મમતા બેનરજી મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને કેમ મળ્યાં?

મતા બેનરજી કોલકાતાથી મુંબઈની મુલાકાતે આવ્યાં હતાં. મુંબઈના ઉદ્યોગપતિઓને મળ્યાં અને પશ્ચિમ બંગાળમાં ફરી ઉદ્યોગો ધમધમે તે માટે પ્રયાસો કર્યાં. કોલકાતા પડી ભાંગ્યું અને તેમાંથી મુંબઈ બેઠું થયું. તેની પાછળ ઐતિહાસિક કારણો રહેલાં છે. અંગ્રેજોએ કોલકાતાથી રાજધાની ખસેડીને દિલ્હી કરી ત્યારે પહેલો ફટકો પડ્યો હતો. બીજો ફટકો આઝાદી પછી ડાબેરી યુનિયનોને કારણે પડ્યો. ભદ્રલોક તરીકે ઓળખાતો બંગાળનો બુદ્ધિજીવી વર્ગ સામ્યવાદ તરફ આકર્ષાયો હતો. દુનિયાના ઇતિહાસમાં પહેલીવાર કેરળમાં સામ્યવાદીઓની ચૂંટાયેલી સરકાર સત્તામાં આવી. કેરળ પછી પશ્ચિમ બંગમાં(ત્યારે પશ્ચિમ બંગાળમાં) પણ ડાબેરી સરકાર આવી અને 33 વર્ષ તેનું શાસન રહ્યું.
ડાબેરી શાસનમાં ઉદ્યોગો ભાંગ્યા અને આખરે લાંબી લડત બાદ મમતા બેનરજી ડાબેરીઓને હરાવી શક્યાં.શિવસેનાએ આવી જ લડત મુંબઈમાં ચલાવી હતી, પણ તેમાં ભેદ હતો. કામદાર યુનિયનો દ્વારા શિવસેના તાકાત મેળવતી હતી. ડાબેરીઓની તાકાત પણ કામદાર યુનિયનો હતાં. પણ શિવેસના એટલે જમણેરી અને સીપીઆઈ, સીપીઆઈ (એમ) એટલે ડાબેરી. બે સામસામેના છેડાં. મમતાએ ડાબેરીઓ સામે લડત આપી, પણ તે પોતે પણ એક અર્થમાં ડાબેરી અને જમણેરી નીતિના કટ્ટર વિરોધી. પશ્ચિમ બંગમાં વિશાળ મુસ્લિમ વોટબેન્કને ધ્યાનમાં રાખીને મમતાએ સેક્યુલરિઝમનું ગાણું ગાવું પડે.

આ બેકગ્રાઉન્ડમાં મુંબઈમાં એક ફાઇવ સ્ટાર હોટેલમાં ત્રણ કલાક માટે ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીની બેઠક ચાલી. મમતાએ મુંબઈમાં અનેક લોકો સાથે બેઠકો કરી, પણ આ બેઠક સૌથી ચર્ચાસ્પદ બની. બંનેની વિચારધારા મળતી નથી, પણ બંનેમાં ભાજપનો વિરોધ સમાન છે. બંને ખતમ થઈ જાય તે માટે ભાજપ મહેનત કરી રહ્યું છે. વાજપેયી વડાપ્રધાન બન્યાં ત્યારે મમતા બેનરજી તેમના પ્રધાન હતાં. ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલતું હતું એટલે મમતાએ રાજ્યમાં પણ ભાજપનો સાથે લીધો હતો. પણ આગળ જતાં ભાજપનો સાથે મમતાએ છોડવો પડ્યો, કેમ કે તેમના માટે મુસ્લિમ મતો અગત્યના હતાં.

ભાજપ અને શિવસેનાના સંબંધો સૌથી જૂનાં છે. બીજા પક્ષો ભાજપનો સાથ લેવા તૈયાર નહોતા ત્યારથી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. પણ ગત વખતની ચૂંટણીમાં સ્થિતિ પલટાઇ ગઇ. ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો અને શિવસેના ટેકો ન આપે તો એનસીપી જેવા પક્ષનો સાથ લઈને સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં હતો. આ સંજોગોમાં ભાજપે હવે શિવસેનાને મહારાષ્ટ્રમાંથી ખતમ કરવાનું નક્કી કર્યું હતું, જેથી એકલા હાથે ગુજરાતની જેમ અહીં પણ સત્તા મળતી રહે.

કેન્દ્રમાં પણ ભાજપ પોતાના જોર પર બહુમતીમાં આવ્યો તે પછી કેન્દ્રમાં પણ સારું ખાતું શિવસેનાને આપ્યું નહોતું. આ બધાં કારણસર છેલ્લાં બે વર્ષથી શિવસેના સતત ભાજપની ટીકા કરતું આવ્યું છે. મમતા પણ ભાજપના ટીકાકાર બન્યાં છે અને ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય કક્ષાએ મોરચો ઊભો થાય તે માટે કોશિશ કરી છે. તેમાંથી નીતિશકુમાર છટકી ગયાં એટલે મમતાએ હવે શિવસેનાને સાથે લેવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે.

દુશ્મનનો દુશ્મન દોસ્ત એ નાતે આ દોસ્તી થઈ રહી છે. શિવસેના પણ ભાજપ સામે ટક્કર લઈને પોતાનું સ્થાન મહારાષ્ટ્રમાં જાળવી રાખવા માગે છે. ભાજપનું નાક દબાવવા શિવસેનાને જ્યાં પણ તક મળે છે ત્યાં તેનો ઉપયોગ કરે છે. નોટબંધીથી લઈને જીએસટી સુધીના મુદ્દે શિવસેનાએ સતત ભાજપ સરકારની ટીકા કરી છે. એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પોતાના અખબાર સામનામાં મજાક ઉડાવતાં રહે છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં સીએમ હતાં ત્યારે સ્ટેટ ગેસ્ટ તરીકે રાજ ઠાકરેને બોલાવ્યાં હતાં. ઉદ્ધવને તે વાત પણ ખટકી હતી.

ઉદ્ધવ ઠાકરેની વાત સમજાય છે કે તેઓ ભાજપને ભીંસમાં લેવા માટે ભાજપ અને નરેન્દ્ર મોદી વિરોધી નેતાઓ સાથે દોસ્તી કરે. પરંતુ મમતા બેનરજી શા માટે શિવસેનાનો સાથ લેવા માગે તે સમજવું થોડું મુશ્કેલ છે. મમતાએ બંગાળમાં મુસ્લિમ મતો પર આધાર રાખવાનો છે. મુસ્લિમ મતો પર આધાર રાખવાનો હોય તો ભાજપ કરતાંય હાડોહાડ હિન્દુવાદી શિવસેના સાથે શા માટે દોસ્તી કરે તે સમજાય નહીં.

નોટબંધીનો વિરોધ કરવા માટે મમતા બેનરજીએ દિલ્હીમાં કૂચનું આયોજન કર્યું ત્યારે કોંગ્રેસ સહિતના પક્ષો છેલ્લી ઘડીએ છટકી ગયાં હતાં. બંગાળમાં મમતા મજબૂત થાય તો કોંગ્રેસ નબળી પડે. કોંગ્રેસને તોડીને મમતાએ તૃણમૂલ કોંગ્રેસ બનાવી છે. કોંગ્રેસનો સાથ ના મળ્યો ત્યારે નવાઈની વચ્ચે શિવસેનાનો સાથ મળ્યો. એનડીએ સરકારમાં હોવા છતાં કૂચમાં શિવસેનાના બે નેતાઓ જોડાયાં હતાં અને રાષ્ટ્રપતિ ભવન પર જઈને આવેદનપત્ર આપ્યું હતું. નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા અને આપના ભગવંત માન પણ તેમની સાથે જોડાયાં હતાં. મમતા ભાજપવિરોધી તાકાતના નેતા ન બને તે માટે લાલુ, મુલાયમ, નીતિશ વગેરે દૂર રહ્યાં હતાં. એવા સમયે મમતાને શિવસેના અને આમ આદમી પાર્ટીનો સાથ મળ્યો હતો. તે ઋણ પણ મમતાએ યાદ રાખવાનું હતું. મમતા અને કેજરીવાલ વચ્ચે પણ મુલાકાત થઈ હતી. એ જ રીતે ઉદ્ધવ સાથે મમતાએ લાંબી ચર્ચા કરી.

કેજરીવાલ પોતે મમતાની સાથે દોસ્તીને બહુ ચગાવવા માગતાં ન હતાં. કેજરીવાલ સેક્યુલર જૂથમાં જોડાવા માગતાં નથી. શિવસેનાને પણ તેમાં રસ ના હોય, પણ ભાજપ તરફથી ખતરો જોયાં પછી ભાજપવિરોધી સાથે દોસ્તી રાખી ભાજપને ભીંસમાં રાખવાની નેમ તો છે જ. મુલાકાત પછી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા પણ કરી હતી કે નોટબંધી અને જીએસટી જેવા મુદ્દે અમારા વિચારો મળે છે તેથી અમે મળ્યાં હતાં. વિચારધારાના મુદ્દે એટલે કે મમતાની મુસ્લિમ વોટબેન્ક નીતિ સાથે સહમત થવાનો સવાલ નથી એવું કહેવાનો ભાવ હશે.

નીતિશ અને કેજરીવાલની જેમ મમતા પણ પોતે હિન્દુ વિરોધી નથી એવું દેખાડવું જરૂરી છે. મુસ્લિમ વોટબેન્કની તેમની રાજનીતિ બહુ સ્પષ્ટ છે, પણ તે મુખ્ય નથી અને પોતે તો ડાબેરીઓના દુશાસનને હટાવવા માટે છે તે મુદ્દો તેમણે પ્રબળ કરવાનો છે. તેથી ઉદ્ધવ ઠાકરે જેવા હાડોહાડ હિન્દુવાદી પક્ષના નેતાને મળીને મમતા કદાચ કશોક મેસેજ આપવા માગે છે. પોતે ડાબેરીની આપખુદી સામે લડ્યાં તે રીતે ભાજપની આપખુદી સામે પણ લડવું પડશે એવું મમતા અને ઉદ્ધવ કહેવા માગતાં હોય તેમ લાગે છે.

જોકે ભાજપે નીતિશ કુમારને પાડી દીધા બાદ હવે નિશાન મમતા પર છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના મતોની ટકાવારી વધી છે. પૂર્વના નાના રાજ્યોમાં પણ ભાજપના દ્વાર ખૂલ્યાં છે, પણ પશ્ચિમ બંગાળ મોટું અને અગત્યનું રાજ્ય છે. તેની મમતાને ભાજપે તરત ફટકો પણ માર્યો. મમતા સાથે વર્ષોથી રહેલાં અને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવનારા મુકુલ રોયને ભાજપે પોતાના પક્ષમાં લઈ લીધાં છે. મુકુલ રોય છેલ્લાં કેટલાક સમયથી મમતાથી નારાજ હતાં. એક સમયના નિકટ સાથી તેઓ હતાં, પણ સત્તા મળ્યાં પછી મમતા આસપાસ નવું વર્તુળ ઊભું થયું. મમતાના ભત્રીજાનું મહત્ત્વ વધ્યું અને શારદા ચીટફંડમાં ભત્રીજાનું નામ આવ્યું તે પછી મુકુલ રોય માટે મૌન રહેવું મુશ્કેલ હતું. ગયા મહિને જ મુકુલ રોયે રાજીનામું આપી દીધું હતું. પક્ષે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યાં. ઉદ્ધવની મુલાકાત પછી તરત જ મુકુલ રોય ભાજપમાં જોડાઈ ગયાં. મમતા એક ચાલ ચાલ્યાં. ભાજપ પણ એક ચાલ ચાલ્યો. રમત એ રીતે આગળ વધી રહી છે.