2019ની ચૂંટણી પહેલાં મહાગઠબંધનની ચર્ચાઓ બહુ થઈ હતી, પણ એવું કોઈ ગઠબંધન થયું નહોતું. સૌ પક્ષો પોતપોતાની રીતે લડ્યા. એસપી-બીએસપીનું ગઠબંધન થયું, પણ તે ‘મહા’ નહોતું, કેમ કે તેમાં કોંગ્રેસ અને ડાબેરીઓ જોડાયા નહોતા. બિહારમાં આંશિક ‘મહા’ થયું, કેમ કે કોંગ્રેસમાં સામેલ હતું, પણ ડાબેરી પક્ષોને સાથે લેવાયા નહોતા. બિહારમાં ‘મહા’ની આગેવાની તેજસ્વી યાદવના આરજેડી પાસે હતી, જ્યારે આવું જ મહાગઠબંધન પડોશી રાજ્ય ઝારખંડમાં થયું હતું, પણ ત્યાંની આગેવાની કોંગ્રેસ પાસે હતી. કોંગ્રેસની આગેવાની હેઠળનું આ એકમાત્ર ગઠબંધન હતું, જેમાં અડધોઅડધ બેઠકો કોંગ્રેસ લડ્યું હતું અને બાકીની અડધી બેઠકો ત્રણ સાથી પક્ષોને અપાઈ હતી. આમ છતાં ગઠબંધન હાર્યું અને ભાજપ અને મરાન્ડીનું ગઠબંધન એનડીએ હિન્દુત્વ અને એર સ્ટ્રાઇકના સહારે 14માંથી 12 બેઠકો જીતી ગયું.
ઝારખંડ બિહારમાંથી જૂદું પડેલું આદિવાસી રાજ્ય છે. તેની પાસે 14 લોકસભાની બેઠકો છે એટલે રાષ્ટ્રીય રાજકારણમાં તેની બહુ ચર્ચા થતી નથી. તેનું રાજકારણ અટપટું પણ બહુ છે. કોણ કોની સાથે હતું, ક્યારે હતું, હવે ક્યાં છે તે સમજવા માટે પીએચડી કરવું પડે. અહીં અપક્ષ ભાજપના ટેકાથી મુખ્યપ્રધાન બની ગયો હતો!
27 ટકા જેટલી આદિવાસી વસતિ છતાં રાજકારણમાં દબદબો બિનઅનામત વર્ગનો જ છે. ઓડિશામાં પણ આદિવાસીની મોટી વસતિ છતાં રાજકારણ અને સમાજ પર હજીય કબજો બિનઅનામત વર્ગનો છે. બધા જ પક્ષોમાં બ્રાહ્મણ-કાયસ્થનું વર્ચસ્વ છે. ખંડાયત તરીકે ઓળખાતો ક્ષત્રીય વર્ગ સ્વતંત્ર રીતે આદિવાસીઓનો સાથ લઈને પોતાનું સ્થાન ના જમાવે તેવી કાળજી લેવામાં આવે છે. ઝારખંડ અલગ થયા પછી આદિવાસીઓ અને ઓબીસી ભેગા થઈને સત્તા ના જમાવે તેવી પુરતી કાળજી આરજેડી, કોંગ્રેસ અને ભાજપે રાખી છે. આરજેડીએ પણ એટલા માટે કે તે પણ એક જ કુટુંબની જાગીરની જેમ બિહાર અને ઝારખંડમાં રાજકારણ કરવા માગે છે.
આવું રાજકારણ કોઈ લોકપ્રિય નેતા હોય ત્યારે ચાલતું નથી તે 2019માં ફરી સાબિત થયું છે. ઇન્દિરા ગાંધી લોકપ્રિય હતા ત્યાં સુધી જ્ઞાતિગણિત બહુ ચાલતું નહોતું. નરેન્દ્ર મોદી લોકપ્રિય છે ત્યાં સુધી પણ જ્ઞાતિગણિત ચાલવાનું નથી. ઝારખંડમાં પણ એ વાત સાબિત થઈ છે. ઝારખંડમાં ભાજપ અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (એજેએસયુ) વચ્ચે જોડાણ હતું. ભાજપને 11 અને એજેએસયુને એક બેઠક મળી છે. તેની સામે કોંગ્રેસ (7)ની આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોરચો (4), ઝારખંડ વિકાસ મોરચો (2) અને આરજેડી (1) હતા. બિહારની જેમ અહીં પણ ડાબેરી પક્ષોને સાથે રાખવામાં આવ્યા નહોતા. આમાંથી કોંગ્રેસ અને જેએમએમને એક એક બેઠકો મળી. બેએક બેઠકો બહુ ઓછા માર્જિનથી ગુમાવવામાં આવી.
સરવાળે ભાજપનું હિન્દુત્વ અને એર સ્ટ્રાઇક ચાલી ગયા અને એજેએસયુના સાથના કારણે ઓબીસી મતો મળ્યા તેના કારણે 14માંથી 12 બેઠકો મળી. આદિવાસી વિસ્તારોમાં પણ ભાજપને થોડો ફાયદો થયા, પણ મુખ્યત્વે હિન્દુત્વ ઊભું કરીને આદિવાસી – ઓબીસીનું જ્ઞાતિગણિત નકામું કરી દેવાયું હતું. 2004માં ઝારખંડ અલગ થયું. પ્રથમ ચૂંટણીમાં ભાજને 33 ટકા મતો મળ્યા હતા. તેનું એક કારણ એ પણ હતું કે વર્ષોથી આદિવાસીઓ વચ્ચે કામ કરતી સંઘની સંસ્થાઓએ ભાજપ માટે મેદાન તૈયાર કરીને રાખ્યું હતું. દરેક ચૂંટણીમાં ભાજપના મતો વધતા રહ્યા છે અને છેલ્લે 2019માં 51 ટકા થઈ ગયા છે. એજેએસયુના ચાર ટકા સાથે 55 ટકા જેટલા જંગી મતો એનડીએને મળ્યા છે. 2004માં એક જ બેઠક મળી હતી, પણ પછીની ચૂંટણીમાં 8 અને છેલ્લી બે ચૂંટણીમાં 12-12 બેઠકો મળી ગઈ છે.
રાજ્યના 27 ટકા આદિવાસીઓ, 14.5 ટકા મુસ્લિમ અને 4.3 ટકા ખ્રિસ્તી મતોમાંથી સારો ફાળો ગઠબંધનને મળ્યો, પરંતુ 12 ટકા એસસી અને 35 ટકા જેટલા ઓબીસીના મતો ભાજપ મેળવવામાં સફળ રહ્યું છે. આદિવાસીઓ વત્તા મુસ્લિમ અને ખ્રિસ્તીની જોડી સામે હિન્દુત્વ ઊભું કરીને એસસી અને ઓબીસીના મતો ભાજપ મેળવી શક્યું છે. આદિવાસીઓમાં પણ ભાજપ ટેકેદાર વર્ગ ઊભો કરી શક્યો છે એટલે તેનો પણ ફાયદો થયો.
ઝારખંડ મુક્તિ મોરચો માત્ર આદિવાસી હિતની વાતો કરતો રહ્યો છે. બિહારમાં નીતિશકુમારે ઓબીસી મતો માટે કોશિશ કરી તેવી કોશિશ મોરચો કરી શક્યો નથી. તેના કારણે એસસી અને ઓબીસીના 70% ટકા મતો ભાજપ-એજેએસયુને ગયા હોવાનો સીએસડીએસ સંસ્થાનું અનુમાન છે. બિનઆદિવાસી આઠ બેઠકો છે, તેમાં વિપક્ષ કરતાં બમણા મતો એનડીએને મળ્યા છે. 47 ટકાથી વધીને 60 ટકા મતો થઈ ગયા છે. તેમાં હિન્દુત્વ ઉપરાંત એર સ્ટ્રાઇકનો ફાળો પણ નકારી ના શકાય.
બાકીની છ આદિવાસી બેઠકોમાં મહાગઠબંધનને ફાયદો થયો ખરો, પણ બેઠકો જીતી શકાય તેવો નહિ. જોડાણને કારણે ગયા વખતના 33.89% ટકા મતોની સામે આ વખતે 10 ટકાના વધારા સાથે 43.45% મતો મળ્યા. પણ બેઠકો બે જ મળી. બે બેઠકો ઓછા માર્જિનથી ગુમાવી હતી, કેમ કે આદિવાસી વિરુદ્ધના ધ્રુવીકરણને કારણે બધા જ મતો એનડીએને મળ્યા.
આદિવાસીઓમાં પણ ખ્રિસ્તી મિશનરીઓની વટાળપ્રવૃત્તિઓના મુદ્દે ભાગલા પડાવી શકાયા છે. ધર્માંતરણ વિરુદ્ધનો કાયદો 2017માં ઝારખંડમાં દાખલ કરાયો હતો. ખ્રિસ્તી આદિવાસી અને અન્ય આદિવાસી વચ્ચે આ રીતે ધ્રુવીકરણ કરી શકાયું છે. વિકાસના લાભો માત્ર વટલાયેલા ખ્રિસ્તી લઈ જાય છે તે વાત બાકીના આદિવાસીઓના ગળે ઉતરી હોય તેમ લાગે છે. આદિવાસી વર્ચસ્વ ઓબીસીઓને આમ પણ પસંદ નથી તેથી તેના મતો વિરુદ્ધમાં જતા હતા. આ વખતે હિન્દુત્વ અને એર સ્ટ્રાઇકને એવી રીતે રજૂ કરાયા કે એસસી મતદારો પણ ભાજપ તરફ વળ્યા હોવાનું લાગે છે. તેથી સરવાળે ઝારખંડમાં મહાગઠબંધન હોવા છતાં તે હિન્દુત્વ અને એર સ્ટ્રાઇક સામે હારી ગયું.