ડિજિટલ ટૅક્નૉલૉજી બાળકોને મૂર્ખ બનાવે છે?

ર વખતે નવો આવિષ્કાર થાય છે અને વિશ્વમાં તેનો વિરોધ પણ થાય છે. જ્યારે પુસ્તકની નવી શોધ થઈ હતી ત્યારે સૉક્રેટિસે કહેલું કે તેનાથી માણસ ભૂલકણો બની જશે. એક સહસ્રાબ્દિ પછી કેટલોક વર્ગ માનવા લાગેલો કે પ્રિન્ટિંગ પ્રેસથી લોકોના મગજ પર બહુ જ બોજો આવી જશે. તે પછી કેલ્ક્યુલેટર આવ્યું અને માબાપને લાગ્યું કે છોકરો ગણતરી ભૂલી જશે. ઇ-મેઇલ આવ્યો એટલે લોકોને લાગ્યું કે પત્ર લખવાની મજા ઇ-મેઇલમાં નથી આવતી. ફેસબૂક આવ્યું એટલે લોકોને લાગ્યું કે રૂબરૂ મળવામાં જે સંબંધો સચવાતા હતાં તે ફેસબુકમાં નથી સચવાતાં. ફેસબુકમાં લોકો આંખની શરમ કર્યા વગર બિન્દાસ્ત અવિવેકી લખે છે.

આ વાત તો ચિંતાજનક છે જ પરંતુ એક સર્વેક્ષણ આવ્યો છે તે પણ ચિંતાજનક છે. પીબીએસના એક પૉલ મુજબ, ૫૩ ટકા લોકો માને છે કે આપણને ટૅક્નૉલૉજી મૂર્ખ બનાવી રહી છે. અમેરિકાના ઉત્તર કેરોલિનાની એલન યુનિવર્સિટી ઇમેજિંગ ધ ઇન્ટરનેટ સેન્ટર અને પ્યૂ ઇન્ટરનેટ પ્રૉજેક્ટે હજારો નિષ્ણાતો પર આ સર્વેક્ષણ કર્યું.

તેમાં જણાયું કે ૪૨ ટકા લોકો માને છે કે વધુ જોડાયેલું (હાઇપરકનેક્ટેડ) મગજ પોલું હોય છે. તેઓ એમ પણ માને છે કે ઇન્ટરનેટ અને મોબાઇલ પર હવે લોકો વધુને વધુ આધાર રાખવા લાગ્યાં છે જે બિનઆરોગ્યપ્રદ છે.

એક ઉદાહરણ લઈએ. અમેરિકામાં વર્ગખંડમાં ટૅક્નૉલૉજી દાખલ થવાથી મિશ્ર પરિણામો મળ્યાં છે. ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ મુજબ, કેન્સાસના વિદ્યાર્થીઓએ ધરણા અને વર્ગ ત્યાગ કર્યો હતો. તેનું કારણ સમિટ લર્નિંગ પ્લેટફૉર્મ હતું. તો કનેક્ટિકટ સ્કૂલ ડિસ્ટ્રિક્ટે આ ડિજિટલ ઍજ્યુકેશન સિસ્ટમનો વપરાશ બંધ કરી દીધો હતો.

ફેસબૂકના જનક માર્ક ઝૂકરબર્ગ અને પ્રિસ્કિલા ચાને વ્યક્તિગત શિક્ષણ પ્રણાલિ બનાવી છે તેનું નામ છે સમિટ લર્નિંગ. તે ઑનલાઇન સાધનો વાપરી વ્યક્તિ મુજબ અલગ શિક્ષણ બનાવે છે. તે સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગને ઉત્તેજન આપે છે. જોકે કેટલાક વિદ્યાર્થીઓને પડદા પરથી પાઠ ભણવા પડે તે એકલાં પડી ગયાં જેવું લાગે છે. તેનાથી તેમનામાં વ્યગ્રતા સર્જાય છે. માતાપિતાઓને ચિંતા છે કે કસોટી કર્યા વગરની આ પ્રણાલિની તેમના બાળકના માનસિક વિકાસ પર ખરાબ અસર પડશે.

હવે બીજું ઉદાહરણ લઈએ…

ફિનલેન્ડ આ સદીની શરૂઆતમાં તેની શિક્ષણ પ્રણાલિના કારણે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતું હતું. પ્રૉગ્રામ ફૉર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટએસેસમેન્ટ (પીઆઈએસએ)માં તે વર્ષ ૨૦૦૦માં ટોચે હતું. ગણિત અને વિજ્ઞાનમાં તેણે ઉચ્ચ ગુણો મેળવ્યાં હતાં અને વાંચનમાં તો તે પહેલે ક્રમે હતું. શિક્ષણશાસ્ત્રીઓ તેનું રહસ્ય જાણવા ત્યાં ઉમટી પડેલાં.

પરંતુ વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૨ની વચ્ચે દેશના ગુણો એકદમ નીચે ઉતરી ગયાં. બીજા ટોચના દેશો તો સ્થિર જ રહ્યાં. આવો ઉલટો પ્રવાહ કેમ થયો? આનું એક કારણ એમ મનાય છે કે સ્ક્રીન ટાઇમ ટૅક્નૉલૉજી વધુ અપનાવાઈ રહી છે.

ફિનલેન્ડમાં છોકરીઓ વાંચન, ગણિત અને વિજ્ઞાનમાં છોકરાઓને પાછળ છોડી દે છે. ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉ-ઑપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી)માં ફિનલેન્ડ એક જ એવો દેશ છે જ્યાં છોકરીઓ ગણિત અને વિજ્ઞાનમાં છોકરાઓને પછાડી રહી છે. 

વિશેષજ્ઞો એવું માને છે કે મિડિયા (સમાચારો) અને હળવાભળવા (સૉશિયલાઇઝિંગ) માટે ઇન્ટરનેટ પર વધુ સમય વપરાવા લાગ્યો છે. તેના કારણે ગણિત અને વિજ્ઞાનમાં જે જટિલ મુદ્દાઓ હોય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

અમેરિકાનું વાલીઓનું સંગઠન ‘વી ધ પેરન્ટ્સ’ સમૂહમાં અપાતું વ્યક્તિ-વ્યક્તિએ અલગ શિક્ષણ (જેવું કે ઝૂકરબર્ગે વિકસાવ્યું છે)નો વિરોધ કરે છે. તેમણે ઇન્ડિયાના એરિયા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ બૉર્ડને પત્ર લખી પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

સાઉધર્ન ન્યૂહેમ્પશાયર યુનિવર્સિટીમાં સાઇકૉલૉજીના પ્રાધ્યાપક પીટરફ્રૉસ્ટ કહે છે કે “ઘણાં પુસ્તકો અને લેખો એવું કહે છે કે ટૅક્નૉલૉજી પર આટલો બધો આધાર રાખવાથી આપણે આપણાં મગજની કેટલીક ક્ષમતાઓ ગુમાવી રહ્યાં છીએ.”

ફ્રૉસ્ટે એક અભ્યાસ કર્યો હતો. તેમાં કૉલેજના ૫૦ વિદ્યાર્થીઓને તેમના ફૉન દિવસના બે કલાક કરતાં ઓછો વાપરવા કહેવાયું હતું. જ્યારે બીજા ૫૦ વિદ્યાર્થીઓને દિવસના પાંચ કલાક કરતાં વધુ ફૉન વાપરવા કહેવાયું હતું. એક સપ્તાહ પછી બીજા સમૂહના વિદ્યાર્થીઓમાં અર્થઘટન કરવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ઘણી ઘટી ગઈ હતી. જોકે ચાર સપ્તાહ પછી બંને સમૂહ સરખાં થઈ ગયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]