૧૮ મે – ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ : ગુજરાતમાં છે ૧૮ સંગ્રહાલયો

ગુજરાતના ૧૮ સંગ્રહાલયોમાં – સૌથી જૂનું કચ્છનું સંગ્રહાલય રાજકોટનું ગાંધી મ્યુઝીયમ- વિદેશી પ્રવાસીઓ માટે નવલું નજરાણું

દર વર્ષે ૧૮મી મે ના દિવસે ‘‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે, જેનું આ વર્ષનું સૂત્ર છે -‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ.’’

પોતાના ભૂતકાળ વિષે જાણવાની જિજ્ઞાસાને લીધે ઇતિહાસ વિષયનો આવિર્ભાવ થયો છે, જેના કારણે અસ્તિત્વમાં આવેલા સંગ્રહાલયો રોજિંદી જીવનશૈલી, ખાન-પાન, વિવિધ વસ્તુઓ વગેરે પ્રદર્શિત કરે છે. અને સાંસ્કૃતિક વારસાની જાળવણી અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરે છે.

ગુજરાતમાં વર્ષ ૧૮૭૭માં સૌ પ્રથમ બનેલા કચ્છ સંગ્રહાલય બાદ રાજકોટમાં ૧૮૮૮માં બારટન વોટસન મ્યુઝિયમ બન્યું, ધીમે ધીમે રાજ્યમાં સંગ્રહાલયો વધતા ગયા, હાલ રાજ્યમાં કુલ ૧૮ જેટલા સંગ્રહાલયો સામેલ છે. જે પૈકી નવનિર્માણ પામી રહેલા શ્રી થલ સંગ્રહાલયમાં પાટણ જિલ્લાના કલા વારસાના નમૂનાઓનો સંગ્રહ કરાશે જ્યારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર આધારિત સંગ્રહાલય, વડનગરમાં તાનારીરી સંગીત સંગ્રહાલય, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન અંગેનું સંગ્રહાલય વગેરે સંગ્રહાલયો ગુજરાતના ભવ્ય અને ભાતીગળ વારસાને લોકસમુદાયો સમક્ષ ઉજાગર કરી રહ્યા છે.

આ ઉપરાંત, ગુજરાતમાં કલા, કૃષિ, તબીબી, વિદ્યા, પુરાતત્વ, પ્રાકૃતિક ઇતિહાસ, વિજ્ઞાન, બાળ સંગ્રહાલય અને આદિવાસી વ્યક્તિ વિષયક જેવા અનેક વિષયો પરના સંગ્રહાલયો છે, જેને લાખો લોકો ગૌરવ સાથે નિહાળે છે.

રાજકોટના જ્યુબિલી બાગ ખાતે આવેલા વોટસન મ્યુઝીયમને પુરાતત્વ, લઘુચિત્ર, હસ્તપ્રતો, આધુનિક ભારતીય કલા, કાપડ, કાષ્ટ  કલા, ખનીજ, પ્રાણી જેવા વિવિધ વિભાગોમાં વિભાજિત કરાયું છે. વોટસન મ્યુઝીયમ ખાતે અનેક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, રસના વિષયથી લઈને રીસર્ચના વિષય સુધી આ મ્યુઝિયમ સેતુ સમાન છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યાં પોતાનો મેટ્રિક્સ સુધીનો અભ્યાસ કર્યો એ આલ્ફ્રેડ હાઇસ્કુલને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ કક્ષાના મ્યુઝિયમ તરીકે ‘‘મહાત્મા ગાંધી મ્યુઝીયમ’’ના નામે કાયાપલટ કરવામાં આવી છે. જેમાં વિવિધ ૩૯ ભવ્ય ગેલેરીઓમાં તેમના જીવન પ્રસંગોનું ડિજિટલ નિરૂપણ કરીને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા છે, અને લાઈટ અને સાઉન્ડ શો દ્વારા ગાંધીજીને આબેહૂબ રજૂ કરવામાં આવે છે. ૨૦૧૮થી આજ સુધી અંદાજે બે લાખથી વધુ લોકો આ મ્યુઝીયમ નિહાળી ચુક્યા છે. રાજકોટની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓ માટે આ ગાંધી મ્યુઝીયમ નવલું નજરાણું બની ચુક્યું છે.

સંગ્રહાલયોની જાળવણી તથા અન્ય કામગીરી માટે વર્ષ ૨૦૨૩માં રાજ્ય સરકારે રૂ. ૫૫ કરોડની ફાળવણી કરી છે. સંગ્રહાલયના વિવિધ પ્રભાગોનું ઓનલાઈન નિદર્શન થઈ શકે તે હેતુથી હવે ઓનલાઇન વર્ચ્યુઅલ ટૂર બનાવી તેની વેબસાઈટ પર પણ મૂકવામાં આવી રહી છે. દેશ અને દુનિયામાં મ્યુઝિયમની સાચવણી માટે આધુનિક અને ભવ્ય બિલ્ડિંગો બનાવવામાં આવી રહ્યા છે.

(દેવ મહેતા)