નોટ આઉટ@: 91 દલિચંદભાઈ જોબાલીયા

સૌરાષ્ટ્રના પાળિયાદ જેવા નાના ગામમાં કપાસના  ધંધાથી શરૂ કરી અમદાવાદમાં કેમિકલનો ધીખતો ધંધો અને ફેક્ટરી સ્થાપનાર દલિચંદભાઈ જોબાલીયાની જીવન યાત્રા સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

મૂળ ગામ જોબાળા, એટલે અટક જોબાલીયા. જન્મ પાળિયાદમાં, બે ભાઈ, ચાર બહેનનું ગર્ભશ્રીમંત કુટુંબ. શિક્ષણ પાળિયાદમાં અને બોટાદમાં. બોટાદ સંપ્રદાયના આચાર્ય ભગવંત પરમપુજ્ય નવીનચંદ્રજી મહારાજસાહેબ તેમના ગુરુ.  દલિચંદભાઈ મુંબઈ કેમિકલનો ધંધો કરવા ગયા પણ પિતાની તબિયત બગડતા પાળિયાદ પાછા આવ્યા. 19 વર્ષે પિતાનું મૃત્યુ થતા ઘરની જવાબદારી સ્વીકારી.  કપાસ અને એગ્રી-પ્રોડક્ટસનો ધંધો ચાલુ રાખ્યો. ગામમાં પહેલું જીન નાખ્યું. સ્ત્રી-શિક્ષણમાં માને. મોટી-દીકરી(નયનાબહેન) ગામના પહેલા BA અને નાની-દીકરી (સ્મિતાબહેન) ગામના પહેલા B.Com. ગામમાં સંઘનું જમણ થાય તો રસોડું તેમની પાસે હોય! મૈસુબ બનાવે તો ઘી તો દાદા જ રેડે! 1977માં અમદાવાદ આવી પુત્રો(રાજેશ અને હિતેશ) સાથે કેમિકલનો ધંધો શરૂ કર્યો અને પછી કેમિકલ ફેક્ટરી નાખી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

અત્યાર સુધી સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કામોમાં પ્રવૃત્ત હતા. સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ(નગરશેઠનો વંડો), સેટેલાઈટ સ્થાનકવાસી જૈન સંઘ, બોટાદ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સેવા-મંડળ, મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ વગેરેમાં સેવા આપતા. જૈનોના છોકરાઓને દેશ-વિદેશમાં ભણવા માટે વ્યાજ વગર લોન મળે તે માટે ઘેર-ઘેર જઈ મોટું ભંડોળ ઊભું કર્યું. સ્પષ્ટ-વક્તા અને ગરમ સ્વભાવ, પણ કામ એટલું વ્યવસ્થિત કે બધાં તેમનો પડ્યો બોલ ઝીલે! હક્કથી અને આગ્રહથી બધાંને કહી શકે! ડાયાબીટીસ આવ્યો ત્યારે રોજ આઠ-દસ કિલોમીટર ચાલી રોગને કાબુમાં કર્યો! સવારે 7:00 વાગે ઊઠે, નાહી-ધોઈ તૈયાર થઈ ધાર્મિક કામકાજ કરે, 10:00 વાગે CNBC ચાલુ થઈ જાય! જમીને આરામ કરે. સાંજે વળી સામાજિક અને ધાર્મિક કામ માટે લોકોને મળવાનું. ત્રણેક વર્ષ પહેલાં પત્નીનું મૃત્યુ થયું, પછી રૂટીન થોડું બદલાયું છે.

શોખના વિષયો :

ખાવા-ખવડાવવાના અને પહેરવા-ઓઢવાના  શોખીન! રોજ રાતના પેંડા અને ગાંઠિયા ખાઈને જ સૂએ! કાયમ ખાદી પહેરે, પણ દેખાવે અપટુડેટ! તેમની ટોપી ધોવડાવવા છેક મુંબઈ જાય, એવો તેમનો વટ! વાંચવાનું અને ફરવાનું ગમે. ભારતમાં અને બહાર ઘણું ફર્યા છે. શેર-બજાર અને એરંડા-અળસીમાં સટ્ટો કરવાનો શોખ! કાયમ મંદી કરે. હસતા-હસતા ઊમેરે છે કે “ક્યારેય કમાયો નથી!”

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

ચાર જનરેશન સાથે રહે છે. ઘરની દરેક વ્યક્તિ તેમનું બહુ ધ્યાન રાખે છે. ચાર-વર્ષનો પ્રપૌત્ર અહાન આવીને પૂછી જાય “દાદા, અમારી સાથે કેમ નથી જમતા? ભાવતું નથી?”  દાદા આણંદ હોસ્ટેલમાં મૂકવા ગયા હતા તે પૌત્ર અમલને હજુ પણ યાદ છે! આંખ અને કાનની તકલીફ છે, 50 વર્ષથી ડાયાબિટીસ છે, પણ કોઈ ફરિયાદ નથી. કાયમ હસતા જ હોય!

યાદગાર પ્રસંગો : 

યુવાન હતા ત્યારે કામધંધે તરધરા રોજ ઘોડી પર જાય. એક સાંજે ખેતરમાંથી ખેડૂતે કીધું કે ડફેર(લૂંટારા) હમણાં જ અહીંથી ગયા છે. તેમણે બિલકુલ ગભરાયા વગર ઘોડીને એડી મારી અને ઘોડી પણ જાણે સમજી ગઈ તે બસની સ્પીડે દોડી અને છેક ઘેર આવીને ઊભી રહી!  બેનના લગ્નમાં  મુંબઈથી જાન આવી હતી. બરફની પાટો ઉપર મેવા, ફળફળાદી અને મોંઘેરી વસ્તુઓ મૂકી જાનને સાચવેલી. જાનૈયાઓ આજે 50-60 વર્ષે હજીપણ ફુવાની જાન યાદ કરે છે! મુંબઈથી જમાઈને આગ્રહ કરી  પાળિયાદ બોલાવ્યા. રોજ વાડીએ જવાનું અને હોજમાં નાહવાનું! મોજ કરાવી! બે દિવસને બદલે ૧૫ દિવસ રોકાઈ ગયા!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

પોતે નવી ટેકનોલોજીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, પણ  બાળકો ટેકનોલોજી વાપરે છે અને તેના  ઉપયોગથી આગળ વધ્યા તેનો આનંદ છે. તેમનું કહેવું છે : “ટેકનોલોજી વાપરજો, પણ લિમિટમાં રહીને.”

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

તેઓ પોતાની જાતને સમય સાથે સતત બદલતા રહે છે.  પાળિયાદ હતા ત્યારે પણ ઘરની બધી ખરીદી, લગ્નનું શોપિંગ, દાગીના વગેરે મુંબઈથી કરતા,અત્યારે પણ તે પ્રથા ચાલુ છે. બાકી સાદું, સરળ જીવન છે. ક્યારેય ટેન્શનવાળું કામ કર્યું નથી. સાત-પેઢીમાં કોઈએ દુઃખ જોયું નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?:

યુવાનો માટે ઘણું કામ કર્યું છે. સમાજમાં અને કુટુંબમાં, યુવાનોને આગળ આવવા કાયમ મદદ કરી છે.

સંદેશો :

ખાવો, પીવો અને મહેનત કરો! જમાના સાથે તાલ મિલાવો! ધર્મને ભૂલશો નહીં. ભગવાને ખૂબ દયા કરી  છે, કોઈ તકલીફ નથી, સંતોષ છે. બધા જીવોને ખમાવે છે.