નોટ આઉટ @ 82 : મુનિભાઈ મહેતા

“મોસ્ટ આઉટ-સ્ટેન્ડિંગ કેમિકલ-એન્જિનિયર”(1986), “એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ”(2002) તથા વિજ્ઞાન, ઇજનેરી અને કૃષિ ક્ષેત્રે કરેલ પ્રદાન માટે “પદ્મશ્રી”(2011) પુરસ્કારથી સન્માનિત વડોદરાના ઇજનેર, વિજ્ઞાની, સંશોધક, સમાજસેવક અને કવિ એવા મુનિભાઈ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ ભાવનગરમાં. માતા ભક્ત-કવયિત્રી ભાગીરથીબહેન “જાહ્નવી”, પિતા શિક્ષક, મામા નાથાલાલ દવે, બહેન કવયિત્રી સરયુ પરીખ…..! શાળાનો અભ્યાસ ભાવનગરમાં, B.Tech અને Ph D. IIT મુંબઈમાં. યુનિવર્સિટી ઓફ એરિઝોના અને કેલિફોર્નિયામાં આમંત્રિત વિજ્ઞાની તરીકે સેવા આપી. ભાભા રિસર્ચ સેન્ટર અને સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ(ભાવનગર) ખાતે ડિસેલાઈઝેશન ઓફ વોટર(ખારા પાણીમાંથી મીઠું પાણી), વેસ્ટ ટુ વેલ્થ(કચરામાંથી કંચન) અને બાયો ટેકનોલોજી પર પાયાનું સંશોધન કર્યું. જીએસએફસી વડોદરાના રિસર્ચ-ડાયરેક્ટર, સાયન્સ ફાઉન્ડેશન અને ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપનીના સ્થાપક-ડાયરેકટર. રાજ્યસરકારના આમંત્રણથી ગુજરાત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે જોડાયા, પાયાના ફેરફારો કરી નવીનીકરણ માટે નેતૃત્વ પૂરું પાડ્યું. ગુજરાત લાઈફ-સાયન્સના ચેરમેન છે. ઇકો-એગ્રીકલ્ચર(પર્યાવરણ-કૃષિ) અને બાયોશીલ્ડના વૈશ્વિકસ્તરીય કામમાં અગ્રેસર યોગદાન આપી રહ્યા છે. 150 સંશોધન પેપર્સ અને ચાર પુસ્તકો લખ્યાં છે. 16થી વધુ પેટર્ન મેળવી છે. કવિતા લખે છે, લોક-વિજ્ઞાન-કેન્દ્ર અને “વહો-વિશ્વામિત્રી” અભિયાનના પ્રણયદાતા છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સતત પ્રવૃત્તિમય રહે છે. સવારે છ વાગ્યે ઊઠે અને રાતના 10:00 વાગ્યે સૂઈ જાય. એકદમ નિયમિત જીવન! ઊઠીને પોણો કલાક યોગ કરે. રેગ્યુલર ટેનિસ રમતા. સાંજે સાઇકલ ચલાવે, બાગમાં ચાલે, સાધનો પર કસરત કરે અને ઘેર આવીને ટીવી જુએ. આખો દિવસ તેમની કંપનીના કામકાજમાં એકદમ સક્રિય. સાથેસાથે ઇકો-એગ્રી નેશનલ-વર્કિંગ-કમિટીના ચેરમેન તરીકેનું પણ કામ ચાલે. વિશ્વામિત્રી નદીના પુનરુત્થાનના “વહો-વિશ્વામિત્રી” અભિયાન જેવા સામાજિક પ્રોજેક્ટમાં પણ સક્રિય. 250 શાળાઓને આવરી લેતા લોક-વિજ્ઞાન-કેન્દ્ર (Community Science Center-CSC) માટે દર અઠવાડિયે એક આખો દિવસ ફાળવેલ છે.

શોખના વિષયો : 

બહુમુખી પ્રતિભા.. બાળપણથી ‘સપ્તકલા'(ભાવનગર)માં શાસ્ત્રીય-સંગીત શીખ્યા છે. કાષ્ટ-તરંગ સરસ વગાડે છે. રેડિયો ઉપર પણ વગાડતા. ‘દિલ્હી યુથ-ફેસ્ટિવલ’માં ઇનામ જીત્યા છે. ફરવાનો ઘણો શોખ છે. પાંચે ખંડમાં અને 50થી વધુ દેશોમાં ફર્યા છે! જુદીજુદી હોટલોના મેનુ-કાર્ડ ભેગા કરવાનો અજબ શોખ છે. લગભગ 500 જેટલાં મેનુ-કાર્ડ ભેગાં કર્યાં છે! સ્પોર્ટ્સમાં રુચિ….ટેનિસ, સ્વિમિંગ નિયમિત કરે. વાંચન-લેખન(કવિતા) બહુ ગમે. સમાજસેવાનો પણ આગ્રહ રાખે. “વહો વિશ્વામિત્રી” અભિયાનમાં સક્રિય. બાળકો માટે લોક-વિજ્ઞાન-કેન્દ્ર(CSC) માટે અઠવાડિયે એક આખો દિવસ આપે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

સતત પ્રવૃત્તિભર્યું નિયમિત જીવન, હસમુખો સ્વભાવ અને આજીવન કસરત-સ્પોર્ટ્સ-યોગને કારણે તબિયત એકદમ સરસ છે. ભગવાનની મહેરબાની અને પત્ની ઈલાબહેનની કૃપાથી કોઈ તકલીફ નથી! એક દીકરો, એક દીકરી, બે પૌત્રી છે.

યાદગાર પ્રસંગ:  

2001ના ધરતીકંપને યાદ કરે છે. તેમનું ભચાઉ કેન્દ્ર એક્ટિવ હતું. ત્યાંથી મેસેજ આવ્યો કે “અમને ખાવાનાની જરૂર નથી પણ શેલ્ટર માટે કંઈક કરો.” મુનિભાઈએ પોતાના ગ્રીનહાઉસના અનુભવ પરથી, લો-કોસ્ટ અને ઝડપથી બની જાય તેવા શેલ્ટર(તંબુ) બનાવવા શરુ કર્યા. તે રાત્રે સ્વામીનાથન-સાહેબનો ફોન આવ્યો ત્યારે મુનિભાઈએ તેમને ગ્રીનહાઉસ શેલ્ટર (તંબુ) ની વાત કરી. સ્વામીનાથન-સાહેબે ગ્રીનહાઉસ શેલ્ટર (તંબુ) ની વિગતવાર નોટ તરત મંગાવી. રાતોરાત જાગી મુનિભાઈએ નોટ બનાવી મોકલી આપી, જે સ્વામીનાથન-સાહેબે ટાટા-ટ્રસ્ટમાં પહોંચાડી અને રતન ટાટાએ એક જ રાતમાં 1.5 કરોડ રૂપિયાની મદદ મંજૂર કરી! દોઢ મહિનામાં તો 1500 જેટલા ગ્રીનહાઉસ બની ગયાં જેનો લોકોએ ભરપૂર ઉપયોગ કર્યો! પાકાં રહેઠાણ બન્યાં પછી તે ગ્રીનહાઉસ શાકભાજી ઉગાડવા માટે વપરાયાં. “SHELTER TO LIVELYHOOD”નો પ્રોજેક્ટ દુનિયાભરમાં એક આદર્શ બની ગયો છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

વિજ્ઞાનના માણસ છે એટલે નવી ટેકનોલોજી તો હાથવગી જ હોય! કોમ્પ્યુટર ઉપર કરવાનું કામ હાથ નીચેનાં માણસો સંભાળે. સાયન્સ અને સ્પિરીચ્યુઆલીટીમાં માને છે. “વિજ્ઞાન-અધ્યાત્મ અને આવતીકાલનું વિશ્વ” નામે સરસ ચોપડી લખી છે. વિક્રમ સારાભાઈ અને અબ્દુલ કલામ તેમના હીરો. બંને સાથે સારો અંગત પરિચય.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેમના મતે આજના યુવાનો બહુ હોશિયાર છે. હસતા-હસતા ઉમેરે છે: અમારા હાથ-પગ મજબૂત હતા, આજના યુવાનોનું માથું મજબૂત છે! સ્પિરિટ-ઓફ-ઇનોવેશન અને સ્ટાર્ટ-અપની પ્રવૃત્તિઓ ચાલુ રહે તેવી આશા છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

એમના હાથ નીચે કામ કરનારી આખી ટીમ યંગ છે. લોક-વિજ્ઞાન-કેન્દ્રમાં 250 સ્કૂલનાં વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા છે! સાયન્ટિફિક ડ્રામા અને ઇનોવેશન માટે ઘણું કામકાજ કરે છે.

સંદેશો :  

મોજમેં રહેના, ખોજમેં રહેના!