સ્માર્ટ વૉચની માગણી વધતી જશે

ટૅક્નૉલૉજીનો વ્યાપ વધતો જાય છે. મોબાઇલ વગર આપણને ચાલતું નથી. પરંતુ મોબાઇલ ખિસ્સામાં હોય ત્યારે? તેના માટે કંપનીઓએ સ્માર્ટવૉચનો વિકલ્પ આપ્યો. એપલ, ગાર્મીન, વિવૉએક્ટિવ, સેમસંગ ગીયર વગેરે જેવી કંપનીઓએ તેમના સ્માર્ટ ફૉનની સાથે કે અન્ય અનુકૂળ યંત્રો સાથે મેળ બેસાડવા સ્માર્ટ વૉચ દાખલ કરી છે. એન્ડ્રૉઇડ વીયરના નિર્દેશક ડેવિડ સિંગલટન દ્વારા જણાવ્યા પ્રમાણે, આવતાં ૫૦ વર્ષમાં લોકો હવે પહેરવાપાત્ર સંયંત્રો સાથે જોવા મળતા હશે. આમ, સ્માર્ટવૉચની માગણી વધતી જશે. લોકોને એવાં ગેજેટ ગમે છે જે તેમના માટે બેવડાં કામ કરી આપતાં હોય. ઘડિયાળની ઘડિયાળ અને ટૅક્નૉલૉજીની ટૅક્નૉલૉજી.આંકડાઓને જોવામાં આવે તો એવું લાગે છે કે સ્માર્ટવૉચના બજારમાં ભારે ઊછાળો જોવા મળશે. બે વર્ષની અંદર પહેરવાપાત્ર ટૅક્નૉલૉજીમાં ૭૦ ટકા હિસ્સો સ્માર્ટવૉચનો રહેશે. આંતરરાષ્ટ્રીય માહિતી નિગમ (આઈડીસી)ના આંકડા મુજબ, જે પહેરવાપાત્ર સંયંત્રોની બહારથી નિકાસ થાય છે તેમાં વર્ષ ૨૦૧૫થી ૬૫ ટકા જેટલો જંગી ઊછાળો જોવા મળ્યો છે. આ ખરેખર મોટી સંખ્યા કહેવાય.

વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં પહેરવાપાત્ર ઇલેક્ટ્રૉનિક સંયંત્રોનું કુલ વેચાણ ૨૭.૪૬ કરોડ હોવાની ધારણા વૈશ્વિક સ્તરે છે. તે પણ ગયા વર્ષની સરખામણીએ ૧૮.૪ ટકા વધારો બતાવે છે. ગયા વર્ષે તે ૨૩.૨ કરોડ હતું. પહેરવાપાત્ર ઇલેક્ટ્રૉનિક્સથી ગયા વર્ષે ૨૮.૭ અબજ ડૉલરની આવક થઈ હતી. તેમાંથી ૧૧.૫ અબજ ડૉલરની આવક માત્ર સ્માર્ટવૉચના વેપારમાંથી જ થઈ હતી.

એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓ આ પ્રકારનાં હાઇ ટૅક સંયંત્રોની પાછળ સંશોધન અને વિકાસમાં વધુ ને વધુ પૈસા રોકી રહી છે તેથી ૨૦૧૭ સુધીમાં વપરાશકારોમાં ૪૮ ટકાનો વધારો થશે. સ્માર્ટફૉનનો વપરાશ વધી રહ્યો છે તેની સાથે લોકો સ્માર્ટ વૉચ પણ વાપરશે તેમ બજાર નિષ્ણાતો માની રહ્યા છે.

જોકે એ પણ વાસ્તવિકતા છે કે સ્માર્ટ વૉચ અત્યારે સમાજના નાના વર્ગમાં જ વપરાય છે કારણકે તે મોંઘું ગેજેટ છે. જ્યારે તેના ભાવ ઘટશે ત્યારે તે શહેરી બજારમાં વધુ ને વધુ ઘૂસશે અર્થાત્ લોકો વધુ ખરીદતા થશે. ચીન તો ઓછી કિંમતમાં આપવા માટે પંકાયેલું છે. તે પણ ઓછા ભાવમાં (ભલે ને ગુણવત્તા નબળી હોય) સ્માર્ટ વૉચ બજારમાં લાવવા અને એ રીતે લોકોને તેની ટેવવાળા બનાવવા ધારે છે.

પ્રશ્ન એ થાય કે સ્માર્ટ વૉચ લોકો શા માટે લેશે? સ્માર્ટ ફૉન તો છે જ અને સ્માર્ટ ફૉન દિવસે ને દિવસે વધુ ને વધુ સ્માર્ટ થતા જાય છે. તો પછી પૈસા ખર્ચીને સ્માર્ટ વૉચ કોઈ શા માટે લે? તેનું કારણ તેના હિમાયતીઓ એ કહે છે કે તેમાં અલગ-અલગ ઍપ છે જે બહાર કામ કરતી વખતે, પ્રવાસ કરતી વખતે, કસરત કરતી વખતે ઉપયોગી નીવડે છે. દા.ત. તમારે ફૉટો પાડવો છે તો મોબાઇલ કાઢીને ફૉટો પાડવો પડે, પરંતુ સ્માર્ટ વૉચ પહેરી હોય તો તેના વડે તમે સરળતાથી ફૉટો પાડી શકો. અને હવે તો સ્માર્ટ વૉચ ઍન્ડ્રૉઇડ, વિન્ડૉઝ અને આઈઓએસ મંચ પર પણ પ્રાપ્ય છે. આમ, સ્માર્ટફૉનમાં જે ઑપરેટિંગ સિસ્ટમ છે તે સ્માર્ટ વૉચમાં પણ મળશે.

આમ, લોકો ખિસ્સામાંથી પોતાનો ફૉન કાઢ્યા વગર અનેક કામો આ સ્માર્ટ વૉચના મારફતે કરી શકે છે. જેમ કે તેઓ ફૉન કૉલનો જવાબ આપી શકે છે, મેસેજ મોકલી શકે છે, તસવીરો સ્ટોર કરી શકે છે. તમને કોઈ મેસેજ આવ્યા હોય કે મેઇલ આવ્યા હોય તો તે જોવા માટે તમારે ખિસ્સામાંથી ફૉન કાઢવાની જરૂર નથી. તમને સ્માર્ટ વૉચ પર નૉટિફિકેશન મળી જશે. આમ, તમારો સમય બચી જશે. ઉપરાંત ક્યાંક સામાજિક કામે ગયા હો, કોઈની સાથે મુલાકાતમાં બેઠા હો તો મોબાઇલ કાઢીને ચેક કરવું તેના કરતાં સ્માર્ટ વૉચમાં તરત જ નજર કરી શકાય છે. આમ, સામાજિક રીતે ખરાબ પણ નહીં લાગે.