જ્ઞાન અને સમજદારીનો અનાદર કાળક્રમે પતન નોતરે

મન્ત્રતસ્તુ સમૃદ્ધાની કુલાન્યલ્પધનાન્યપિ ।

કુલસંખ્યા ચ ગચ્છતિ કર્ષન્તિ ચ મહદ્ યશઃ ।।3.66।।

ભલે ઓછું ધન ધરાવતા હોય, પણ જો વેદાભ્યાસથી સમૃદ્ધ હોય તો એ કુળ સારા ગણાય છે અને તેઓ પ્રતિષ્ઠા પામે છે. (3.66)

ઉક્ત શ્લોક પરથી જોઈ શકાય છે કે મનુસ્મૃતિમાં ધન કરતાં જ્ઞાનને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તમામ મહાન અને ધનવાન લોકોની પાસે વિદ્વાન સલાહકારો રહેતાં આવ્યા છે. પહેલાંના વખતમાં રાજાઓ અતિશય બુદ્ધિશાળી હોય એવા જ લોકોને પ્રધાન બનાવતા. રાજા પાસે વધારે સમૃદ્ધિ હોવા છતાં રાજા વિદ્વાનોને વધારે માન આપતા. અકબરના દરબારમાં બીરબલનું સ્થાન અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ચાણક્યનું સ્થાન કેટલું ઊંચું હતું એ આપણે સૌ જાણીએ છીએ.

જે સમાજમાં જ્ઞાન અને શાણપણનો આદર કરવામાં આવતો નથી એ સમાજનું કાળક્રમે પતન થાય છે આપણે ઘણી વખત એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે વિદ્યાર્થીઓના વાલીઓ જ તેમનાં સંતાનોના શિક્ષકો વિશે ઘસાતું બોલતા હોય છે. તેને કારણે સંતાનોના મન પર પણ ખરાબ છાપ ઊભી થાય છે. બાળકોએ જેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એમને જ જો તેઓ માન-આદર નહી આપે તો શિક્ષકો પાસેથી જ્ઞાન નહીં પણ ફક્ત માહિતી પ્રાપ્ત કરી કહેવાશે. કોઈ શિક્ષકની ભણાવવાની રીત બરોબર ન હોય અથવા તો બાળકને તેમની સાથે જામતું ન હોય એવા સંજોગોમાં શિક્ષક બદલી નાખવા, પરંતુ શિક્ષકની ટીકા ક્યારેય ન કરવી. શિક્ષકની ટીકા કરવી એ જ્ઞાનનું અપમાન-જ્ઞાનનો અનાદર કર્યો કહેવાય.

ઘણીવાર બાળકોના મનમાં એવી છાપ ઊભી થાય છે કે શિક્ષણ અને પદવીઓ તો ખરીદી શકાય છે. ઘણીવાર આપણે જોઇએ છીએ કે કેટલાક વાલીઓ સંતાનને મળેલા ગુણ બાબતે શિક્ષક સાથે દલીલબાજી કરતા હોય છે. એવા સમયે વિદ્યાર્થીના મનમાં એવી છાપ ઊભી થાય છે તે શિક્ષક તેના પિતાએ ભરેલી ફી પર નિર્ભર છે અને શિક્ષકનો પગાર એ ફીમાંથી જ મળે છે. આવી સમજ બાળકના વિકાસને અવરોધક બને છે.

શિક્ષણ ખરીદી શકાય છે એવી છાપ સાથે જ જો બાળક મોટું થાય તો મોટી ઉંમરે પછીથી એણે પોતે જ નુકસાન વેઠવું પડી શકે છે. તેને એમ જ લાગ્યા કરશે કે જ્ઞાન તો ખરીદી શકાય છે. ખરીદી શકાતી વસ્તુઓ માટે માણસના મનમાં આદર હોતો નથી. આવું બાળક મોટું થયા પછી જીવનમાં ફક્ત માહિતી પ્રાપ્ત કરી શકશે, કારણ કે માહિતી ખરીદી શકાય છે, જ્ઞાન નહીં. જ્ઞાન ખરીદી શકાતું નથી, એ અમૂલ્ય હોય છે.

જો આપણે આપણાં સંતાનોનું ભાવિ ઉજ્જવળ બનાવવા માગતા હોઈએ તો જ્ઞાનનો આદર કરવાનું એમને શીખવવું જોઈએ. સૌથી પહેલા તો એમને એવી સમજ મળવી જોઈએ કે જ્ઞાન ખરીદી શકાતુ નથી. ખરીદી શકાતી વસ્તુઓ માહિતી અને પદવી જ હોય છે. જ્ઞાની પુરુષ જ્યારે જ્ઞાનની વહેંચણી કરે ત્યારે જ તેના વિદ્યાર્થીઓને ખરું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આથી જ મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 3.66માં સંપત્તિ એટલે કે ધન કરતાં પણ વધારે મહત્વ જ્ઞાનને આપવામાં આવ્યું છે.

શ્રીમંતો હંમેશાં તેમના જ્ઞાની અને સમજુ સલાહકારોનો આદર કરતા હોય છે. આવા જ્ઞાનીઓ હંમેશાં ધનવાનને કોઈ પણ ડર રાખ્યા વગર સાચી સલાહ આપતા હોય છે. અહીં ‘ડર રાખ્યા વગર’ એ શબ્દોનું ઘણું મહત્વ છે. જો સલાહકાર ફક્ત પોતાને મળનારી આવકનો જ વિચાર કરે તો સાચી સલાહ આપી શકે નહીં. એ માણસ તો એવી જ સલાહ આપશે જે ધનવાન વ્યક્તિને ખુશ કરી શકે.

સુપ્રસિદ્ધ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે તે તેમના ‘રિચ ડેડી’એ તેમને ઘણા જ મહત્ત્વપૂર્ણ બોધપાઠ આપ્યા હતા. આ પુસ્તક ખરેખર વાંચવાલાયક છે. શ્રીમંતો ધનપ્રાપ્તિ માટે જે સરળ રીત અપનાવે છે તેના વિશે આ પુસ્તકમાં વાત કરવામાં આવી છે. લેખકના ‘રિચ ડેડી’ હંમેશાં જ્ઞાની અને સમજદાર સલાહકારોની વચ્ચે રહેતા. એ સલાહકારો એવા હતા કે જેઓ નીડરપણે-નિખાલસપણે પોતાની સલાહ આપતા.

મનુસ્મૃતિના ઉક્ત શ્લોકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે પરિવારોએ અને વ્યક્તિઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે તેઓ સમાજમાં આદરભર્યું સ્થાન પામે છે. અહીં આપણે ‘જ્ઞાન’ અને ‘સમજદારી’ એ બન્ને શબ્દો પર ખાસ ધ્યાન આપવાનું છે. આપણે માહિતીની નહીં, પરંતુ જ્ઞાનની વાત કરી છે.

આ લેખ પૂરો કરતાં પહેલાં આપણાં શાસ્ત્રોમાં કહેલી એક અગત્યની વાત આપની સાથે કરવી છે. શાસ્ત્રોએ કહ્યું છે કે શ્રીમંતોએ હંમેશાં જ્ઞાનીઓ-વિદ્વાનોનુંનો પાલનપોષણ કરવું જોઈએ. એમ કરીને ધનવાનો કોઈ ઉપકાર નથી કરતા. તેના બદલામાં જ્ઞાની પુરુષો તેમને યોગ્ય સલાહ આપે છે. આ સંબંધ પરસ્પર આદરનો હોવો જોઈએ.

જે સમયે સમાજમાં જ્ઞાન કરતાં સંપત્તિને વધારેમાં અપાવવા લાગશે ત્યારે સમાજ-વ્યવસ્થા તૂટવાની શરૂઆત થઈ જશે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)