શરદ પવારઃ છેલ્લી લડાઈ પરિવારની લડાઈ બની ગઈ કે?

રદ પવાર જીવનના આઠ દાયકા પૂરા કરવાની તૈયારીમાં છે. 80 વર્ષની ઉંમર રાજકારણમાં અગાઉ ગણાતી હતી તેના કરતાં થોડી મોટી ગણાવા લાગી છે, ખાસ કરીને તમે નિષ્ફળ જવા લાગો ત્યારે. સફળતા મળી રહી હોય ત્યાં સુધી ઉંમર નડતી નથી, પણ સફળતાનો અંત દેખાવા લાગે ત્યારે વૃદ્ધત્વ અચાનક આવી જાય છે. શરદ પવાર એ કિનારે આવીને ઊભા છે. ભારતમાં આઝાદી પછી નવા આવેલા નેતાઓનો ફાલ એવો છે, જેમનો દબદબો રહ્યો હોય, દાયકા સુધી એકહથ્થુ સત્તા રહી હોય, છતાં તેમને વખાણ કરવા માટે તમને શબ્દો ના મળે! તમે સમજ્યા નહિ, તેમના વખાણ કરવાનું મન થાય એવું કોઈ કામ આ દિગ્ગજ, મોટા ગજાના નેતાઓએ કહ્યું હોતું નથી એમ વાત છે. શરદ પવાર એ કેટેગરીમાં આવે છે. જયલલિતા, કરુણાનિધિ, રામરાવ, પટનાયક, મુખરજી, મુલાયમસિંહ, ભજનલાલ, વી.પી. સિંહ જેવા નેતાની યાદીમાં શરદ પવાર આવશે.


તેમના માટે આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણી છેલ્લો રાજકીય જંગ છે. સાથે જ પારિવારિક અને રાજકીય વારસાનો જંગ પણ તેમની સામે આવી પડ્યો છે. મુલાયમસિંહ માટે ગત વખતની વિધાનસભાની ચૂંટણી છેલ્લો રાજકીય અને કૌટુંબિક જંગ હતો. મુલાયમનું શું થયું સૌ જાણે છે. શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચે સંબંધો સારા રહ્યા નથી એવી ચર્ચા મહારાષ્ટ્રમાં બરાબર ચૂંટણી ટાણે જ જાગી છે. સંબંધો બગાડવામાં અને ચર્ચા જગાવવામાં ભાજપના કેટલાક સિનિયર નેતાઓનો હાથ હોવાની શંકા એનસીપીના વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.
ગયા અઠવાડિયે શરદ પવાર માટે રાજકીય ટક્કર આપી શકવાની શક્યતા ઊભી થઈ હતી. હાલની પ્રણાલી પ્રમાણે ભાજપના વિરોધી હોય તેવા નેતાઓને ઈડીની નોટીસ મોકલી આપવામાં આવે છે, તે પ્રણાલી અનુસાર શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર, એનસીપીના પ્રફુલ્લ પટેલ વગેરેને ઈડીની નોટીસ અને બીજી એજન્સીની તપાસની નોટીસો મોકલી દેવામાં આવી છે.

શરદ પવાર જમાનાના ખાધેલા નેતા છે. નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જાહેર સભામાં શરદ પવારના વખાણ કરીને તેમને ‘રાજકીય ગુરુ’ કહ્યા હતા. ચેલા આવા હોય ત્યારે ગુરુ કેટલા ચાલાક હોય તે સમજી શકાય છે. ઈડીની નોટીસ આવતાં જ શરદ પવારે ખેલ પાડવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે જાહેરાત કરી કે પોતે ઈડીની ઓફિસે સામેથી પહોંચી જશે. આ જાહેરાત ભાજપ સરકારને ભારે પડી જાય તેવી હતી. ચિદંબરમ જેવા ઈડીથી નાસતા ફરતા, તેના કારણે તેમની સામેના આરોપો સાચા લાગતા હતા. શરદ પવાર અગાઉ કહ્યું તેમ જમાનાના ખાધેલા નેતા, એટલે તેમણે કહ્યું કે અબ ઘડી તમારી સામે હાજર. તમે બોલાવો કે ના બોલાવો, બંદા હાજર છે. ઈડીએ ઉલટા ના હાથ જોડવા પડ્યા કે ના અમારે તમારી પૂછપરછની હાલમાં જરૂર નથી. તમારે અમારી ઓફિસે આવવાની જરૂર નથી. છાપ એવી પડી કે શરદ પવારે કંઈ છુપાવા જેવું નથી. આ તો તેમને હેરાન કરવા માટેની, રાબેતા મુજબની. ભાજપ સરકારના પોપટ અને કાગડા તરીકે કામ કરતી સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીની હેરાનગતિ છે.


વિપક્ષના એકથી વધુ નેતાઓએ શરદ પવારને ટેકો જાહેર કર્યો. એનસીપીના કાર્યકરો ઈડીની ઓફિસ સામે અગાઉથી જ અડ્ડો જમાવીને બેસી ગયા. શરદ પવાર ખરેખર આવશે તો મોટી ધમાલ થઈ જશે એમ મુંબઈ પોલીસને લાગ્યું એટલે પોલીસ વડાએ શરદ પવારને અપિલ કરવી પડે કે તમે ઈડી ઓફિસે આવશો નહિ. ઈડીએ અને મુંબઈ પોલીસે શરદ પવારે ભાઈ-બાપા કરવા પડ્યા તે સમાચારો પણ બહુ ચગ્યા. આને કહેવાય અસલી નેતા. તમારી સામેની વાતને તમે કેવી રીતે વાળી શકો છો તેના આધારે જ તમે મોટા નેતા બની શકો છો. આફતને અવસરમાં પલટે તે જ રાજકારણી કહેવાય. પરંતુ શરદ પવારના વળતાં પાણી છે અને સમય-સંજોગો તેમની સાથે નથી તે તરત જ સ્પષ્ટ થઈ ગયું.

તરત જ ભાજપ તરફથી વળતો ઘા થયો અને શરદ પવારે ઊભો કરેલો રાજકીય પડકાર તેમની સામેના કૌટુંબિક પડકારમાં ફેરવી નાખવામાં આવ્યો. જાણકારો કહે છે કે મોકો જોઈને અજિત પવારને ઉશ્કેરવામાં આવ્યા. ભાજપના કેટલાક સિનિયર નેતાઓએ બહુ સિફતપૂર્વક અજિત પવાર સુધી એવા મેસેજ પહોંચાડ્યા કે આખી વાતમાં તમે તો બાજુમાં જ રહી ગયા. ઈડીની નોટીસ તમને પણ મળી હતી અને તમારે પણ હિરો થવાનું હતું હિરો માત્ર શરદ પવાર થયા. એટલું જ નહિ વિપક્ષના નેતાઓ તરફથી પવારના સમર્થનમાં નિવેદનો આવ્યા, તેમાં તમારું નામ ક્યાંય નથી.
અજિત પવાર માટે આ ઘા વસમો હતો. તેમણે પત્રકાર પરિષદ ભરીને પોતાને કારણે કાકા શરદ પવારને હેરાન થવું પડે છે તેવું કહ્યું હતું. તેઓ ઇમોશનલ થઈ ગયા હતા અને આંખમાંથી આંસુ પણ સાર્યા હતા. પરંતુ સમગ્ર ધ્યાન શરદ પવાર પર કેન્દ્રીત થયું અને રાષ્ટ્રીય કક્ષાના નિવેદનોમાં તેમનું નામ ક્યાંય દેખાયું નહિ. બીજું શિવસેનાએ પણ શરદ પવારને આ મામલે ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ ‘બદલાનું રાજકારણ’ છે. તેમાં પણ શરદ પવાર જ કેન્દ્રમાં હતા, અજિત પવાર કે એનસીપીની નેતાગીરી કેન્દ્રમાં નહોતી.

મહારાષ્ટ્રની વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં એનસીપીની હાર પછી શરદ પવારની રાજકીય કારકિર્દી પૂર્ણ થવા તરફ છે તેમાં કોઈ શંકા નથી. મુલાયમસિંહની જેમ તેમણે કોરાણે જ બેસી જવાનું છે, પણ તેમનું સ્થાન કોણ લેશે તે હજી નક્કી થયું નથી. મુલાયમસિંહના ભાઈ અને પુત્ર વચ્ચે સ્પર્ધામાં, કાકા અને ભત્રીજાની સ્પર્ધામાં, પુત્ર અને ભત્રીજો ફાવ્યો હતો. અખિલેષે પક્ષ પર કબજો કરી લીધો હતો. એનસીપીમાં લડાઈ પુત્રી અને ભત્રીજા વચ્ચે છે. સુપ્રીયા સુલે રાજકારણમાં સક્રીય થયા છે ત્યારે અજિત પવાર માટે મુશ્કેલી શરૂ થઈ છે. જોકે અત્યાર સુધી શરદ પવાર બંનેને સંભાળીને ચાલતા હતા, પણ છેલ્લા છ મહિનાથી અને લોકસભાની ચૂંટણીની હાર પછી અજિત પવાર અને શરદ પવાર વચ્ચે બોલવાના પણ સંબંધો રહ્યા નથી એમ જાણકારો કહે છે.


પોતાને કારણે શરદ પવારને આરોપોનો સામનો કરવો પડે તેમ છે એવી ઇમોશનલ જાહેરાત કરીને અજિત પવારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું. તે પછી જાહેરમાં તેમના કોઈ નિવેદનો આવ્યા નથી. ઈડીના મામલામાં તેમની સામે પણ બદલાનું રાજકારણ થઈ રહ્યું છે એમ કહીને રાજકીય લડાઈ લડી શકે તેમ હતા, પણ શરદ પવારે જ એવું થવા દીધું નથી એવું લાગતાવળગતા વર્તુળોએ તેમના મનામાં ઠસાવી દીધું. બદલાના રાજકારણથી મારો ભત્રીજો અજિત પવાર અત્યંત ખીન્ન છે અને તેથી જ તેમણે રાજકારણ છોડીને ખેતી અપવાની લેવાનું નક્કી કર્યું છે એવું શરદ પવારે કહ્યું. આ નિવેદન પવારે કેમ આપ્યું તે સ્પષ્ટ નથી, પણ તેને તોડીમરોડીને અજિત પવાર સુધી રજૂ થયું. અજિત પવાર હવે રાજકારણમાં નથી, તેથી એનસીપીના વારસાની સ્પર્ધામાં પણ નથી – આવો અર્થ થાય.
તરત જ અજિત પવારના પુત્ર પાર્થ પવારે જાહેરમાં આવીને નિવેદન આપવું પડ્યું કે તેમના પિતા રાજકારણ છોડી રહ્યાની વાત ખોટી છે. તેમણે કહ્યું કે મારા પિતા એવું કહેતા હતા કે મારે રાજકારણમાં ના આવવું, કેમ કે રાજકારણ બહુ ‘ગંદુ’ છે. આ રીતે ભત્રીજાના પુત્રએ પણ ઈશારો કર્યો કે રાજકારણમાં કેવા કાવાદાવા ચાલતા હોય છે. તેમાં આંતરિક કાવાદાવાની વાત પણ આવી ગઈ.


લાંબા સમય સુધી અજિત પવારને જ શરદ પવારના વારસદાર સમજવામાં આવતા હતા. પવારના પુત્રી સુપ્રીયા રાજકારણમાં સક્રીય થશે તેવું લાગતું નહોતું. રાજ ઠાકરે જ વારસદાર હશે અને ઉદ્ધવ ઠાકરે સક્રીય થશે નહિ તેમ લાગતું હતું. પણ આખરે ઉદ્ધવ ઠાકરે જ અને હવે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સુધી વારસો પહોંચ્યો છે, ત્યારે એનસીપીમાં સ્થિતિ અસ્પષ્ટ છે. અજિત પવાર પાંચ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, પણ તેમનામાં પરિપક્વતા આવી નથી અને નિવેદનબાજીમાં ભૂલો કરી બેસતા હોવાનું શરદ પવારને લાગવા લાગ્યું હતું. જોકે સુપ્રીયા સુલે પણ ગજું કાઢી શક્યા નથી. દરમિયાન બીજા ભત્રીજાનો પુત્ર રોહિત પવાર પણ હવે મેદાનમાં છે. રોહિત પવાર બારામતીમાં જિલ્લા પંચાયતમાં જીત્યો છે. ઇન્ડિયન સુગર મીલ્સ એસોસિએશનનો પ્રમુખ પણ છે. શરદ પવારના ભાઈ પ્રતાપ પવાર સકાલ અખબારના માલિક. તેમના પુત્ર રાજેન્દ્ર અને તેમના પુત્ર રોહિત. રોહિત પવારે હાલમાં અમિત શાહની આકરી ટીકા કરી ત્યારે શિવસેનાના અખબાર ‘સામના’માં તેમના વખાણ થયા હતા. શરદ પવારના મોટા ભાઈ અનંત પવારના પુત્ર અજિત પવાર છે, જ્યારે પ્રતાપ પવાર તેમના નાના ભાઈ છે. અજિત પવારના પુત્ર રોહિત અને પ્રતાપ સુધી ત્રીજી પેઢીમાં વારસાની લડાઈ પહોંચી ગઈ હોય, ત્યારે શરદ પવાર માટે હવે રાજકીય પડકાર કરતાંય કૌટુંબિક પડકાર મોટો હોય તેમ લાગે છે. શિવસેનામાં વચ્ચેના સમયમાં તે પડકાર હતો, તે પૂરો થઈ ગયો છે અને આદિત્ય માટે ડેપ્યુટી મુખ્યમંત્રીનું પદ માગીને ત્રીજી પેઢી માટે હાલમાં ભવિષ્ય નિશ્ચિત થઈ ગયું છે, ત્યારે શરદ પવાર, એનસીપી અને તેમની ત્રીજી પેઢીનું ભાવી ડામડોળ છે.