હરિયાણા અને મહારાષ્ટ્રઃ ભાજપને જીતાડવા કોંગ્રેસની મહેનત

દેખાય આવે છે. ભાજપને જીતાડવા માટે કોંગ્રેસના નેતાઓ જે મહેનત કરી રહ્યા છે તે હવે સૌને દેખાઈ આવે છે. ખાનગીમાં કોંગ્રેસના કાર્યકરો જાણતા જ હતા, પણ હવે જાહેરમાં આવીને પણ બળાપો કાઢી રહ્યા છે. સંજય નિરુપમે પત્રકારો સામે આવીને લાંબી લાંબી વાતો કરી. તેનો સાર એ હતો કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ જ પક્ષને હરાવવા માટે તૈયાર થયા છે. ઉમેદવારોની પસંદગીમાં કોઈ જ પ્રક્રિયા થતી નથી. સંજય નિરુપમે હરિયાણાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પક્ષની લાઈનથી વિરુદ્ધ હૂડા બોલી રહ્યા છે. સતત બોલી રહ્યા છે, પણ તેમને તો કોઈ કશું કહેતું નથી. જ્યારે મને પૂરો કરી દેવાના પ્રયાસો થાય છે. નિરુપમે ત્યાં સુધી કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાવતરું એઆઈસીસીમાં થાય છે. રાહુલ ગાંધીને અને રાહુલ ગાંધીના ટેકેદાર નેતાઓને ફરી એકવાર કોરાણે કરાઈ રહ્યા છે એવો કહેવાનો ભાવ નિરુપમનો હતો.

નિરુપમ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ હતા. લોકસભાની ચૂંટણી વખત પહેલાંથી જ તેમની સામે અસંતોષ વ્યક્ત થવા લાગ્યો હતો. મિલિન્દ દેવરા જૂથના લોકો તેમની સામે પડ્યા હતા. ચૂંટણીના છેલ્લા થોડા મહિના બાકી રહ્યા હતા ત્યારે ફેરફારો કરવામાં આવ્યા અને નિરુપમને મુંબઈ એકમના પ્રમુખપદેથી દૂર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ત્યારે પોતે કશું ના બોલ્યા, પણ હવે વિધાનસભા વખતે પણ એ જ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસના જ નેતાઓ જાણે પક્ષને ખતમ કરવા બેઠા હોય તેમ લાગે છે. કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી બહુ મુશ્કેલ કાર્ય બની રહ્યું છે. તેમાં કેવા કેવા ગોટાળા થતા હોય છે તેની વાતો ખાનગીમાં ચાલતી રહેતી હોય છે. ટિકિટ ના મળે ત્યારે નારાજ થયેલા નેતાઓ પણ જાહેરમાં આવીને કેટલીક વાતો કહેતા હોય છે. પણ સંજય નિરુપમ જેવા નેતાઓએ વર્ણન કર્યું તેના પરથી ખ્યાલ આવે છે કે બેઝિક બાબતોની કાળજી પણ કોંગ્રેસમાં લેવાતી નથી.

નિરુપમે કહ્યું કે પોતાની પાસે સમગ્ર મુંબઈની જવાબદારી હતી. પોતે મુંબઈને, તેના માહોલને અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને જાણે છે. ચાર દાવેદારને લઈને પોતે મહામંત્રી અને પ્રભારી ખડગેને મળવા ગયા હતા. તેમણે ચારમાંથી એક પણ સાથે વાત ના કરી. બાદમાં ચારેયને ટિકિટ ના મળી. ટિકિટ અન્યને આપવાની વાત ઠીક છે, પણ પોતાની સાથે ચર્ચા પણ ના થઈ, જાણ પણ ના થઈ. તેમણે નામ લીધા વિના એક ઉમેદવારની વાત કરી. આ ઉમેદવાર મારા કરતાં ત્રણ ગણું જાડું શરીર ધરાવે છે. ચાલી શકતા નથી. 77 વર્ષના થઈ ગયા છે. ગયા વખતે હારી ગયા હતા. ત્રીજા નંબરે આવ્યા હતા. તેમણે આ વખતે પોતાના પુત્ર પાસે ટિકિટની અરજી કરાવી હતી. ફરીથી પક્ષે તેમને ટિકિટ આપી દીધી. ગયા વખતે હાર્યા પછી પાંચ વર્ષ આ નેતાએ કશું નહોતું કર્યું, તેમ છતાં તેમને ટિકિટ આપી દેવાઈ. આમાં કશી નવાઈની વાત નથી. આવી ઘટનાઓમાં ફક્ત રાજ્ય જૂદું હોય છે, બેઠક જુદી હોય છે, નેતાઓ જુદા હોય છે, પણ ઘટના લગભગ આવી જ હોય છે. નિરુપમ જેવા સિનિયર નેતાઓએ આ બધી વાતો જાહેરમાં અફસોસ સાથે કરી તેટલા પૂરતું જ આ મહત્ત્વ છે.

મહારાષ્ટ્ર જેવી જ સ્થિતિ હરિયાણામાં છે. હરિયાણાના નેતા ભૂપિન્દર સિંહ હૂડાની વાત તેમણે કરી. હૂડાએ કેટલીક નીતિઓની બાબતમાં, જેમ કે કલમ 370ની નાબુદીમાં પક્ષ કરતાં જૂદું વલણ લીધું હતું. આમ છતાં હૂડાના જૂથનું મહત્ત્વ ઘટ્યું નથી. તેમનું હરિફ જૂથ એટલે હરિયાણાના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અશોક તંવરનું જૂથ. આ વખતે તંવર જૂથને તદ્દન કોરાણે કરી દેવાયું હોય તેવી સ્થિતિ છે. અશોક તંવરે પણ ફરિયાદ કરી છે કે તેમણે 15 કોંગ્રેસી કાર્યકરોની યાદી આપી હતી, જે પક્ષને ઉપયોગી છે અને સારા ઉમેદવાર છે. પણ હૂડાની આગેવાનીમાં કામ કરતી ચૂંટણી સમિતિએ બધા જ 15 કાર્યકરોની અવગણના કરી. હરિયાણાની બીજી યાદી સામે તંવરે વાંધો લીધો હતો, તેમ છતાં નવા પક્ષપ્રમુખ કુમારી સેલજાએ તેને જાહેર કરી દીધી.

હરિયાણાના પ્રદેશ પ્રમુખપદેથી તંવરને હટાવીને મહિના પહેલાં જ કુમારી સેલજાને મૂકવામાં આવ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાંથી તંવર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા. હવે મજા જુઓ, તે વખતે હૂડા જૂથે ટિકિટોની વહેંચણીનો વિરોધ કર્યો હતો. પોતાના જૂથને પ્રદેશ પ્રમુખે અન્યાય કર્યો છે એમ કહીને હૂડાએ વિરોધ કર્યો હતો.
બીજા કારણો સાથે હૂડા જૂથનો વિરોધ પણ લોકસભાની ચૂંટણીમાં નડ્યો હતો. હવે આ વખતની ચૂંટણીમાં તંવર જૂથનો વિરોધ પક્ષને નહિ નડે? આમાં ક્યાં પ્રશ્ન પૂછવાનો આવે છે, હાસ્તો વળી. મુંબઈમાં મિલિન્દ દેવરા અને સંજય નિરુપમની લડાઈ, બીજા કારણોસર પક્ષને નડી જ હતી. આ વખતે પણ નડશે. સવાલ જ ક્યાં છે. સોનિયા ગાંધી ફરી પક્ષપ્રમુખ બન્યા છે, ત્યારે જૂના જોગી ભૂપિન્દર હૂડાને ફરી છુટ્ટો દોર મળ્યો હોય તેવું લાગે છે. નિરુપમનો ઇશારો પણ તે તરફ જ હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે લોકસભા ચૂંટણી વખતે પણ એઆઈસીસીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કાવતરાં થઈ રહ્યા હતા. ચૂંટણીમાં કારમી હાર પછી એઆઈસીસીની બેઠક મળી, તેમાં રાહુલ ગાંધીએ તડાફડી મચાવી હતી તે કદાચ આવા જ કોઈ સંદર્ભમાં હતી તેવો ઈશારો નિરુપમ કરી રહ્યા છે.


રાહુલ ગાંધીએ તંવર જેવા 43 વર્ષના યુવાન નેતાને આગળ કરીને હરિયાણામાં પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. તેની સામે હવે 73 વર્ષના જૂના જોગી હૂડાની હાક હવે વાગવા લાગી છે. મુંબઈમાં 77 વર્ષના હારેલા ઉમેદવારને પસંદ કરાયા તેનો ખાસ ઉલ્લેખ કરીને નિરુપમ રાહુલની યુવા ટીમ સામે જૂના જોગીઓ નડતર છે તે વાત કહી રહ્યા છે.
અશોક તંવર અજય માકેનના સગામાં થાય છે. માકેન પણ રાહુલની ટીમના સભ્ય ગણાય છે. માકેન એટલે શંકર દયાલ શર્માના જમાઈ. આ બધા નવી પેઢીના નેતાઓની રાહુલ ટીમ બની રહી હતી. તંવરને સૌથી નાની ઉંમરે રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ સમગ્ર વાત પર પાણી ફરી વળ્યું છે. કોંગ્રેસના નેતાઓને પક્ષને રિવાઇવ કરવામાં રસ જ નથી. તે લોકોને પોતાનું જૂથ મજબૂત કરવામાં રસ છે. જૂથબંધી રાજકીય પક્ષોમાં નવી વાત નથી. પણ ઉપર મજબૂત નેતા હોય ત્યારે જૂથ બંધી કાબૂમાં રહે છે અને ઉલટાના જૂથો વચ્ચે સારી કામગીરી કરવાની હોડ લાગે છે. એક જમાનામાં કોંગ્રેસમાં એ થતું હતું. આજે ભાજપમાં એ થાય છે. ભાજપમાં ટોચ પર બે મજબૂત નેતા છે. તેઓ બધા જ જૂથોને કાબૂમાં રાખે છે.

સંજય નિરુપમે પોતાના કાર્યક્ષેત્રમાં આવતી ચાર બેઠકો માટે ઉમેદવારોની પસંદગીમાં તેમનો અભિપ્રાય પણ ના લેવાયો તેની વાત ખાસ કરી છે. તેની સામે સરખામણી કરો કે ગુજરાતમાં ખાસ મહત્ત્વની નહિ એવી પેટાચૂંટણીમાં ભાજપમાં ઉમેદવાર પસંદગી કેવી રીતે થઈ. સ્પષ્ટપણે દિલ્હીના મોવડીઓએ ટિકિટો નક્કી કરી. ગુજરાત ભાજપમાં પણ જૂથો છે અને દરેક જૂથે પોતપોતાના ટેકેદારો માટે ટિકિટો માગી હતી. મોવડીઓએ જૂથો વચ્ચે બેલેન્સ કર્યું અને અમરાઇવાડી જેવી બેઠકમાં જૂથ વિનાના નેતાને, જગદીશ પટેલને ટિકિટ આપી દીધી. શંકર ચૌધરીને ટિકિટ જ ના આપી અને લુણાવાડામાં વિરોધ છતાં સરપ્રાઇઝ ઉમેદવારને ટિકિટ આપી. ભાજપ અને તેમના ટોચના નેતા જૂથ બંધીનો ઉપયોગ કરીને પક્ષને જીત મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં ટોચ પરથી કશું થઈ રહ્યું નથી, જૂથો પક્ષને હરાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ કોઈ નવી શોધ નથી, મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં તેનું રિપિટેશન થયું છે તેની જ જરાક અમથી નવાઈ લાગે છે. જરાક અમથી એટલા માટે કે આટલી મોટી હાર પછી થોડી કાળજી ક્યાંક લેવાતી જોવા મળી હોત. કમ સે કમ જૂથો એક થઈ ગયા હોત કે પક્ષને ભેગા મળીને બચાવો, તો કાલે આપણે અંદરોઅંદર લડી લેવા માટે બચીશું.


એવું પણ નથી થયું. કોંગ્રેસ જ બંને રાજ્યોમાં ભાજપને જીતાડવા માટે મહેનત કરી રહ્યો છે તેવી છાપ પડી છે. હવે પોતે 24 ઑક્ટોબરે પરિણામો જાહેર થાય ત્યારે જ પત્રકારોને મળશે એમ નિરુપમે જણાવ્યું હતું. શું થયું, કેમ થયું તેની વાત કરીશ એમ તેમણે કહ્યું. પણ હકીકતમાં ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. શું થઈ રહ્યું છે તેની જાણે તેમણે અત્યારે જ કરી દીધી છે અને 24 ઑક્ટોબરનું પરિણામ પણ જાહેર કરી દીધું છે – નિરુપમ પોતે પણ એક જૂથના નેતા જ છે. તેઓ સારી રીતે જાણે છે કે પોતે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે…-

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]