજામાંથી ભરપાઈ કરવાની રીત અપનાવી. પછીથી પર્સનલ લૉન માટે અરજી કરી. ધીમેધીમે તેઓ કરજના ડુંગર હેઠળ આવી ગયાં.

દેખીતી વાત છે કે તેમની માનસિક તાણ પણ વધવા લાગી. ક્યારેક તેમની વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ જતી. તેમણે રિકવરી એજન્સીઓના ફોન લેવાનું બંધ કર્યું. જીવન નરક બનવા લાગ્યું. લગ્નજીવનમાં ખટરાગ ઊભો થઈ ગયો. લૉનનો રાક્ષસ અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

‘કરજમાં ડૂબી જવું’ એ શબ્દપ્રયોગ આપણે સાંભળતાં આવ્યા છીએ. હાલનાં વર્ષોમાં આ સ્થિતિમાં લોકો આત્મહત્યા કરવા લાગ્યા છે એ પણ આપણે જાણીએ છીએ. મોટી સંખ્યામાં યુવાનો કરજના બોજ હેઠળ આવતાં જોવા મળે છે. લોકો એક લૉન ચૂકવવા માટે બીજી લેતા હોય એવું પણ આપણે જોયું છે. વખત જતાં લૉન પાછી વાળવાનું તો દૂર, તેના પરનું વ્યાજ ચૂકવવાનું પણ અશક્ય બની જાય છે. રિકવરી એજન્ટો ઘરે આંટા મારવા લાગે છે. આસપાસના લોકો નિંદા કરવા લાગે છે. એટલું જ નહીં, મિત્રો, પરિવારજનો અને સહકર્મચારીઓમાં પણ નામ બગડી જાય છે. તેને લીધે માનસિક તાણ વર્તાય છે અને મગજ ચકરાવે ચડી જાય છે.

આથી જ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે સૌને સલાહ છે કે કરજ લેતી વખતે સાત વાર વિચાર કરવો. એ બેધારી તલવાર જેવું હોય છે. આ તલવારનો સંભાળીને ઉપયોગ કરવો અને વહેલામાં વહેલી તકે તેને મ્યાન કરી દેવી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)