મારા હાળા છેતરી ગયાની સામે ચંદુકાકાના ચશ્મા

જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સોશિયલ મિડિયા વધુ રાજકીય રંગ પકડી રહ્યું છે. ‘વિકાસ ગાંડો થયો’ની વાત હવે સુપેરે જાણીતી છે. ભાજપના વિકાસની સામે કૉંગ્રેસ પ્રેરિત ‘વિકાસ ગાંડો થયો’નો ટ્રેન્ડ બહુ ચાલ્યો. સામાન્ય રીતે ભાજપનું સોશિયલ મિડિયા કોઈ ટ્રેન્ડ ચલાવે અને કૉંગ્રેસ તેમાં ફસાઈ જાય તેવું બનતું પરંતુ પહેલીવાર કૉંગ્રેસનું સોશિયલ મિડિયા કેમ્પેઇન ભાજપના ક્રિએટિવ સોશિયલ મિડિયા પર ભારે પડતું દેખાયું. ભાજપના લોકો પર આની એટલી અસર પડી કે સ્વયં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સૂત્રનો જવાબ આપી દીધો. આવા સૂત્રની અવગણના જ કરવાની હોય અને આપણું નવું સૂત્ર રમતું કરવાનું હોય તે રણનીતિ વિજયભાઈ મોદી પાસેથી શીખ્યા નહીં. 2012ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ટીવી કલાકાર તુલિકા પટેલને મેદાનમાં ઉતારેલી અને ‘દશા પણ બદલીએ અને દિશા પણ બદલીએ’ આવું સૂત્ર આપીને લગભગ 2૦થી વધુ જાહેરખબરો કરેલી. આના જવાબમાં ભાજપે કૉંગ્રેસને ‘તમારો કેપ્ટન કોણ તે જાહેર કરો’ની જાહેરખબર બનાવેલી.

‘વિકાસ ગાંડો થયો’ના પડઘા રૂપે ભાજપે ફલાણું થયું ત્યારે વિકાસ ઉંઘતો હતો તેવા સંદેશાઓનો મારો ચલાવ્યો, જેમાં કૉંગ્રેસ શાસનમાં જે ખોટું થયું હતું તેની વાત કરવામાં આવી હતી. દા.ત. સિમલા કરાર વખતે ભારતે પાકિસ્તાનના 90 હજાર યુદ્ધ કેદીઓને છોડી દીધા હતાં. સામે પાકિસ્તાને ભારતના આશરે 20 હજાર કેદીઓમાંથી માત્ર 617ને છોડ્યા ત્યારે વિકાસ ચંદ્રયાનની સફરે નીકળી ગયો હતો. 1987માં શ્રીલંકાના ગૃહયુદ્ધમાં મોટા ભાઈ થઈ રાજીવ ગાંધીએ 48 હજાર સૈનિકોને મરવા મોકલ્યાં ત્યારે વિકાસ ગાંડો નહોતો થયો. પરંતુ આ સંદેશાઓમાં કોઈ એકસૂત્રતા અર્થાત્ ‘વિકાસ ગાંડો થયો છે’ જેવું એક સૂત્ર ન હોવાથી આ ટ્રેન્ડ જામ્યો નહીં.

એટલે ભાજપ નવા ટ્રેન્ડ સાથે બહાર આવ્યો અને આ ટ્રેન્ડ હતો ‘મારા હાળા લૂંટી ગયા’. આ ટ્રેન્ડમાં ભાજપે તેનો મનગમતો ભ્રષ્ટાચારનો મુદ્દો કૉંગ્રેસ સામે ધર્યો. દા.ત.

  • કૉંગ્રેસે દેશની સુરક્ષાને પણ લૂંટી લીધી અને 1987માં રૂ. 960 કરોડનું બૉફૉર્સ તોપ કૌભાંડ કર્યું. #મારા_હાળા_લૂંટી_ગયા
  • 2008માં કૉંગ્રેસ પાર્ટીએ 8,000 કરોડનું સત્યમ્ કૌભાંડ કર્યું અને દેશને મોટું નુકસાન પહોંચાડ્યું #મારા_હાળા_લૂંટી_ગયા

આના જવાબમાં રસપ્રદ રીતે કૉંગ્રેસ #મારા_હાળા_છેતરી_ગયા નો ટ્રેન્ડ લઈ આવી છે. ટ્રેન્ડના નામ પરથી જ સ્વાભાવિક રીતે સ્પષ્ટ થાય છે કે કૉંગ્રેસ આ ટ્રેન્ડમાં નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને લક્ષ્ય બનાવ્યાં છે અને તેમને તેમનાં વચનોની યાદ અપાવી છે, જે કૉંગ્રેસના દાવા પ્રમાણે, ભાજપે પૂરાં નથી કર્યાં. એક-બે ઉદાહરણો જોઈએ.

  • પેટ્રોલનો ભાવ 53 હતો તો વિરોધ કરવા રૉડ જામ કરી દેનાર અત્યારે 74નો ભાવ કરીને બેઠાં છે. #મારા_હાળા_છેતરી_ગયા
  • નોટબંધીના ફાયદા 50 દિવસમાં બતાવું આવું કહેવાવાળા નવ મહિને પણ નોટબંધીનો એક ફાયદો નથી બતાવી શકતા બોલો. #મારા_હાળા_છેતરી_ગયા
  • પાકિસ્તાનના છોતરાં કાઢી નાખશું એવું કહેવાવાળાએ નોટું બંદ કરીને દેશની જનતાનાં છોતરાં કાઢી નાખ્યાં. #મારા_હાળા_છેતરી_ગયા

કૉંગ્રેસનો છે કે અન્ય કોઈ પક્ષનો, તે ખબર નથી, પણ એક ટ્રેન્ડ ભાજપની સામે ‘આભાર નરેન્દ્રભાઈ’નો પણ ચાલ્યો છે. તેમાં ભાજપે જે કંઈ ખોટું કર્યું તેના માટે વ્યંગમાં નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો છે. આ પણ મજાનો ટ્રેન્ડ છે. બે ઉદાહરણ જોઈએ.

  • તલના ભાવ 4000થી 1000 અને કપાસના ભાવ 1500થી 500 કરી ખેડૂતોને માલામાલ કરવા બદલ #આભાર_નરેન્દ્રભાઈ
  • આખી દુનિયાને ઈર્ષા થાય તેવું આધુનિક ધોલેરા ઍરપૉર્ટ બનાવવા બદલ #આભાર_નરેન્દ્રભાઈ

આ બધાની સામે હવે ભાજપ ચંદુકાકાના ચશ્માનો ટ્રેન્ડ લાવ્યો છે. ચંદુકાકાના ચશ્માની થીમથી કેટલાક વિડિયો બનાવવામાં આવ્યા છે અને ભાજપે કરેલાં વિકાસનાં કામો આંકડાઓ સાથે બતાવવામાં આવે છે. તેમાં કૉંગ્રેસનાં કામોની સાથે તુલના કરવામાં આવી છે. આ 15થી 20 સેકન્ડના વિડિયોના અંતે ચંદુકાકાનું પાત્ર કહેશે કે ‘જો ન દેખાય વિકાસ તો આંખોના નંબર તપાસ’.

આમ, હજુ તો રંગ જામવાની શરૂઆત થઈ છે જેમ જેમ ચૂંટણી વધુ ને વધુ નજીક આવશે તેમ તેમ વિકાસ ગાંડો થાય કે ન થાય, પણ નેટ વપરાશકારોને ગાંડું કરવાનું છે તે ચોક્કસ છે.