ઓસ્ટ્રેલિયાના PMની આ સલાહ ચર્ચામાં!

ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટ્વિટર… આ તો બધાં જાણીતાં નામો છે અને સૉશિઅલ મીડિયાનો ભાગ છે. તેના દ્વારા મિત્રો અને પરિવારજનો સાથે સંપર્કમાં રહી શકાય છે. પરંતુ હવે એ જાણીતી વાત છે કે તે નિરાશા પણ ખૂબ જ જન્માવે છે.કોણે ગાડી લીધી, કોણ સારા ગુણ લાવ્યું, કોણે સેલિબ્રિટી સાથે તસવીર પડાવી, કોણ ગોવા કે સ્વિત્ઝર્લેન્ડ ફરવા ગયું…આ બધું જોઈને તમને નિરાશા આવી શકે, પરંતુ તેનો ઉપાય છે. અને તે એ કે, તમે થોડા સમય પૂરતું સૉશિઅલ મીડિયા જોવાનું બંધ કરી શકો. પરંતુ એવા લોકોનું શું જેમણે ફરજિયાત આ જોવું જ પડે? અને તેમાંય, તમારા પર સતત કૉમેન્ટોનો મારો થતો હોય, તમારી ટીકા થતી હોય?

તમે સવારે ઊઠો અને નૉટિફિકેશનો આવેલા હોય કે ડઝેનક જણાએ તમારી પૉસ્ટ પર તોફાની ટીપ્પણીઓ કરી છે તો તમને કેવી અકળામણ થાય? પરંતુ સાથે સાથે તમે તેમને એવો જ જવાબ આપી શકો પણ તેમ નથી, કારણ? કારણકે તમે એક જાહેર જીવનની વ્યક્તિ છો.

આ જાહેર જીવનની વ્યક્તિ કોણ છે, ખબર છે? ના, અભિનેતા કે ક્રિકેટર નહીં, પરંતુ રાજકારણી. સૉશિઅલ મીડિયા ઘણા રાજકારણીઓની તબિયત બગાડી રહ્યું છે. ઘણાને ખાનગીમાં રડાવી રહ્યું છે.

મોટા ભાગના રાજકારણીઓને માટે હવે મતદારો સાથે સંપર્કમાં રહેવા માટે સૉશિઅલ મીડિયા મહત્ત્વનું અંગ બની ગયું છે. મોટા ભાગના લોકો હવે ફેસબૂક અને ટ્વિટર ખાતાં ધરાવે છે. અને જેમને નથી તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મક્કમપણે ખોલાવી તેના પર સક્રિય રહેવા કહે છે. આ વાત માત્ર ભારત પૂરતી સીમિત નથી, હવે વિશ્વભરના રાજકારણીઓ સૉશિઅલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.  પરંતુ સૉશિઅલ મીડિયા રાજકારણીઓને ફાયદાની સાથે હવે નુકસાન પણ કરાવી રહ્યું છે.

ગુજરાતની ચૂંટણીમાં આપણે જોયું જ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદારૂપ થયેલું સૉશિઅલ મીડિયા વિધાનસભાની ચૂંટણીમાં કેવું નુકસાનદેહ સાબિત થયું. હવે તો રાજકારણીઓ નાની એવી ભૂલ કરે તો પણ તેમની જાહેરમાં એટલે કે સૉશિઅલ મીડિયા પર હાંસી ઉડાવાય છે. રાહુલ ગાંધીએ અરુણ જેટલીનો અંગ્રેજી સ્પેલિંગ ટ્વિટર પર ખોટો લખ્યો એમાં તો તેમનું આવી બનેલું. સંસદમાં કાર્યવાહી સુધી વાત પહોંચી ગઈ હતી.

આમ, રાજકારણીઓને સૉશિઅલ મીડિયા પર મોટા ભાગે નકારાત્મક બાબતોનો સામનો કરવો પડે છે, જેમાં મોટા ભાગે અંગત ટીપ્પણીઓ પણ હોય છે. સૉશિઅલ મીડિયા હવે સરકાર અને રાજકારણીઓ વિરુદ્ધ અભિયાન છેડવાનું સાધન પણ બની ગયું છે અને સૉશિઅલ મીડિયાની આ ભૂમિકા દિવસે ને દિવસે વધી રહી છે. સરકારના નિર્ણયો સામે સૉશિઅલ મીડિયા પર ટીકાઓ વધતી જઈ રહી છે. તાજેતરમાં અરુણ જેટલીએ બજેટમાં મધ્યમ વર્ગને ડીંગો બતાવ્યો તેની ટીકા સૉશિઅલ મીડિયા પર ખૂબ જ થઈ હતી. તો સ્કૂલ ફી બાબતે પણ વાલીઓને એકત્ર રાખવામાં કે કરવામાં સૉશિઅલ મીડિયાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.

આવું વિદેશોમાં પણ થઈ રહ્યું છે.  ઑસ્ટ્રેલિયામાં હેટ કંપની અકુબ્રાનો ચહેરો ૧૪ વર્ષની એમી ડોલી એવરેટ્ટે તો સૉશિઅલ મીડિયા પર નકારાત્મક ટીપ્પણીઓના કારણે આપઘાત કરી લીધો. આના લીધે ઑસ્ટ્રેલિયામાં સાઇબર બુલીઇંગ (એટલે કે નેટ પર લોકોને ચીડવવા) વિશે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે.

એમીએ તેને નેટ પર લોકો દ્વારા બહુ ચીડવવામાં આવતાં ગત જાન્યુઆરીમાં પોતાનો જીવ ટૂંકો કરી લીધો હતો. ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન માર્ક મૅક્ગૉવને તાજેતરમાં વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્યની સમસ્યાઓમાં વધારા અંગે બોલતા કહ્યું હતું કે તેમનાં ત્રણ બાળકોને સૉશિઅલ મીડિયા જોવાની છૂટ તેમણે નથી આપી. તેમણે અન્ય માબાપોને પણ આ જ નીતિ અપનાવવા કહ્યું છે. આપણાં વડાપ્રધાન મોદી આવું કહે તો? તો ટૅક્નૉલૉજીના વિરોધી, વાણી સ્વાતંત્ર્યના વિરોધી અને બાળકો માટે મૉરલ પૉલિસિંગના તેમના પર આક્ષેપો વિપક્ષો અને મીડિયા દ્વારા લાગી જાય!