બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પોઝિટિવ નોટ પર પૂરી થઈ. તેમણે સીએએ અને કાશ્મીર મુદ્દે ભારતને તકલીફ થાય તેવું કોઈ નિવેદન આપ્યું નહિ. મંગળવારે તેમણે એકલાએ પત્રકાર પરિષદ કરી તેમાં કેટલાક પ્રશ્નોના ઉત્તરો આપીને સ્પષ્ટ કર્યું કે તેઓ વર્તમાન મોદી સરકારને મુશ્કેલીમાં મૂકવા માગતા નથી. સીએએને તેમણે આંતરિક મામલો જ ગણાવ્યો અને દરેક રાષ્ટ્રને પોતાની સરહદોની સુરક્ષા કરવાનો હક છે તે વાતનો પુનરોચ્ચાર કર્યો.
સંબંધો હંમેશા પરસ્પરની ગરજથી ટકે છે, અને અમેરિકા અને ભારતના કિસ્સામાં પણ વાત કંઈ ખોટી નથી. અત્યારે બંનેને એકબીજાની વધારે ગરજ છે. અત્યારના સમયે ડોનાલ્ડ ટ્રમ્પને વધુ ગરજ છે. અમેરિકાથી રવાના થતા પહેલાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તાલિબાનો હવે થાક્યા છે અને સમજૂતિ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભારતથી પરત ફરતી વખતે પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે એ જ આશા વ્યક્ત કરી હતી. સાથે જ ભારત અફઘાન સમજૂતિથી ખુશ છે તેવી વાત પણ કરી.
સાચી વાત એ છે કે ભારત અફઘાન સમજૂતિથી ખુશ નથી. 22 તારીખથી ત્યાં શસ્ત્રવિરામ અને શાંતિનું અઠવાડિયું શરૂ થયું છે. 29 તારીખ સુધી કોઈ મોટો બનાવ ના બને અને હિંસા ના થાય ત્યાર પછી અમેરિકા અફઘાનમાં સમજૂતિ કરાર કરી લેવા માગે છે. હક્કાની નેટવર્ક સાથે સમજૂતિ થઈ જાય તો અમેરિકા પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી શકે. ગત ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાયદો કર્યો હતો. 19 વર્ષથી અફઘાનિસ્તાનમાં રહેલા સૈનિકોને પોતે વતન પાછા લાવશે તેમ કહ્યું હતું. તે કામ હજી સુધી પાર પડ્યું નથી અને બીજી મુદતની ચૂંટણી આવી ગઈ છે. તેથી વચનપૂર્તિ કરવી ડોનાલ્ડ ટ્રમ્પ માટે જરૂરી હતી. ભારત આ ગરજ જાણતું હતું અને ભારતે ભારે દબાણ કર્યું હતું. આખરે ટ્રમ્પે સીએએ, એનઆરસી, કાશ્મીરના ત્રણ એક્કા ઉતાર્યા. ભારતે હુકમનો એક્કો કાઢ્યો. અફઘાનિસ્તાનમાં અમેરિકા કરાર કરી શકે તેમાં સહમતી અને અડચણ ના કરવાની ખાતરી પછી ટ્રમ્પે પણ ત્રણેય એક્કાને હેઠે મૂકી દીધા. ભારત માટે અફઘાનિસ્તાનમાં થોડી ઘણી મુશ્કેલી થશે, પણ તે માટે અન્ય ઉપાયો વિચારાશે, જ્યારે અત્યાર પુરતી અમેરિકાની ગરજનો લાભ લઈ લેવાયો છે.
આવતા નવેમ્બરમાં ચૂંટણી યોજાશે, ત્યાં સુધીમાં અમેરિકાના ઘણા બધા સૈનિકો વતન પરત ફરે તો ટ્રમ્પને ફાયદો થઈ શકે. તેઓ કહી શકે કે મેં ચૂંટણીનો વાયદો પાળ્યો છે. બીજી બાજુ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં મોટી મેદની એકઠી થઈ હતી તેમને ભારતના બહુ વખાણ કરીને ખુશ કરી હતી. સાથે જ બીજીવાર રેડિકલ ઇસ્લામિક ટેટરિઝમ શબ્દનો ઉચ્ચાર પણ કરીને ભારતીયો અને એનઆરઆઈને અને ઇન્ડિયન અમેરિકન્સને ખુશખુશાલ કરી દીધા. 40 લાખથી વધુ ભારતીયો અમેરિકા છે અને તેમાં 8થી 10 લાખ ગુજરાતીઓ છે. તેમાંથી જેટલા મતો મળ્યા તેટલા ટ્રમ્પને હાંસલ જ છે. હાઉડી મોદી કાર્યક્રમ પછી ઇન્ડિયન અમેરિકન્સમાં ટ્રમ્પનો એપ્રૂવલ રેટ વધ્યાનું સર્વે કહે છે. કેટલાક સ્વિંગ સ્ટેટમાં બે-પાંચ ટકા વધુ મતો ઇન્ડિયન અમેરિકન્સના ટ્રમ્પને મળી જાય એટલે તેમને ભયોભયો છે.
તેમના હરિફ બર્ની સેન્ડર્સના કેટલાક સાથીઓ પાકિસ્તાન તરફી છે અને ભારતને શસ્ત્રો કેમ વેચો છો એવી ટીકા પણ સેન્ડર્સે કરી છે. આ વાત તેમની વિરુદ્ધ જાય તેમ છે. તેથી ટ્રમ્પ બીજીવાર જીતીને આવે તે પછી ભારત પોતાની ગરજનો હિસ્સો તેમની પાસેથી લેવાની આશા રાખી શકે છે. વેપાર અંગેની બાબતોમાં ભારત થોડો ઘણો ફાયદો લેવાની આશા રાખી શકશે છે. શસ્ત્રો અને ગેસની બાબતમાં તો આ વખતે જ કરાર થયો છે. ભવિષ્યમાં સંરક્ષણ ક્ષેત્રે વધુ ડીલ થઈ શકે છે.
ભારત શસ્ત્રોમાં સ્વાવલંબી થાય તે ઉત્તમ, પણ તે રાતોરાત થવાનું નથી. તેથી ભારતે શસ્ત્રો ખરીદ્યા સિવાય છુટકો નથી. ભારતે પૈસા ખર્ચવાના જ હોય ત્યારે અમેરિકા પાસેથી પણ ખરીદવાનો વધુ એક વિકલ્પ મળે તેમાં કંઈ ખોટું નથી. રશિયા, ફ્રાન્સ, બ્રિટન, ઇઝરાયલની જેમ અમેરિકામાંથી મળતા હોય તો ત્યાંથી પણ શસ્ત્રો લઈ શકાય. બીજું કે શસ્ત્રોનો વેપાર 20 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. 3 અબજનો હેલિકોપ્ટર્સનો સોદો આ વખતે થયો છે. ભવિષ્યમાં બીજા સોદા થશે અને તે સાથે જ નજીકના વર્ષોમાં બંને દેશો વચ્ચોનો વેપારી 200 અબજને પાર થઈ જશે.
ટ્રમ્પ બીજીવાર જીતીને આવશે તે પછી તેમને આગામી ચૂંટણીની ચિંતા રહેવાની નથી. અમેરિકામાં ત્રીજીવાર પ્રમુખ બની શકાતું નથી. તેથી બીજી મુદતમાં પ્રમુખ બને તે પોતાનું સ્થાન ઇતિહાસમાં જમા કરાવી દેવા માટે કોશિશમાં લાગે છે. ટ્રમ્પ અત્યારે જ એવો દાવો કરે છે કે અમેરિકાના અર્થતંત્રને પોતે સૌથી વધુ મજબૂત બનાવ્યું છે. તેમાં અર્ધસત્ય છે ખરું, કેમ કે બેકારીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ઇમિગ્રેશન પર ચોકીપહેરો બેસાડી દીધો હોવાથી સ્થાનિક લોકોને રોજગારી મળતી થઈ છે. અમેરિકન કંપનીઓ ચીન જેવા દેશોમાં પોતાનું ઉત્પાદન કરાવી રહી છે તેની સામે ફરીથી અમેરિકામાં ઉત્પાદન માટેનો ટ્રેન્ડ શરૂ કરાવવામાં તેમને રસ છે.
અમેરિકાના અર્થતંત્રની તબિયત ફાંકડી બનાવી દેનારા પ્રમુખ તરીકે યાદ રહેવા માટેની તેમની ઇચ્છા બીજી મુદતમાં સક્રિય બનશે. તેમણે 12 દેશોને જનરલ સિસ્ટમ ઑફ પ્રેફરન્સીઝ (જીએસપી)માંથી દૂર કર્યા છે. તેમાંથી ત્રણ દેશો બ્રાઝીલ, દક્ષિણ કોરિયા અને સિંગાપોર અલગથી વેપાર કરાર માટે તૈયાર થઈ ગયા છે. પોતાને વિકાસશીલ દેશના બદલે વિકસિત દેશ ગણીને અમેરિકા સાથે આ દેશો વેપાર કરાર કરશે. ભારત હજી તે માટે તૈયાર થયું નથી. ભારતે પણ પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કડક વલણ લીધું છે. તેનો અર્થ એ થયો કે અત્યારે કરાર ના થયો તે ભારતના પણ હિતમાં છે. ટ્રમ્પ બીજીવાર જીતીને આવે તે પછી તેમને બાકીના દેશો સાથે પણ વેપાર સમજૂતિ કરી લેવામાં રસ પડશે. તેમના માટે ચૂંટણી જીતવાનું પ્રેશર પણ નહિ હોય. તેથી એક વર્ષ પછી ભારત વેપાર કરાર કરે તેમાં કંઈ ખોટું પણ લાગતું નથી.
જોકે ભારત પ્રતિબંધો છતાંય પોતાની રીતે આગળ વધે જ છે, પરંતુ પ્રતિબંધો ઓછા થાય તેટલી આ દિશામાં ગતિ તેજ બને. એનર્જી એટલે કે ક્રૂડ અને ગેસની બાબતમાં પણ અમેરિકાને રસ છે, પણ ભારતને તેમાં ઓછો રસ હોઇ શકે છે. ભારત માટે ઇરાન અને અખાતમાંથી જ ક્રૂડ લાવવું વધારે સરળ છે. ભારત તેમાં જુદા પ્રકારની નીતિ અપનાવી શકે છે. આગામી બે દાયકા હવે વૈકલ્પિક ઉર્જાના બની રહેવાના છે. સૂર્ય અને પવન ઉર્જા ઉપરાંત સૌથી અગત્યની બાબત બની રહેશે તેનું સ્ટોરેજ એટલે કે બેટરી. બેટરી ટેક્નોલૉજીમાં જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, સિંગાપોર, ચીન પણ આગળ વધી રહ્યા છે, પણ અમેરિકન કંપનીઓ તેના પર ધ્યાન કેન્દ્રીત કરી છે. ભારતે તેમાંથી લાભ લેવાનો રહેશે.
આ વખતની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન્સનો દબદબો બંને પક્ષમાં રહેવાનો છે. સંસદની ચૂંટણીમાં આ વખતે ભારતીય મૂળના ઉમેદવારો વધારે જોવા મળશે. અમેરિકાના રાજ્યોના ધારાગૃહોમાં, નગરપાલિકાઓમાં પણ ભારતીય મૂળના ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. રાજકીય ગતિવિધિમાં એક મહત્ત્વના જૂથ તરીકે ઇન્ડિયન અમેરિકન્સની હાજર હોવાથી નીતિ વિષયક નિર્ણયોમાં પણ તેમનો થોડો ઘણો પ્રભાવ નકારી શકાય નહિ. નગરસેવકથી શરૂ કરીને, ધારાસભ્ય, સંસદસભ્ય અને અમેરિકાના પ્રમુખપદે પણ સાનુકૂળ નેતા હશે તેનો ફાયદો ભારતે આગામી ચૂંટણી પછી ઉઠાવવાનો રહેશે.