UKમાં નવા PMની પસંદગીઃ એ જાણી લો…

  • બ્રિટીશરોએ આપણા પર દોઢસો વર્ષ શાસન કર્યું. હવે રિષી સુનક નામનો ભારતીય બ્રિટીશરો પર રાજ કરીને અંગ્રેજોના જુલમી શાસનનો બદલો લેશે…

7 જૂલાઇએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને રાજીનામું આપવાની જાહેરાત કરી અને નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઇ એ સમયગાળામાં આપણે ત્યાં આ મતલબના મેસેજિસ સોશિયલ મિડીયામાં ફરતા થઇ ગયેલા. જાણે કેમ, અંગ્રેજો સામે વેર વાળવા રિષી સુનકને આપણે જ તલવાર લઇને બ્રિટનમાં વડાપ્રધાન બનવા ન મોકલ્યા હોય!

ખેર, આજની વાતનો મુદ્દો એ નથી. આ ‘પાગલપણું’ આપણે સોશિયલ મિડીયાની એ ‘પ્રજાતિ’ પર જ છોડી દઇએ. વાત એ છે કે, રિષી સુનક બ્રિટનના વડાપ્રધાન બને તો પણ, આ સમય ‘ભારતીય વિરુધ્ધ અંગ્રેજો’ એમ માનીને હરખાવાનો નથી. ભારતીય મૂળના નામે મિથ્યાભિમાન પ્રગટ કરવાનોય નથી. રિષી સુનક બ્રિટનના વડાપ્રધાન બને તો કે એ બ્રિટનમાં નાણાપ્રધાન બનવા સુધી પહોંચ્યા એમાં આપણું કોઇ યોગદાન નથી એટલે વ્હોટસએપ અને ફેસબુકમાં કોલર ઊંચા કરીને ફાંકા-ફોજદારી કરવાનો કોઇ મતલબ નથી.

(તસવીર સૌજન્યઃ Wikimedia Commons)

બલ્કે, આ સમય છે એક લોકશાહી દેશ તરીકે આ ઘટનામાંથી કાંઇક શીખવાનો. હાલમાં બ્રિટનના નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા એના અંતિમ તબક્કામાં છે અને આગામી 6 સપ્ટેમ્બરના રોજ નક્કી થઇ જશે કે 10, ડાઉનિંગ સ્ટ્રીટના નવા રહેવાસી કોણ હશે? રિષી સુનક કે લીઝ ટ્રસ?

લગભગ બે મહિના સુધી ચાલેલી આ નેતૃત્વ પસંદગીની પ્રક્રિયા અને એ પહેલાં બ્રિટનના રાજકારણમાં સર્જાયેલા ઘટનાક્રમો જોઇએ તો એમાંથી અમુક બાબતો ગ્રહણ કરવા જેવી છેઃ

બોરિસ જોન્સન

એકઃ અહીં રાજીનામું આપનાર નેતા પોતાની પસંદગીના વ્યક્તિને, પાળેલા પોપટને, પોતાની જગ્યાએ બેસાડી શકતો નથી. બોરિસ જોન્સનની જગ્યા કોણ લેશે એ કન્ઝર્વેટિવ પાર્ટીનું હાઇકમાન્ડ નક્કી કરતું નથી, પણ પાર્ટીના સામાન્ય સભ્યો ચૂંટણી દ્વારા નક્કી કરે છે. બે સ્તરે યોજાતા ચૂંટણીના રાઉન્ડમાં પહેલાં પક્ષના ચૂંટાયેલા સભ્યો વોટિંગ કરે છે, સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવાર એલિમિનેટ થતા જાય છે અને છેલ્લે વધેલા બે ઉમેદવારમાંથી કોણ નેતા બનશે એ પક્ષના પ્રાથમિક સભ્યો નક્કી કરે છે. બ્રિટનમાં હાલ શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી પાસે અંદાજે 2,00,000 પ્રાથમિક સભ્યો છે. અર્થાત, બ્રિટનની વસતિના 0.29 ટકા લોકો એ નક્કી કરશે. એ પણ બે મહિનાની કવાયતના અંતે. લાલુ પ્રસાદ યાદવ પત્નિ રાબડી દેવીને જ પોતાની જગ્યાએ મુખ્યમંત્રી બનાવી દે કે પક્ષનું હાઇકમાન્ડ પોતે ઇચ્છે એ વ્યક્તિને રાતોરાત ગાદી સોંપી દે એવું અહીં શક્ય નથી.

બેઃ 2019ની સામાન્ય ચૂંટણીમાં બોરિસ જોન્સન એમની બ્રેક્ઝીટ મુદ્દે કામગિરીને લઇને જંગી બહુમતીથી ચૂંટાયેલા. કન્ઝર્વેટિવ પાર્ટીને 650માંથી 358 બેઠક મળી હતી. આટલી કમ્ફર્ટેબલ મેજોરિટી હોવા છતાં, બોરિસે પદ ગુમાવવું પડ્યું અને એ પણ વિરોધ પક્ષના કારણે નહીં, પણ પોતાના જ પક્ષના અમુક સભ્યોના વિરોધના કારણે! નાણાપ્રધાન રિષી સુનક, આરોગ્યપ્રધાન સાજીદ જાવેદના રાજીનામાના પગલે 48 કલાકમાં જ પચાસેક જેટલા મંત્રી-સંસદસભ્યોના રાજીનામા ફટાફટ પડ્યા એ પછી બોરિસ પાસે રાજીનામું આપવા સિવાય કોઇ વિકલ્પ જ બચ્યો નહોતો. પોતાની બહુમતી સિધ્ધ કરવા ન તો અહીં સંસદસભ્યોના જૂથનું ખરીદ-વેચાણ થયું કે ન તો સંસદસભ્યોને હાઇજેક કરીને કોઇ રિસોર્ટમાં ગોંધી રાખવાના પ્રયત્નો થયા.

ત્રણઃ અહીં તમે સંસદમાં જૂઠ્ઠું બોલી શકતા નથી. બોરિસ જોન્સને રાજીનામું એટલા માટે આપવું પડ્યું કે એમણે જેમને ચીફ વ્હીપ બનાવ્યા એ ક્રિસ પિન્ચરના કથિત સેક્સ સ્કેન્ડલ અંગે એ માહિતગાર હોવા છતાં એ પોતે કાંઇ જાણતા નથી એવું જુઠ્ઠું બોલેલા. બોરિસે પોતે કોઇ સ્કેન્ડલ આચર્યું નથી કે નથી એમણે કોઇ ફ્રોડ કર્યો. એમનો વાંક એટલો જ કે પોતાના એક સાથીદારના કથિત દુરાચરણ અંગે પોતાને વાકેફ કરવામાં આવ્યા હોવા છતાં એમણે અજાણ હોવાનો દેખાવ કર્યો!  અન્યથા, એમના વડાપ્રધાન તરીકેના પરફોર્મન્સ સામે ખાસ કોઇ વિરોધ નહોતો. પરંતુ ‘તમે આ જુઠ્ઠાણું કેમ ચલાવ્યું’ એ વાતને લઇને પોતાની જ પાર્ટીના લોકો જોન્સન સામે જંગે ચડ્યા અને વાત રાજીનામા સુધી પહોંચી. આપણે ત્યાં સાથીદારના સ્કેન્ડલની વાત છોડો, મંત્રીએ પોતે સ્કેન્ડલ આચર્યું હોય તો પણ એમણે રાજીનામું આપવું જ પડે એવું બનતું નથી. વાત નૈતિક ધોરણોની છે. ફરક જાહેરજીવનના આચરણનો છે.

રિષી સુનક

ચારઃ અહીં બોરિસ જોન્સન વડાપ્રધાન હોય અને કોવિડમાં લોકડાઉન દરમ્યાન ડાઉનિંગ સ્ટ્રીટની પાર્ટીમાં હાજરી આપતા પકડાઇ જાય તો પોલીસ એમની સામે પણ ફરિયાદ કરી શકે છે, જોન્સને દંડ પણ ભરવો પડે છે અને સુપ્રીમ સત્તાધીશ એવા મહારાણી સમક્ષ બાકાયદા માફી પણ માગવી પડે છે! પોલીસ સત્તાધારી રાજકારણીઓના પીઠ્ઠુની જેમ વર્તતી નથી.

પાંચઃ બ્રિટનમાં પણ આપણી જેમ પાર્લામેન્ટરી સિસ્ટમ છે (રાધર, આપણે બ્રિટનની જેમ એ સિસ્ટમ અપનાવી છે.) એટલે વડાપ્રધાનની પસંદગી બહુમતી ધરાવતા પક્ષના ચૂંટાયેલા સભ્યો કરે છે, પણ વડાપ્રધાન ટર્મ પૂરી કરતાં પહેલાં રાજીનામું આપે તો નવા નેતાની પસંદગી સામાન્ય સભ્યો કરે છે તો પણ અહીં પ્રચારના મુદ્દાઓમાં આપણે ત્યાં દેખાતું ‘રેવડી કલ્ચર’ જોવા મળતું નથી. ઉમેદવારોએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દે પોતાનો મત અને એજન્ડા મૂકવો પડે છે. રિષી સુનક અત્યારે પેટ્રીઓટિઝમ એટલે કે રાષ્ટ્રવાદ, હાર્ડવર્ક અને રાષ્ટ્ર માટે સેવાની ભાવના જેવા મુદ્દાઓને લઇને આગળ વધી રહ્યા છે તો એમની હરીફ લીઝ ટ્રસને એના દેખાવ-પહેરવેશ અને જાહેરમાં વર્તન માટે માર્ગારેટ થેચર સાથે સરખાવાઇ રહી છે. રશિયા-યુક્રેન જંગમાં એ જોન્સનની માફક ખુલ્લેઆમ યુક્રેનની તરફેણમાં બોલી રહી છે.

લીઝ ટ્રસ

ના, અહીં એવું કહેવાનો જરાય આશય નથી કે બ્રિટનમાં કે, ફોર ધેટ મેટર વિદેશમાં, બધું જ સારું અને આપણે ત્યાં બધું ખરાબ. કાગડાઓ બધે જ કાળા એ ન્યાયે અહીં પણ રાજકારણીઓ ભ્રષ્ટ છે. સિસ્ટમમાં કરપ્શન અહીં પણ છે જ. સત્તાધારીઓના સ્કેન્ડલ્સ અહીં પણ વારે-તહેવારે બહાર આવે જ છે. ચૂંટણીમાં પ્રચારની સાથે અપ-પ્રચારની માત્રા અહીં પણ જોવા મળે છે જ, પણ આપણે રાજકારણીઓને એમના તમામ અવગુણો સાથે જે રીતે સહર્ષ સ્વીકારી લીધા છે એમ અહીંની સિસ્ટમે હજુ સ્વીકાર્યા નથી. જવાબદેહીતા હજુ પણ વત્તાઓછા અંશે જળવાયેલી છે અને એના કારણે જ ડેવિડ કેમરુન કે ટેરેસા મે અને હવે બોરિસ જોન્સને પોતાની ટર્મ પૂરી થાય એ પહેલાં સત્તા છોડવી પડે છે.

અને છેલ્લે, સત્તાનું સિંહાસન કોના નસીબમાં છે એ તો 6 સપ્ટેમ્બરે જ નક્કી થશે, પણ હાલના સંજોગોમાં રિષી સુનક કરતાં આ રેસમાં લીઝ ટ્રસ આગળ છે. થોડાક સમય પહેલાંના એક સર્વેમાં રિષી સુનકના ચાન્સ 26 ટકા હતા એ વધીને 28 ટકા થયા છે તો સામે લીઝના ચાન્સ પણ 58 ટકાથી વધીને 60 ટકા થયા છે. ફરક એ પડ્યો છે કે અનિર્ણાયક મતદારોની સંખ્યા ઘટીને 12 ટકામાંથી 9 ટકા થઇ છે. બ્રિટનના મોટાભાગના વરતારાઓ હાલ તો લીઝનો હાથ ઉપર હોવાનું ભાખે છે.

હા, વડાપ્રધાનપદે લીઝ આવે કે સુનક, પણ બ્રિટનના રાજકીય ઇતિહાસમાં એક વિક્રમ સર્જાવાનું નક્કી છે. લીઝ ચૂંટાશે તો એ આ પદે પહોંચનાર ત્રીજી મહિલા હશે અને જો સુનકની પસંદગી થશે તો બ્રિટીશ ઇતિહાસમાં પહેલીવાર કોઇ નોન-વ્હાઇટ વ્યક્તિ 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવા જશે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે. વિચારો એમના અંગત છે.)