વિટામિન B12 અને યોગ

શરીરમાં મુખ્ય આઠ વિટામિનમાં અગત્યનું એ B12. શરીરમાં B12 vitaminની ઉણપ હોય તો શું થાય? મગજ અને (nervoussystem) ચેતાતંત્ર પર B12 અગત્યની ભૂમિકા ભજવે છે. તે લાલ રક્તકણોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તમારા DNAનું એક મહત્વપૂર્ણ સંશ્લેષણ અને નિયમન કરે છે. શરીરમાં સોજા આવવા, ફિક્કા પડી જવું, અશક્તિ લાગવી, શરીર દુખવું વગેરે ઘણું થાય.

તમારા શરીરની લાલ રક્ત કોશિકાઓ બનાવવામાં અને ખોરાકમાંથી ઊર્જા મેળવવામાં મદદ કરવા માટે તમારું પાચનતંત્ર વિટામીન B12 ની માંગણી કરે છે. વિટામીન B12 આંતરડાના સ્વાસ્થ્યને વધારવામાં મદદરૂપ કરે છે. જો ઝાડા થયા હોય, ઉબકા આવતા હોય, ખાટા ઓડકાર આવે, ખોરાકનું પાચન ન થતું હોય, પાચનને લઈને કોઈ પણ તકલીફ હોય તો એક કારણ B12ની ઊણપ હોઈ શકે. જઠરાગ્નિ પ્રદીપ્ત રાખવા અને જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટેના આસનો છે.

આસનો વિશે જાણતા પહેલા બીજી એક વાત પણ અગત્યની છે, કે જેમ શરીરમાં (nervous system) ચેતા તંત્ર અગત્યનું છે એમ શરીરમાં પેટ/આંતરડા એટલા જ અગત્યના છે. કોઈ ખરાબ સમાચાર સાંભળીને હૃદય બેસી જાય, હાર્ટબીટ વધી જાય, એમ એ જ વખતે એક ખરાબ સમાચારની અસર આંતરડા પર પણ થાય છે.‌ તરત પાચનતંત્ર બગડે છે. ભૂખ ના લાગે, ઝાડા થઈ જાય. એનો અર્થ એ થાય કે જે લોકો સતત ડરમાં રહે છે, ગભરાયા કરે છે, ગુસ્સામાં રહે છે, સતત અણગમો બધી વાતે કર્યા કરે છે તેને પણ B12 ઓછું હોવાની શક્યતા છે. એટલે અમે આસનોની સાથે મન શાંત થાય એ પણ કરાવીએ છીએ.

(૧) પશ્ચિમોત્તાનાસન– જે પેટમાં રહેલ વધારાના વાયુને બહાર કાઢે છે અને ગેસ્ટ્રિકની તકલીફ ઓછી કરે છે. પગના સ્નાયુઓ ખેંચાય છે એટલે પગની તાકાત વધે છે. કહેવાય છે ને પગ સારા તો પાચન સારું.

(૨) સર્વાંગાસન – શરીરનું અને મગજનો તંત્ર નિયમિત,વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલ્યા કરે તે માટે અન્ન સ્ત્રાવ પદાર્થો (hormones) ઉત્પન્ન કરે છે. જો ગ્રંથિઓ બરાબર કાર્ય કરવામાં નિષ્ફળ જાય અથવા હોર્મોન ઉત્પન્ન થતાં બંધ થઇ જાય તો શરીરનો ક્ષય થવો શરૂ થઈ જાય છે. શરીર અને મગજના યોગ્ય વિકાસ અને સંચાલન માટે હોર્મોન અત્યંત જરૂરી છે. આશ્ચર્યની વાત છે કે ઘણા આસનો આ ગ્રંથિઓ ઉપર સીધી અસર કરે છે ને તેને નિયમિત કાર્ય કરવામાં ઘણી રીતે સહાયક થઇ પડે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે સર્વાંગાસન કરે તો તેનામાં નવશક્તિનો સંચાર થશે અને તે ઉત્સાહ અનુભવશે. સુખી અને આત્મશ્રદ્ધા યુક્ત બનશે. એનામાં નવજીવન વહેવા માંડશે. એનું મન શાંત અને સ્વસ્થ થશે અને જીવનના આનંદને એ માણી શકશે. આમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. લાંબી માંદગીમાંથી ઊઠ્યા પછી રોજ બે વખત નિયમિત આ આસન કરવાથી શક્તિ આવે છે. સર્વાંગાસનના અલ્સરથી પીડાતા અને જેમને પેટનો કે આંતરડાનો સોજાનો ( colitis)  દુખાવો રહેતો હોય તેમણે આ આસન ઘણું ફાયદાકારક થઈ પડે છે.

(૩) શીર્ષાસન – પ્રાચીન ગ્રંથોમાં શીર્ષાસનને આસનોનો અધિપતિ કહ્યો છે. ભગવત ગીતા કહે છે: હે મહાબાહુ અર્જુન!સત્ય, રજસ અને તમસ એ પ્રકૃતિ ઉત્પન્ન થયેલા ગુણો છે, તે અવિનાશી આત્માને શરીર સાથે દ્રઢ રીતે જોડે છે. (અધ્યાય ૧૪શ્ર્લોક૫) આ બધા ગુણોનું ઉદ્ભવ સ્થાન મગજ છે. કોઈ વખત એક ગુણનું વર્ચસ્વ રહે છે તો કોઈ વાર બીજા ગુણોનું. માથું સાત્વિક ગુણો જે વિવેક બુદ્ધિનું નિયમન કરે છે, તેનું કેન્દ્ર સ્થાન છે. લાગણી, ઇચ્છા અને કર્મનું નિયમન કરનાર રજશ ગુણ માથા નીચેના શરીરમાં રહે છે. અને પેટના નીચેના પ્રદેશમાં આહાર-વિહાર, ઇન્દ્રિય સુખને અને જાતીય સુખનું નિયમન કરનાર ગુણનું નિવાસસ્થાન છે કાન.

નિયમિત શીર્ષાસન કરવાથી નવજીવન સાંપડે છે. તેને કારણે વિચાર કરવાની શક્તિ વધે છે અને ચિંતન સ્પષ્ટ બને છે. જેમનું મગજ જલદી થાકી જતું હોય તેમને માટે આ આસન શક્તિવર્ધક દવાની ટોનિકની ગરજ સારે છે. શીર્ષાસનથી મગજના બ્રહ્મ ગ્રંથિ (pituitary gland) અને શંકુકાય(pineal) કોષોને પૂરતા પ્રમાણમાં લોહી મળ્યા કરે છે. શીર્ષાસન કબજિયાત ધરાવતી વ્યક્તિ માટે વરદાન સ્વરૂપ છે. શીર્ષાસન કરવાથી લોહીના રક્તકણો (hemoglobin)માં સુધારો થતો જોઈ શકાય છે.

હવે જો પ્રાણાયમ અને બંધની વાત કરીએ તો ઉડ્ડિયાન બંધ એ આંતરડા પર, પેટ પર, લીવર પર અસર કરે છે. વાયુની તકલીફ દૂર કરે છે. વાયુ દૂર થતાં આંતરડા સારી રીતે કામ કરે છે અને પાચન સુધરે છે. અનુલોમ-વિલોમ પ્રાણાયામ શરીરમાં ઈડા અને પિંગળા નાડીનું સંતુલન કરે છે. રક્તકણો વધારે છે અને શક્તિનો સંચાર થાય છે.

હવે વાત કરીએ ખોરાકની તો બધી Dairy products લઈ શકાય. સાથે શાકભાજીમાં પાલક, બીટ, બ્રોકલી, મશરૂમ ખૂબ પ્રમાણમાં B12 વધારે છે. રાગી, રાજમા, બદામ દૂધ, Yeast, eggs પણ‌ B12 વધારવામાં ખૂબ સારો ખોરાક છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)