ટુરિસ્ટોની રાહ જોઈ રહ્યું છે કશ્મીર…

– દેવાંશુ દેસાઈ (અહેવાલ: શ્રીનગર-ગુલમર્ગ)

કશ્મીર એ ધરતી પરનું સ્વર્ગ છે. એ વિશે સાંભળ્યું છે… પણ આજે પહેલી વખત એની અનુભૂતિ થઈ.

કશ્મીરના પુલવામા હુમલા પછી એકાએક પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે ત્યારે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં મહારાષ્ટ્રના નાગપુર-નાસિક જેવાં સ્થળોએથી ૨૬ મહિલાનું ગ્રુપ શ્રીનગર ફરવા આવ્યું છે. ૨૬માંથી એક મહિલાએ ગુલમર્ગ, દલ લેકની સુંદરતા જોઈને ઉપરોક્ત વાત કરી.

પુલવામા હુમલા પછી દેશભરમાં લોકોમાં રોષ જાગી ઊઠ્યો. એપ્રિલ-મે-જૂન મહિનો એ કશ્મીર ટુરિઝમની સીઝન ગણાય છે. જોકે, પુલવામા હુમલા પછી અમુક ટુર ઑપરેટરો અને ટુરિસ્ટરોએ કશ્મીર ટુર પર નહીં જવાનું નક્કી કર્યું. પરિણામે ત્યાં આજની તારીખે પણ ટુરિસ્ટોની સંખ્યા ઘટી ગઈ એ હકીકત છે.

આમ તો કશ્મીરીઓને ટુરિસ્ટો સામે કોઈ વાંધો નથી. ટુરિસ્ટો અહીં તદ્દન સલામત છે. એની પ્રતીતિ કરાવવા માટે જમ્મુ ઍન્ડ કશ્મીર ટુરિઝમે  મુંબઈ-મહારાષ્ટ્રના આઠ પત્રકારોને આમંત્રણ આપીને શ્રીનગર બોલાવ્યા, જેમાં ‘ચિત્રલેખા’ના પ્રતિનિધિ પણ સામેલ હતા. અઢી દિવસની ટુરમાં પત્રકારોએ શ્રીનગરમાં ગોલ્ફ કોર્સ, ટ્યુલિપ ગાર્ડન, દલ લેક, હાઉસબોટ સહિત શિકારા, હોટેલ, હાઉસબોટ ઓનર્સ ઍસોસિયેશનના સભ્યો, માલિકો સાથે મુલાકાત કરી. પત્રકારોને ગુલમર્ગ લઈ જવામાં આવ્યા.

ટુરિસ્ટોની સંખ્યા ઘટી જતાં હોટેલ અને હાઉસબોટ-શિકારાવાળાઓએ હોટેલ રૂમ કે શિકારા-હાઉસબોટની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે.

અહીં, સાવ ટુરિસ્ટો આવતા નથી એવું પણ નથી. ગુલમર્ગ, ટ્યુલિપ ગાર્ડન, દલ લેકમાં અમને દિલ્હી, બેંગલોર, સાઉથ તેમ જ અમદાવાદ-મુંબઈના સંખ્યાબંધ ગુજરાતી ટુરિસ્ટો પરિવારો સાથે જોવા મળ્યા. મોટા ભાગના સહેલાણીઓનું કહેવું હતું કે અહીં અમે આટલા દિવસથી ફરીએ છીએ, પણ કોઈ ખરાબ અનુભવ થયો નથી.

મહારાષ્ટ્રથી ૨૬ મહિલાને લઈ આવનાર શ્યામલી સુમતી પેંડકે મૂળ શ્રીનગરના કશ્મીરી પંડિત પરિવારની છે. લગ્ન પછી નાગપુરમાં સ્થાયી થનારી શ્યામલી વરસોથી પ્રવાસીઓને કશ્મીર લઈને આવે છે. ‘ચિત્રલેખા’ સાથે વાત કરતાં શ્યામલી કહે કે પુલવામા હુમલાના મહિના પછી અમને થયું કે શું કામ કશ્મીર ન જવું જોઈએ? કશ્મીર એ આપણા દેશનો ભાગ છે. આપણે આપણો પગ અહીં રાખવો જ જોઈએ. શ્યામલી સાથે નાગપુર-નાસિકની ચારથી પાંચ મુસ્લિમ મરાઠી મહિલાઓ પણ ટુરમાં આવી હતી.

પૂજા કાંદળગાંવકર નામની મહિલા કહે કે કશ્મીર વિશે સાંભળ્યું હતું એના કરતાં એ અનેકગણું  સુંદર છે. જિંદગીમાં એક વાર તો અહીં આવવું જ જોઈએ. દુનિયાની સૌથી સુંદર જગ્યા કશ્મીર છે.

યોગાનુયોગ ૧ એપ્રિલે કશ્મીરનો ટ્યુલિપ ફૂલોનો વિખ્યાત અને ભવ્ય બગીચો પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કશ્મીર ટુરિઝમના ડિરેક્ટર નિસાર એહમદ ‘ચિત્રલેખા’ને કહે કે તમે નસીબદાર છો કે તમને ટ્યુલિપ ફૂલોની સુંદરતા જોવા મળી. વરસમાં માત્ર વીસ દિવસ માટે હજારેક એકરમાં આ ફૂલો ખીલે છે, જેને જોવા દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. નિસાર એહમદ ઉમેરે છે કે અહીં વરસોથી પ્રવાસીઓને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. આ ટુરને સફળ બનાવવા માટે મુંબઈસ્થિત રાજા-રાણી ટ્રાવેલ્સના ચૅરમૅન અભિજિત રાણેએ સંકલન કર્યું હતું. જમ્મુ ઍન્ડ કશ્મીર ટુરિઝમ વિભાગે પણ વધુ ને વધુ લોકોને-ટુરિસ્ટોને આકર્ષવા માટે અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવાં સ્થળોએ રોડ શો અને ટુરિઝમ એક્ઝિબિશનો યોજ્યાં છે. આપણા દેશના સહેલાણીઓ ઉપરાંત મલયેશિયા અને થાઈલૅન્ડના ટુરિસ્ટો પણ અમને જોવા મળ્યા. તાજ વિવાન્તા હોટેલના જનરલ મૅનેજર વિશાલ શર્મા ‘ચિત્રલેખા’ને કહે છે કે ટુરિસ્ટોને આકર્ષવા માટે અમે પણ હોટેલના રૂમના ભાડામાં ઘટાડો કર્યો છે.

(તસવીરોઃ સજ્જાદ અહમદ, શ્રીનગર)

દલ લેક, શ્રીનગર


ટ્યૂલિપ ગાર્ડન


ગુલમર્ગ


રોયલ સ્પ્રિંગ ગોલ્ફ કોર્સ


ગુલમર્ગ


દલ લેક, સંગીતમય ફુવારો


ગુલમર્ગ


ગુલમર્ગ


જમ્મુ એન્ડ કશ્મીર ટુરિઝમના અધિકારીઓ ટ્યૂલિપ ગાર્ડનમાં


કશ્મીરના પર્યટન વિભાગ તેમજ શિકારા હોટેલ એન્ડ હાઉસબોટ માલિકોનો પત્રકારો સાથે સંવાદ


કશ્મીર ફરવા આવેલી મહારાષ્ટ્રની 26 મહિલાઓનું ગ્રુપ


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]