એક વર્ષ અને 34681 કિલોમીટર….. આ છે ગાંધીની પરિક્રમા….

એક વર્ષમાં તમે ફરી ફરીને કેટલું ફરી શકો? એક હજાર કિલોમીટર? બે હજાર કિલોમીટર? પાંચ હજાર કે પછી દસ હજાર કિલોમીટર? અને, એમાંય જો વાત પોતાના શોખ માટે નહિ, પણ સમાજ માટે કાંઇક કરવાની હોય ત્યારે? કદાચ આટલું ફરવાનું ય અઘરૂં પડી જાય, રાઇટ?

વેલ, શું તમે કલ્પના કરી શકો છો કે મહાત્મા ગાંધીજી તેમના જીવનકાળના એક વર્ષમાં કેટલું ફર્યા હશે? જવાબ છેઃ ૩૪,૬૮૧ કિલોમીટર!

જી હા, તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પણ વર્ષ ૧૯૧૫માં ગાંધીજીએ તેમની યાત્રા મુંબઈથી શરૂ કરી સમગ્ર દેશના ખૂણે-ખૂણા ફરી પોતાની ચળવળ વિશે સમાજને માહિતી આપી અંતે મુંબઈમાં જ પૂર્ણ કરી હતી. આ એક જ વર્ષમાં એ કુલ 34,681 કિલોમીટર ફર્યા હતા!

ગાંધીજીની આ એક વર્ષની કુલ ૩૪,૬૮૧ કિલોમીટર પરકમ્મા અંગે અમદાવાદસ્થિત જાણીતા ઈતિહાસકાર અને લેખક ડૉ. રિઝવાન કાદરીએ હમણાં ‘મહાત્માની પરિક્રમા’ નામે એક પુસ્તક લખ્યું છે. ગાંધી સવાસો એટલે કે ગાંધીજીની 150 મી જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં તેમણે ગાંધીજીની આ એક વર્ષની પરિક્રમા અંગે અગાઉ ક્યાંય દસ્તાવેજીકરણ ન થયું હોય એવી વિગતો એકત્ર કરી છે.

કેવી રીતે આવ્યો વિચાર?

ડો. રિઝવાન કાદરી કહે છે, ‘એક વખત દિલ્હી ખાતે નેહરૂ મેમોરિયલની મુલાકાત લેવાનું થયું ત્યારે ગાંધીજીની એક ડાયરી હાથ આવી, જેમા ગાંધીજીએ પોતાના અક્ષરોથી અનેક માહિતી લખી હતી. જેમાં મોખરે હતા તે ૪૫ સરનામાં. આ સરનામાઓનો ઉલ્લેખ આજ સુધી કોઈપણ પુસ્તકમાં કે ગાંધીજીની આત્મકથા સુધ્ધાંમાં નથી થયો. આ ૪૫ સરનામાં કોના હશે અને શા માટે ગાંધીજીએ તેની નોંધ રાખી હશે તે જાણવાનું કુતુહલ થયું અને એમાંથી આ પુસ્તક લખવાનો વિચાર આવ્યો.

ક્યાં ક્યાં ફર્યા હતા ગાંધીજી?

તેમની યાત્રાના નક્શા તરફ નજર કરીએ તો ગાંધીજી મુંબઈથી મહેમદાબાદ, અમદાવાદ, વઢવાણ, વાંકાનેર, રાજકોટ, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતપુર, ધોરાજી, પોરબંદર, ગોંડલ, રાજકોટ, વીરમગામ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, મુંબઈ, પૂણે, મુંબઈ, બોલપુર, શાંતિનિકેતન, પૂણે, મુંબઈ, શાંતિનિકેતન, કલકત્તા, રંગૂન, કલકત્તા, શાંતિનિકેનત, હરિદ્વાર, કાંગડી ગુરૂકુલ, રૂષિકેશ, કાંગડી ગુરૂકુલ,હરિદ્વાર, દિલ્હી, વૃન્દાવન, મથુરા, મદ્રાસ, માયાવરમ્, મદ્રાસ, નેલૂર, મદ્રાસ, બંગારપેઠ, બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, લીંમડી, અમદાવાદ, પુણે, મુંબઈ, અમદાવાદ, પુણે, મુંબઈ, અમદાવાદ, મુંબઈ, અમદાવાદ, મુંબઈ, અમદાવાદ, સોજીત્રા, પેટલાદ, અમદાવાદ, મુંબઈ, અમદાવાદ, વીરમગામ, વઢવાણ, રાજકોટ, વાંકાનેર, રાજકોટ, ગોંડલ, જેતપુર, વરતેજ, ભાવનગર, અમરેલી, હડાળા, બગસરા, લીંબડી, વઢવાણ, ધ્રાંગધ્રા, વીરમગામ, અમદાવાદ થઇને મુંબઈ…… એમ ફર્યાં હતા અને એ પણ જરાય થાક્યા વિના!

આજની પેઢી તો ગાંધીજીની આ શારીરિક અને માનસિક ફીટનેસમાંથી પણ પ્રેરણા લઇ શકે છે.

વેલ, આજે તો ગાંધીજીની વિદાયને ૭ દસકા જેટલો સમય થઈ ગયો છે તો પણ ગાંધી વિચારકોના મતે ગાંધી હજુ પૂર્ણપણે આપણી સમક્ષ નથી આવ્યા. ગાંધીજીના જીવન વિશેના અનેક દસ્તાવેજો આજે પણ કદાચ કોઈ ગ્રંથાલયમાં કે સંગ્રહાલયોમાં પુસ્તકોનાં પાનાંઓ વચ્ચે દટાયેલા હશે. સત્ય, સ્વચ્છતા, સાદગી, સમાનતા, સહનશિલતા, સ્વદેશી અભિગમ જેવા અનેક પાસાંઓ કોઈ એક વ્યક્તિમાં હોય તો તે છે મોહનદાસ કરમચંદ ગાંધી. વર્ષ ૨૦૧૯ એટલે મહાત્માની ૧૫૦ મી જયંતિનું વર્ષ. તેમની આપણી વચ્ચેથી સ્થૂળદેહે વિદાયનું ૭૨ મું વર્ષ.

ગાંધી એક જ વાક્યમાં…..

આજે જ્યારે ગાંધીજીની આજના સમયમાં પ્રસ્તુતતા કેટલી એવો સવાલ વારંવાર ઉઠાવવામાં આવે છે ત્યારે છે જો ગાંધીજીને એક શબ્દમાં કે એક વાક્યમાં વર્ણવવા હોય તો?

ડો. રિઝવાન કાદરી યોગ્ય રીતે જ કહે છેઃ ‘ગાંધી આજે તો ચોક્કસપણે એક વિચાર છે. અને તેઓ કહેતા પણ કે મારૂ જીવન જ મારો સંદેશ છે.’

(અહેવાલઃ જાહ્નવી જોશી, તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]