નારીની નોંધપોથીઃ સફર છ ગોલ્ડથી લ્યુકેમિયા સુધીની

જપાનની અઢાર વર્ષી રિકાકો આઈકીના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આ વર્ષના ફેબ્રુઆરીમાં ઢગલાબંધ
મેસેજ આવ્યા હતા. આમ તો આ તરણવીર ૨૦૧૮માં જકાર્તા એશિયન ગેમ્સમાં છ ગોલ્ડ મેડલ મેળવીને
‘મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર’ જાહેર થઈ ત્યારે અને જપાનની ‘સ્વિમર ઑફ ધ યર’ જાહેર થઈ ત્યારે પણ
ચાહકોના પ્રશંસા-સંદેશાઓની એના પર વર્ષા થઈ હતી, પરંતુ ફેબ્રુઆરીમાં આવેલા સંદેશા આઈકી પ્રત્યેના પ્રેમથી છલકતા હતા, કારણ કે એ દિવસે ટ્વિટર પર આઈકીનો એક સંદેશ હતો, જેમાં એણે પોતાને થયેલી લ્યુકેમિયાની બીમારીના સમાચાર શૅર કર્યા હતા.

જપાનના સ્પોર્ટ્સપ્રેમીઓ પર જાણે વીજળી ત્રાટકી.

૨૦૨૦ની ટોકિયો ઑલિમ્પિક્સમાં આઈકીની સુવર્ણ દોડ જોવા ઉત્સુક ચાહકો એ વાંચીને ધ્રૂજી ઊઠ્યા હતા.

આઈકીના સ્વાસ્થ્ય માટે દુવાઓ કરતા કેટલાકે બોનમેરો બૅન્કમાં દાતા તરીકે પોતાનાં નામ નોંધાવી દીધાં હતાં તો કેટલાક રક્તદાન કરવા લાગ્યા હતા.

આઈકી તો આ ચાહકોની લાગણીથી ભીંજાઈ ગઈ છે. આ જુલાઈમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ સહિત બીજી સ્પર્ધાઓમાં તેમ જ તાલીમ કૅમ્પમાં એ ભાગ લેવા જઈ શકી નહોતી, પરંતુ એનું ઑલિમ્પિક્સનું સપનું અકબંધ છે એટલે જ અત્યારે એણે પોતાનું ધ્યાન સંપૂર્ણપણે સાજા થવામાં પરોવ્યું છે. જો કે કૅન્સરની અને એની સારવારની પીડા સહેવી આસાન નથી એનો અહેસાસ આઈકી કરી રહી છે.

એણે લખ્યું છે કે મેં કલ્પી હતી એના કરતાં હજાર ગણી પીડાદાયક છે આ બીમારી, પણ હું એને હરાવીશ અને વધુ સશક્ત આઈકી બનીને બહાર આવીશ.

આઈકીનો આત્મવિશ્વાસ અને એના ચાહકોની પ્રાર્થનાઓ સાંભળતાં શ્રદ્ધા જાગે છે કે સંખ્યાબંધ રાષ્ટ્રીય પારિતોષિકો મેળવનારી આ ખેલાડી લ્યુકેમિયા સામેની લડતમાં પણ બાજી મારી જશે.