નોટ આઉટ@82: બહેનશ્રી ડો.શર્મિષ્ઠાબહેન સોનેજી

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબાના વિદ્યા-ભક્તિ-આનંદધામ સભાગૃહમાં રવિવારે સવારે મોટી સંખ્યામાં હાજર રહેલાં મુમુક્ષુઓને મધુર-સ્વરે આશીર્વચન આપતાં બહેનશ્રી ડોક્ટર શર્મિષ્ઠાબહેન સોનેજીને સાંભળવા તે જીવનનો લહાવો છે! આવો તેમની વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદમાં, પ્રખ્યાત, ગર્ભ-શ્રીમંત ખારાવાળા કુટુંબ તેમનું મોસાળ. ખૂબ લાડકોડમાં બાળપણ વીત્યું. પાંચ વર્ષે પિતાજી(રંગ/રસાયણનો વેપાર)સાથે ઇન્દોર ગયાં. શાળાનો અને મેડિકલનો (એમજીએમ કોલેજ) અભ્યાસ ઇન્દોરમાં.

 

સમય થતાં લગ્નની તૈયારીઓ થવા માંડી. મામાના મિત્રને નાતના સોનેજી કુટુંબમાં ઓળખાણ. આધ્યાત્મિક રંગથી રંગાયેલા, મુંબઈમાં નોકરી કરતા ડોક્ટર મુકુંદ સોનેજી સાથે 1959માં બહેનશ્રીનો વિવાહ થયો, 1960માં લગ્ન થયાં. 1961માં મુકુંદભાઈ અભ્યાસ કરવા વિદેશ(ઇંગ્લેન્ડ) ગયા, 1963માં શર્મિષ્ઠાબહેન જોડાયાં. ક્યારેક ભારત પાછાં આવી રહેવાનું મન થતું! શરૂઆતમાં ભાષાની થોડી તકલીફ થતી, પણ પછી સરસ રહ્યું. 1966માં પાછા અમદાવાદ આવ્યાં. સપ્ટેમ્બર 66માં દીકરાનો જન્મ થયો. 1967માં અમદાવાદમાં મેડિકલ અને ગાયનેક વિભાગ સાથે પોતાની હોસ્પિટલ શરૂ કરી. થોડા વખતમાં ડોક્ટર-સાહેબને લાંબી માંદગી આવી. માંદગીનાં સમયમાં તેમણે સત્સંગ કર્યો, શાસ્ત્રો ભણ્યા, વચનામૃત વાંચ્યું. 1970-71માં બા-બાપુજીને ખોયાં. 74-75માં વિશેષ સાધના કરવાનું ધ્યેય નક્કી કર્યું. શ્રી-સત્-શ્રુત-સેવા-સાધના-કેન્દ્ર-મીઠાખળી શરૂ કર્યું. ડોક્ટર-સાહેબ એકાંત-સાધનામાં જતા, બહેનશ્રી ઉપર હોસ્પિટલનો બોજ વધી ગયો. મેડિકલ વિભાગ બંધ કર્યો. ધર્મની સમજ સાથે મર્યાદિત (ગાયનેકનું) કામ ચાલુ રાખ્યું. 1976ની સાલથી બ્રહ્મચર્ય પાળે છે. સામાજિક વ્યવહાર ચલાવે પણ ધાર્મિક, અધ્યાત્મિક વલણ વધારે. 1982થી ડોક્ટર-સાહેબે ધીમેધીમે કોબા રહેવાનું શરૂ કર્યું. 84માં દીકરો મેડિકલ કોલેજમાં ગયો. 1990માં પુત્રના લગ્ન થયા, પુત્ર-વધૂ શીતલબહેન પણ ડોક્ટર (બાળકો સોહમ અને સોહીણી). બંને યુવાન ડોકટરો તેમની સાથે જોડાયાં એટલે તેમને રાહત થઈ! કાકાનો અને કુટુંબનો સહકાર ઘણો. 1994-95થી જીવનનો રસ્તો બદલાઈ ગયો!

 

નિવૃત્તિની પ્રવૃત્તિ :

નિવૃત્તિના સમયમાં જીવનનાં ધ્યેય: સેવા, અભ્યાસ અને આધ્યાત્મ! દેશ-વિદેશની ઘણી ધર્મયાત્રાઓ કરી. ગુરુકુળની સ્થાપના કરી. સવારે 5:15 ઊઠી 6:00 વાગ્યાથી ભક્તિ, અભિષેક, 9 થી 12 પૂજા, સત્સંગ, પછી ભોજન અને વિશ્રામ. ચારથી પાંચ સત્સંગ,પછી ભોજન. સાંજે 7:00 વાગે આરતી 8:00 વાગે દેવ-વંદન, પછી રાતની ભક્તિ….આશ્રમમાં જરૂર હોય ત્યારે મેડિકલ સેવા આપે. આખો દિવસ સેવા-સાધનામાં જાય!

શોખના વિષયો :

ભણતાં ત્યારે ફિલ્મ જોવાનો શોખ હતો. ભક્તિ-સંગીત અને વાંચનનો શોખ ખરો. હવે સાદું, સારું ગૃહસ્થ-જીવન, સેવા-સાધના એ શોખ. પોતાના સ્વરૂપને પામવાનું અને આત્મ-કલ્યાણનું લક્ષ્ય છે. સદગુરુની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરે છે.

યાદગાર પ્રસંગો : 

સાહેબજી સાથે સેવા-સાધનાના ઘણા યાદગાર પ્રસંગો છે. 74ની સાલમાં મહારાજ-સાહેબે કીધું: ‘શિષ્ય (ડોક્ટર સોનેજી) બહુ પુણ્ય-યોગ લઈને આવ્યો છે’. ડોક્ટર-સાહેબે આત્મ-કલ્યાણને જીવનમાં ઊતારી લેવાનું નક્કી કર્યું. જીવનનો પ્રવાહ બદલી નાખ્યો. 2010માં સાહેબજીની તબિયત ઘણી બગડી, પણ મગજ ઉપરની સમતાને કારણે સેવા કરનારની અનુકૂળતા મુજબ રહે! તકલીફમાં પણ પ્રસન્નતા! કોઈ ફરિયાદ નહીં! ડોક્ટરો આશ્ચર્ય પામતા કે આટલું બધું દુઃખ છતાં આટલી બધી સમતા! તેમના જીવનમાંથી લોકોને ઘણી પ્રેરણા મળતી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

તેમણે પ્રોફેશનલ-કારકિર્દી દરમિયાન જાતે ટેકનોલોજીનો માર્યાદિત ઉપયોગ કર્યો છે, પણ ટેકનોલોજીને સપોર્ટ ઘણો કર્યો છે. ક્લિનિકલ કામમાં ટેકનોલોજી ઘણી ઉપયોગી છે. મેડિકલ-સાયન્સમાં તો ટેકનોલોજીએ કમાલ કરી છે, પરંતુ રોજબરોજમાં તેનો મિસયુઝ થાય છે તે નકારી શકાય નહીં.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

શરીરે ઘણો સાથ આપ્યો છે! કોઈ તકલીફ નથી. થોડું બીપી રહે છે, પણ હાથ-પગ સરસ ચાલે છે, કરવી છે તેટલી સેવા-ભક્તિ થઈ શકે છે. બીજાની સેવા કરો એટલે તબિયત સારી જ રહે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

હા, આશ્રમમાં ગુરુકુળ બનાવ્યું છે, 50 બાળકો રહે છે, તેમને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન અપાય છે. અઠવાડિક-સભામાં તેઓ કાયમ હાજર રહે. આશ્રમમાં રહેતાં યુવાનો અને બ્રહ્મચારી-વર્ગને સહકાર આપી સારી સાધના થાય તેવી ભાવના અને અનુકૂળતા કરી આપે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

યુવાનો ઓછા મહેનતુ થતા જાય છે. ગુરુનું કહ્યું માનવું, તેમની આજ્ઞા પાળવી તેવી વૃત્તિ નવી-પેઢીમાં નથી. ભારતીય સંસ્કૃતિમાં પશ્ચિમીકરણ  જોવા મળી રહ્યું છે.

સંદેશો:

વિદ્યાર્થીઓ વિદેશ જવાનો તીવ્ર-મોહ ઓછો કરે. અહીં રહીને ભણે તો ભારતીય સંસ્કૃતિ જળવાય! વિદેશ જવું પડે તો પાછા આવવાની વૃત્તિ રાખવી. દેશનું યુવાધન પાછું આવે, યુવાનો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભણે અને આદર્શ ગૃહસ્થ જીવન જીવે તેવી મારી શુભેચ્છા!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]