જો મન શાંત ન હોય તો લખલૂટ સંપત્તિ પણ શું કામની?

મારા ખાસ મિત્ર અમિત ત્રિવેદીએ ‘રાઇડિંગ ધ રોલર કોસ્ટર – લેસન્સ ફ્રોમ ફાઇનાન્શિયલ માર્કેટ વી ઑફન ફરગેટ’ શીર્ષક હેઠળનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પર્સનલ ફાઇનાન્સ અને રોકાણને લગતું છે. અમિતભાઈ લેખક, વક્તા અને પ્રશિક્ષક છે. એટલું જ નહીં, તેઓ શાંત અને સ્વસ્થ અંતઃકરણ ધરાવે છે. મનની આવી સ્થિતિ આધ્યાત્મિક ઉન્નતિ દર્શાવે છે.

તેઓ દર વર્ષે કૅલેન્ડર પ્રગટ કરાવે છે. આ વર્ષના સપ્ટેમ્બરના પાના પર પાઇડ પાઇપરનું ચિત્ર છે. એના પરથી આપણે નાનપણમાં સાંભળેલી પાવાવાળાની વાર્તા યાદ આવે છે. અમિતભાઈએ કહ્યું છે કે શેરબજારમાં જ્યારે તેજી હોય ત્યારે લોકોને છેતરનારી અનેક સ્કીમ આવતી હોય છે. લોકો ગાડરિયા પ્રવાહમાં તણાઈ જતા હોય છે. આમ થવાનું કારણ લોભ છે. આથી જ આપણે ત્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.

ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે આસુરી પ્રવૃત્તિના લોકોનાં લક્ષણો ગણાવ્યાં છે. શ્લોક ક્ર. 16.12, 16.13, 16.14 અને 16.15માં આ લક્ષણો ગણાવવામાં આવ્યાં છે. આસુરી વૃત્તિવાળા લોકો ધન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદ સુધી જતા હોય છે. આપણે આ કટારમાં આ મુદ્દે અનેક વખત વાત કરી છે.

અહીં ખાસ જણાવવું રહ્યું કે ભાવનાત્મક વિક્ષેપની સ્થિતિમાં મગજ ચકરાવે ચડી જતું હોય છે. એવા વખતે વિપુલ સંપત્તિ પણ આનંદ આપી શકતી નથી. યોગિક સંપત્તિ આપણને ઉપલબ્ધ સંપત્તિનો આનંદ માણતાં શીખવે છે. આ સ્થિતિ ત્યારે જ આવે જ્યારે મન શાંત હોય.

અહીં મને બે વ્યક્તિઓ યાદ આવે છે. તેઓ બન્ને ગાઢ મિત્રો હતા છે. એક ઉદ્યોગપતિ અને બીજા ક્વૉલિફાઇડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અનેક મોટી મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે. એક દિવસ એમણે નોકરીઓ છોડવાનો નિર્ણય કરી લીધો. હવે તેઓ ફુલટાઇમ ફોટોગ્રાફી કરે છે અને લાંબા પ્રવાસો ખેડે છે. આ રીતે તેઓ જીવનનો આનંદ માણી રહ્યા છે. આ બન્ને વ્યક્તિઓએ વસિયતનામું (વિલ) બનાવ્યું છે અને હું એમનો એક્ઝિક્યુટર (વસિયતનામાનો અમલ કરનાર) છું.

દેખીતી વાત છે, ઉદ્યોગપતિની પાસે સંપત્તિ વધારે છે. એમનું વસિયતનામું ઘણું જટિલ છે. મેં એક દિવસ એમને કહ્યું કે જટિલ વસિયતનામું માણસની અસલામતીની ભાવના દર્શાવે છે.

આવી વ્યક્તિઓ માટે એમ કહી શકાય કે તેઓ પોતાના મૃત્યુ પછી પણ મોહ છોડવાની માનસિક અવસ્થામાં નથી હોતા. જો મન શાંત ન હોય તો લખલૂટ સંપત્તિ પણ શું કામની?

બીજા મિત્ર વસિયતનામું બનાવવા બાબતે ગંભીર ન હતા. તેઓ કહે છે, આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. મારા ગયા પછી મારી સંપત્તિનું શું થશે એના વિશે મારે શું કામ વધારે વિચાર કરવો?

એક મિત્ર અબજોપતિ છે અને બીજા પાસે સારી એવી સંપત્તિ છે. પહેલો મિત્ર પૈસા કમાવા માટે હજી કામ કરે છે. બીજાના પૈસા એના માટે આપોઆપ કમાણી કરી રહ્યા છે.

લોભ, ઈર્ષ્યા, ચિંતા, નિરાશા એ બધી લાગણીઓ અસલામતી દર્શાવે છે. માણસ જેટલો વધારે અસલામતી અનુભવે એટલો વધારે લાગણીવશ બની જાય અને પોતે સર્જેલી સંપત્તિનો આનંદ પણ માણી શકે નહીં. ખાસ વાત તો એ છે કે કેટલી સંપત્તિ ભેગી થયે પોતાને સલામતી વર્તાશે એનો કોઈ ચોક્કસ આંકડો નથી. કોઈ બીજી વ્યક્તિ તમારા માટે એ કહી પણ શકે નહીં. અસલામતીની ભાવના અર્ધજાગૃત અવસ્થામાં હોય છે. આથી કોઈ ચોક્કસ આંકડો નક્કી કરીને પણ અસલામતી દૂર કરી શકાતી નહીં.

છેલ્લે એટલું જ કહેવાનું કે મન જેટલું વધારે શાંત રહેશે એટલી વધારે સલામતી અનુભવાશે. ઓછી શાંતિ તો સલામતી પણ ઓછી. આથી અંતરમનમાં ડોકિયું કરો અને સલામતી વિકસાવીને પવિત્ર સંપત્તિનો, યોગિક સંપત્તિનો આનંદ માણો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)