સતત રહેતી વ્યગ્રતાને યોગની મદદથી કરો દૂર

શું તમને ગભરામણ થાય છે? શું તમારા હ્રદયના ધબકારા વધી જાય છે? શું તમને રાત્રે વિચારો વધારે આવે છે? શું તમે કોઈ નિર્ણય નથી લઈ શકતા? શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? થોડા સમયથી જ આ બધું શરૂ થયું છે. પહેલા આવા કોઈ લક્ષણોથી તમે પીડાતા નહોતા. તો અચાનક શું થયું!! ને અચાનક આવું વર્તન, આવા વિચારો, આવી તકલીફ કેમ શરૂ થઈ? ચાલો જાણીએ આ તકલીફનો ઉપાય શું છે?

આ તકલીફમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા લોકો એ ઘણી બધી સલાહ આપી હશે, જેમાં કેટલીક મદદરૂપ થઈ ને, કેટલીક ના થઈ. કેટલાક ઉપાયોની સાઈડ ઈફેક્ટ પણ થઈ હશે. તો ચાલો આ બધામાંથી બહાર નીકળવા તમને યોગાભ્યાસ અને એમાં પણ સાધનો સાથે યોગ પ્રાણાયામ કરાવીએ. આ બધુ વ્યક્તિને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સંતુલિત કરે છે. જેનાથી ડર અને વ્યગ્રતા (Anxiety) થી મુક્તિ મળે છે. અને હકારાત્મકતા વધારે છે.

યોગમાં સાધનોથી શરીરની 11 સિસ્ટમ સક્રિય થાય છે. Endocrine Gland એક્ટિવ થાય છે. શરીરમાં ઘણા રાસાયણિક ફેરફારો થાય છે. જે સંતુલન ખોરવાયું છે, તેને સમાન કરે છે અને કાર્યશીલ બનાવે છે. વિજ્ઞાન એવું કહે છે કે શરીરમાં એવા કોઈ જીન્સ હોય કે જે નબળા હોય, એની અસર માનસિક વર્તન પર પડતી હોય તો એને પણ પૌષ્ટિક આહાર અને નિયમિત યોગથી સંતુલીત કરી શકાય છે. યોગથી શરીર અને મનમાં શાંતિ, સ્ફૂર્તિ આવે છે. પ્રાણાયામ નિયમિત કરવાથી પ્રાણશક્તિ શરીરમાં વધે છે. દરેક શ્વાસમાં 21 ટકા ઓક્સિજન રહેલો હોય છે. એ તો આપણને બધાને ખબર જ છે કે આપણી આજુબાજુ જેટલી હવા છે, આપણે જે શ્વાસ તરીકે લઈએ છીએ તે બધો ઓક્સિજન નથી. એમાં માત્ર ૨૧ ટકા ઓક્સિજન છે.

પ્રાણાયામ શું કરે છે? 

પ્રાણાયામ સાચો શ્વાસ લેતા શીખવાડે છે જેથી શ્વાસમાં રહેલ ઓક્સીજન લોહીમાં ભળે છે અને મગજમાં રહેલ એન્ડોરફિન, ઓક્સિટોસિન વગેરે હોર્મોન્સનો સ્રાવ વધારે છે, જેને હેપ્પીનેસ હોર્મોન પણ કહે છે. જેના કારણે મને શાંત બને છે અને વિચારસરણી સકારાત્મક બને છે, સાથે જ ભય અને વ્યગ્રતાથી મુક્તિ મળે છે. હવે એ જોઈ લઈએ કે કયા આસન અને કયા પ્રાણાયામ આમાં ઉપયોગી થશે.

સૌથી પહેલાં તો તાડાસન, બે રીતે થઈ શકે. (૧) એક જ જગ્યાએ ટોસ પર ઊભા રહેવું અને સ્થિર નજરે, જેમાં વિચારો પણ નહીં બદલવા એવી રીતે હાથ ઉપર રાખી ઊભા રહેવાનું (૨) ટોસ પર પગ રાખી હાથ ઉપર રાખીને ચાલવુ. એક મિનિટથી લઈને ત્રણ-ચાર મિનિટ સુધી કરી શકાય. એના પછી આગળ પાછળ તાળી પાડવી. પાછળનો હાથ ખભાની લાઇનમાં આવે એવું કરવાનું, 20 થી 30 વાર આ રીતે હાથ આગળ પાછળ થવાથી થોરાસિક રીઝન કરોડરજ્જુના એ વચ્ચેના ભાગને મસાજ મળે છે. શ્વાસ સુધરે છે, મગજના સ્ત્રાવ સુધરે છે, ફ્રેસ થવાય છે. ખુરશી સાથે વિપરીત દંડાસન અને રિલેક્સેશન પણ એટલું જ જરૂરી છે.

Anxiety વાળી વ્યક્તિને કોઈપણ પ્રકારની સલાહ ન આપવી. આ વ્યક્તિ પોતે બુદ્ધિશાળી હોય છે એને ખબર છે એને શું થાય છે. બહાર નીકળવા માટે પૂરતા પ્રયત્ન કરે છે. એટલે સલાહ આપ્યા વગર એનામાં આત્મવિશ્વાસ વધે, એવા વખાણ કરવા, એનું માનસિક બળ વધે એવું પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. ઘણીવાર મન પરનો ભાર હળવો થતા હૃદય પરનો ભાર હળવો થાય છે અને વ્યક્તિ રિલેક્સ થાય છે.

પ્રાણાયામમાં ચંદ્ર ભેદન પ્રાણાયમ, શીતકારી પ્રાણાયામ, અને શ્વાસની આજે પદ્ધતિ કહેવા જઈ રહી છું તે બરાબર સમજવું. નાકથી ઊંડો ધીમો શ્વાસ લેવો અને મોઢાથી શ્વાસ બહાર કાઢવો. શરૂઆતમાં આ 15 વાર કરવું પછી ધીમે ધીમે કાઉન્ટ વધારવા. આનાથી ધીમે ધીમે વિચારોની ગતિ ઓછી થશે અને મન શાંત થાય છે. બેઠા બેઠા કે સુતા સુતા પણ આ શ્વાસની ક્રિયા કરી શકાય છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)