મા-બાપની ફેવરમાં મુંબઈ હાઈકોર્ટે આપ્યો ચુકાદો!

ઘરડાં મા-બાપ પોતાની દેખભાળ ન રાખનાર અથવા હેરાન કરનાર પુત્રને અગાઉ ગિફ્ટમાં આપેલી પોતાની પ્રોપર્ટી પાછી લઈ શકે છે, એવો મુંબઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિઓ રણજીત મોરે અને અનુજા પ્રભુદેસાઈની ડિવિઝન બેંચે વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અંગેના એક વિશેષ કાયદાને ટાંકીને એક ટ્રિબ્યુનલે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો છે.

મામલો અંધેરીના એક વૃદ્ધ માતા-પિતાનો છે. જેમણે એમના દીકરો અને વહુ ભવિષ્યમાં પોતાની સાર-સંભાળ રાખશે એ આશા સાથે પોતાની 50% સંપત્તિ દીકરાના નામે કરતું ગિફ્ટ ડીડ બનાવ્યું હતું. માતા-પિતાએ ફ્લેટમાં 50 ટકા હિસ્સો દીકરાને ગિફ્ટમાં આપ્યો હતો. પરંતુ દીકરા-વહુએ સંભાળ ન લેતાં ગિફ્ટ ડીડ કેન્સલ કરવાની એમણે ન્યાયપંચને વિનંતી કરી હતી. ન્યાયપંચે એમની વિનંતીને માન્ય રાખી હતી. દીકરા-વહુએ એ ચુકાદાની વિરુદ્ધમાં મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

અંધેરીમાં રહેતાં સિનિયર સિટીઝનનાં પત્નીનું 2014માં મૃત્યુ થયું હતું. ત્યારબાદ ગયા વર્ષે પોતે બીજાં લગ્ન કરવા માંગે છે એ વાત એમણે એમના દીકરાને કહી હતી. ત્યારે દીકરા-વહુએ એમના અંધેરીના ફ્લેટમાં 50% ભાગ માંગ્યો. કોઈ કંકાસ ન થાય એ માટે પિતાએ એ વાત માન્ય રાખી હતી અને બીજાં લગ્ન કર્યાં હતા. પરંતુ દીકરા-વહુ ત્યારબાદ પિતાની બીજી પત્ની એટલે કે સાવકી માતાની સાથે ખરાબ વર્તાવ કરવા લાગ્યા હતા.

હેરાન થઈ ગયેલા પિતા આખરે કોર્ટને શરણે ગયા હતા અને દીકરાને નામે કરેલી સંપત્તિનું ગિફ્ટ ડીડ કેન્સલ કરવાની કોર્ટને વિનંતી કરી હતી. 2007માં ઘડાયેલા માતાપિતા, વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અને સુખાકારી જાળવવા માટેના કાયદામાં જોગવાઈ છે કે કોઈ વરિષ્ઠ નાગરિક (પુરુષ કે મહિલા) પોતાની દેખભાળ કરવામાં આવશે એવી મૂળભૂત શરત ઉપર પોતાનો પ્રોપર્ટીનો હિસ્સો ગિફ્ટ ડીડ તરીકે આપી શકે છે, પણ જો એમની સરખી રીતે દેખભાળ કરવામાં ન આવે તો મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ એ કરારને રદબાતલ કરી શકે છે.

મુંબઈ હાઈકોર્ટે અંધેરીના વરિષ્ઠ નાગરિકના કેસમાં એ નિયમને અનુસરણ કર્યું છે અને વરિષ્ઠ નાગરિકની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]