ડાબેરી નેતાઓ પણ પહોંચશે મંદિરે દર્શન કરવા

દિલ્હીની ચૂંટણીના આઘાત પ્રત્યાઘાત થોડા શમી ગયા છે, પણ તેના તરંગો જુદા જુદા રાજ્યો સુધી પહોંચી રહ્યા છે. આમ આમદી પાર્ટીને પ્રચાર માટે મદદ કરનારા પ્રશાંત કિશોરે ગયા અઠવાડિયે પત્રકાર પરિષદમાં કેટલીક વાતો કરીને અણસાર આપ્યો કે તેઓ હવે નીતિશ કુમારની સામે બિહારમાં મોરચો માંડવા માગે છે. આપના જાણકારોએ પણ દિલ્હી વિધાનસભામાં વિજય પછી અણસાર આપ્યો હતો કે હવે પછી પક્ષની નજર બિહાર પર છે. દરમિયાન બિહારથી ય થોડે આગળ પશ્ચિમ બંગાળમાં પણ દિલ્હીના પરિણામોની હલચલ દેખાઈ રહી છે. મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની એક એક ગતિવિધિ પર ઝીણી નજર રાખવામાં આવી રહી છે.


આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળમાં એક જુદી ચર્ચા ચાલી છે. આ ચર્ચા છે ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) – સીપીએમ દ્વારા થયેલા આંતરિક અહેવાલની. કોંગ્રેસની વાત આવે ત્યારે પંચમઢી ઠરાવ અને હાલના સમયમાં એ.કે. એન્ટની રિપોર્ટની ચર્ચા થતી હોય છે. તે રીતે આગામી દિવસોમાં સીપીએમના આંતરિક વિશ્લેષણ અહેવાલની ચર્ચા ચાલતી રહેશે, કેમ કે તેમાં પક્ષની નીતિને ઉંધે માથે કરી દેવાની ભલામણ થઈ છે. કોંગ્રેસના એન્ટની અહેવાલ પ્રમાણે કોંગ્રેસને હિન્દુવિરોધી છાપ નડી ગઈ હતી. કોંગ્રેસના નેતાઓની બિનસાંપ્રદાયિકતાને ફાયદો ભાજપ ઉઠાવી ગયો તેવો સાર હતો. સીપીએમના અહેવાલનો સાર પણ એવો જ છે કે ડાબેરી નેતાઓ ધાર્મિકતા દેખાડતા નથી તેનું નુકસાન થઈ રહ્યું છે.

તેના કારણે અહેવાલમાં એવી ભલામણ કરવામાં આવી છે કે ધર્મની બાબતમાં આપણે પડવું નહિ અને બીજાના ભરોસે છોડી દેવો તેનાથી નુકસાન થશે. નુકસાન થઈ ચૂક્યું છે એમ અહેવાલના લેખકો કહે છે, કેમ કે ભાજપ અને આરએસએસ મંદિરો અને ધાર્મિક સ્થળોનો ઉપયોગ પોતાના એજન્ડા અને હિન્દુત્વના પ્રચાર માટે કરે છે તેનો સામનો ડાબેરી નેતાઓ કરી શક્યા નથી. ધર્મની બાબતને આ રીતે સંઘ અને તેની સંસ્થાઓને ભરોસે છોડી દેવાનું પરવડે નહિ. આપણે પણ અગાઉ કરતાં વધારે પ્રગટપણે મંદિરોમાં અને તહેવારોમાં પુસ્તક મેળા અને આરોગ્ય મેળા યોજવા પડશે, એવું તારણ અહેવાલમાં આપવામાં આવ્યું છે.

ડાબેરી પક્ષો પશ્ચિમ બંગાળમાં સત્તા પર હતા ત્યારે ધાર્મિક મેળાવડામાં અને દુર્ગા પૂજાના મંડપોની સાથે પુસ્તક મેળા ખોલતા હતા ખરા. સાથે જ તહેવારો અને ઉત્સવોમાં લોકો એકઠા થવાના હોય ત્યારે મેડિકલ કેમ્પ ખોલતા હતા. ડાબેરી વિચારધારાને કારણે સીધી રીતે ધાર્મિક કાર્યક્રમ કરવાના બદલે તેની સાથે સેવાકીય કાર્યો કરવા માટેની કોશિશ થતી હતી, પણ સત્તા જતી રહી પછી તે કામ પણ ધીમું પડી ગયું છે.

ત્રણ દાયકા સુધી સતત સત્તામાં રહ્યા પછી કોઈ પક્ષની હાર થાય અને એક જ દાયકામાં આટલી ખરાબ હાલત થઈ જાય તેવી કલ્પના કોઈએ નહિ કરી હોય. મમતા બેનરજીને હરાવવા ડાબેરી માટે મુશ્કેલ બની ગયા છે, ત્યાંજ વળી ભાજપનો પણ ઉદય થયો છે અને હવે સીપીએમ સહિતના ડાબેરી પક્ષો ક્યાં સ્પર્ધામાં પણ રહ્યા નથી. તેથી આ મનોમંથન ચાલ્યું હતું અને અહેવાલ તૈયાર કરાયો તેમાં આ ડહાપણ તેમને સૂઝ્યું છે. અહેવાલ તૈયાર કરવાનું કામ ઘણા સમયથી ચાલતું હતું, પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જય બજરંગબલીના નારા સાથે બીજી વાર ચૂંટણીમાં જોરદાર જીત મેળવી તેના કારણે સીપીએમનો અહેવાલ વધારે ધ્યાન ખેંચનારો બની ગયો છે.

આપના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે દિલ્હીમાં છેલ્લે અઠવાડિયે ભાજપ અને સંઘના માણસો મહોલ્લે મહોલ્લે નીકળી પડ્યા હતા. તેમના આક્ષેપ પ્રમાણે લોકોનું બ્રેઇનવૉશ કરવાની કોશિશ થઈ હતી. 200 યુનીટ વીજળી માટે અને મફત પાણી માટે શું તમે હિન્દુત્વ જતું કરશો એવો પ્રચારનો મારો ચલાવ્યો હતો, પણ તોય ચાલ્યો નહોતો. મતદાનના દિવસે ભાજપ-સંઘના કાર્યકરો શેરીઓમાં ટોળે વળ્યા હતા અને હિન્દુત્વ માટે વૉટ આપજો એવું જોરથી બોલતા હતા જેથી મતદાન કરવા જનારાના કાન ચમકે. આપનો આક્ષેપ છે કે આ કાર્યકરો જયશ્રી રામના નારા પણ લગાવવા લાગ્યા હતા. જોકે આપના કાર્યકરો પણ એટલા જ ચાલાક નીવડ્યા અને સામે જય બજરંગ બલીના નારા લગાવ્યા હતા.

આ ચર્ચા પરિણામો પછી બહુ થઈ હતી અને તેના કારણે બીજા રાજ્યોના, બીજા પક્ષોના નેતાઓના કાન સરવા થયા છે. વાત નવી નથી કે વિશ્લેષણ નવું નથી. આ વાત તો રામમંદિર આંદોલન શરૂ થયું ત્યારની છે અને મંડલ પંચ સામે કમંડલનું રાજકારણ શરૂ થયું ત્યારની છે. પરંતુ કોંગ્રેસ કે પ્રાદેશિક પક્ષોએ બહુ પરવા કરી નહોતી. કોંગ્રેસની 2014માં જબરદસ્ત હાર થઈ ત્યાર પછી એન્ટની સમિતિ બેઠી હતી. તે સમિતિએ પણ તારણ કાઢ્યું તે આ જ હતું કે કોંગ્રેસને બિનસાંપ્રદાયિકતા નડી ગઈ છે. હિન્દુવિરોધી છાપ ભૂંસવી પડશે એવું તારણ હતું અને તે પ્રમાણે રાજ્યોની ચૂંટણીમાં, ખાસ કરીને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીથી કોંગ્રેસે સોફ્ટ-હિન્દુત્વનો પ્રયોગ પણ કર્યો હતો.

જોકે રાજ્યોના પરિણામો જુદા જુદા પરિબળોને કારણે આવ્યા એટલે કોંગ્રેસને આ પ્રયાસો કેટલા ફળ્યા અને બીજા પરિબળો કેટલા ફળ્યા તેનું આકલન કરવું મુશ્કેલ છે. લોકસભાની ચૂંટણીમાં મામલો ધર્મનો નહિ પણ રાષ્ટ્રવાદનો હતો. પુલવામા અને તે પછી દોકલામમાં એર સ્ટ્રાઇક જ મુખ્ય મુદ્દો હતો તે કદાચ કોંગ્રેસ સમજી નહિ કે સમજવા માગતી નહોતી. સમજ્યા પછી તેનો સામનો કરવાની રીત કદાચ શોધી શકી નહોતી. ભાજપના હિન્દુત્વ સામે સોફ્ટ હિન્દુત્વનું સ્વરૂપ પણ કેવું હોય તે કોંગ્રેસ નક્કી કરી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી તે કરી શકી, કેમ કે તે નવો રાજકીય પક્ષ છે અને તેની પીઠ પર ઐતિહાસિક વિચારસરણીનો બોજ નથી. કોંગ્રેસ માટે દાયકાથી ચાલી આવતી પરંપરા રાતોરાત છોડી દેવી અને યુ ટર્ન લેવો મુશ્કેલ પણ હશે.

એ જ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોની થઈ શકે છે. ડાબેરી પક્ષો પોતાના ખભે સદી જૂના માર્ક્સવાદને ઊંચકીને ફરે છે. માર્ક્સવાદનો પ્રયોગ કરીને રશિયા અને ચીન જેવા દેશો તેમાંથી બહાર પણ આવી ગયા છે. ચીનમાં લોકશાહી નથી આવી, પરંતુ માર્ક્સવાદની જગ્યાએ પૂરેપૂરો મૂડીવાદ આવી ગયો છે. રશિયામાં માર્ક્સવાદની સાથે પોતાનો આગવા પ્રકારનો રાષ્ટ્રવાદ હતો અને સોવિયેટ સંઘની રચના કરીને દુનિયામાં મહાસત્તા બનવાની મહત્ત્વાકાંક્ષા પણ હતી. ભારતમાં આવેલો માર્ક્સવાદ પુસ્તકોના થોથાથી વધુ નક્કર જગ્યા પ્રાપ્ત કરી શક્યો નહોતો. ભારતની ભૂમિમાં દરેક પ્રકારનો વિચાર વારંવાર થઈ ચૂક્યો છે અને વારંવાર વિચારોને નવા વાઘા પહેરાવાતા રહે છે. તેથી કોઈ પણ વિચાર અહીં બંધિયાર રહી શકતો નથી. આટલી સરળ વાત પણ ડાબેરી દિમાગમાં ઉતરી નહિ, કેમ કે તેમના મગજ બંધિયાર થઈ ગયા હતા.

સીપીએમનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું અને તેમાંય આની લાંબી લાંબી ચર્ચાઓ થઈ હતી. તે પછી સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને પક્ષની બધી શાખાઓને મોકલી દેવાયો છે. અધિવેશનમાં થયેલી ચર્ચા પ્રમાણે અમલ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. સૂચનાઓ એવી છે કે મંદિરો અને ધર્મનો મામલો સૌ માટે અંગત મામલો છે અને તેમાં રાજકીય પક્ષ તરીકે આપણે પડવું નહિ તે સ્થિતિ છોડવી પડશે. ધર્મની બાબત સંઘ અને તેની સંસ્થાઓ ભલે સંભાળતી તેવી ઉદાસિનતા છોડવી પડશે. મંદિર અને ધાર્મિક તહેવારોમાં ડાબેરી નેતાગીરીએ અને કાર્યકરોએ સક્રીય થવું તેવી ભલામણ કરાઈ છે. ધાર્મિક સ્થળે હવે કાયમી પુસ્તક મેળા, આરોગ્ય મેળા, પીવાના પાણીની સુવિધા વગેરે ઊભી કરવી અને કાર્યકરોએ ધાર્મિક તહેવારો અને ઉત્સવોમાં હાજરી આપવી તેવી ભલામણ કરાઈ છે. આ રીતે લોકસંપર્કમાં રહેવું પડશે એવું કાર્યકરોને સમજાવાયું છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બીજી વિચારસરણીનું પ્રભુત્વ વધી ગયું છે, તેથી ત્યાં પણ ધ્યાન આપવું અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓ દ્વારા આદિવાસીમાં ધાર્મિકતા વધારવા કોશિશ થાય છે ત્યાં પણ ડાબેરી કાર્યકરોએ સક્રિય થવું તેમ જણાવાયું છે. સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતાઓએ આ અહેવાલની વિગતો જાહેર થયા પછી સીપીએમની મજાક ઉડાવી છે. કોંગ્રેસ અને ટીએમસીએ પણ મજાક ઉડાવી છે કે ડાબેરીઓનું કોઈ વજૂદ રહ્યું નથી ત્યારે આવા કોઈ પ્રયાસો ફળવાના નથી. લોકસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના અધિર રંજને પણ કહ્યું કે સીપીએમને હવે રહી રહીને ધાર્મિકતા યાદ આવી, કેમ કે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ છે. ટીએમસીના સૌગત રાયે કહ્યું કે સીપીએમ પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવે છે, પણ તે હવે પ્રાદેશિક પક્ષ પણ રહ્યો નથી. તેથી પોતાનું અસ્તિત્વ બચાવવા ગતડકાં કરે છે. રાયે આક્ષેપ કર્યો કે સીપીએમનો આ દંભ છે, કેમ કે ભૂતકાળમાં સીપીએમે ધાર્મિક તહેવારોનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે કર્યો જ હતો. ભાજપના નેતા દિલીપ ઘોષને પણ બહુ ચિંતા નથી, કેમ કે તેઓ માને છે કે સીપીએમ રાતોરાત વેશપલટો કરે તેનાથી કંઈ લોકો માની જવાના નથી. જનતામાં તેમનો કોઈ આધાર જ રહ્યો નથી.

નવી નીતિ સામે સીપીએમમાં પણ આંતરિક વિખવાદ છે. પોતાની પાયાની નીતિને રાતોરાત છોડી દેવી મુશ્કેલ હોય છે. કોંગ્રેસ મોટો પક્ષ છે તેથી તેના માટે પદ્ધતિ બદલવી સહેલી નથી હોતી. આપે દિલ્હીમાં થોડા નેતાઓ અને પ્રવક્તાને જ સમજાવવાના હોય છે. કોંગ્રેસમાં દરેક રાજ્યમાં નેતાઓ છે અને તેઓ પરંપરાથી આવતી વિચારસરણીને તાત્કાલિક છોડી શકે નહિ. માર્કેટિંગ અને બ્રાન્ડિંગની આવડત કેળવવી પણ જૂની પેઢીના નેતાઓ માટે મુશ્કેલ હોય છે. સીપીએમના નેતાઓ વિચારસરણીની બાબતમાં વધારે ચુસ્તી દાખવતા આવતા રહ્યા છે ત્યારે તેમના માટેય મૂડીવાદી પ્રકારનું ધર્મનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ મુશ્કેલ સાબિત થશે તેમ મોટા ભાગના લોકો માને છે. પશ્ચિમ બંગાળમાં સીપીએમની આ ચાલથી બહુ ફરક નહિ પડે તેમ લાગે છે. દિલ્હીમાં આપે જય બજરંગબલીના નારા પ્રબળપણે ચલાવ્યા તેના કારણે આ અહેવાલ પર થોડું ધ્યાન ગયું છે. અન્યથા તેની ચર્ચા પણ ના થઈ હોત, કેમ કે હજીય સ્પર્ધા ભાજપ અને મમતા બેનરજીના ટીએમસી વચ્ચે જ છે.