ચંદ્રયાન-2 બાદ સૂર્ય છે ઈસરોનું ટાર્ગેટ

અવકાશયાન ચંદ્રયાન-2ને આજે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કર્યા બાદ વૈશ્વિક અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારતનું કદ વધારનાર અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) તેનું ધ્યાન સૂર્ય પર કેન્દ્રિત કરવાની છે અને તેના તેજોવલયનો અભ્યાસ કરવા માટે 2020ના પ્રથમ ભાગમાં આદિત્ય-L1 નામનું સોલાર મિશન મોકલવા ધારે છે.

આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના તેજોવલય, એટલે કે બાહ્ય લેયર્સનું નિરીક્ષણ કરશે. આ તેજોવલય હજારો કિલોમીટર સુધી ફેલાયેલા છે.

ઈસરોએ આદિત્ય-L1 મિશન વિશેની માહિતી તેની વેબસાઈટ પર શેર કરી છે. એણે જણાવ્યું છે કે સૂર્યનાં corona આટલા બધા ગરમ કેમ હોય છે એ સવાલનો હજી સુધી જવાબ કોઈ આપી શક્યું નથી.

ઈસરોનાં ચેરમેન કે. સિવને ગયા મહિને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પૃથ્વી ગ્રહથી સૂર્ય લાખો કિલોમીટર દૂર છે. અમે સૂર્યના તેજોવલયનો અભ્યાસ કરવા માગીએ છીએ, કારણ કે પૃથ્વી પરના પર્યાવરણ પર એની ખૂબ જ અસર રહે છે.

ઈસરો આ ઉપરાંત આગામી બે-ત્રણ વર્ષમાં શુક્ર ગ્રહ ઉપર પણ અવકાશયાન મોકલવા ધારે છે.

સિવન કેન્દ્રના અવકાશ સંશોધન વિભાગના સેક્રેટરી પણ છે.